વોર્ડ-12માં ગંદા પાણી મુદ્દે સ્થાનિકોનો હોબાળો:રાજકોટમાં કોંગ્રેસે શાસકોની નિષ્ફળતા ગણાવી વિરોધ કર્યો, ભાજપનાં પૂર્વ મેયરે ઉંદરોને જવાબદાર ગણાવ્યા

Gujarat4/8/2026, 2:55:52 PM
વોર્ડ-12માં ગંદા પાણી મુદ્દે સ્થાનિકોનો હોબાળો:રાજકોટમાં કોંગ્રેસે શાસકોની નિષ્ફળતા ગણાવી વિરોધ કર્યો, ભાજપનાં પૂર્વ મેયરે ઉંદરોને જવાબદાર ગણાવ્યા
રાજકોટ શહેરના વોર્ડ-12માં આવેલ ગોવર્ધન ચોક નજીક આર્યમાન સોસાયટીના રહીશોએ આજે ગંદા પાણીની ગંભીર સમસ્યાને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓ અને સ્થાનિકોએ થાળી-વેલણ વગાડી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ચૂંટણીના માહોલ વચ્ચે થયેલા આ વિરોધને પગલે કોંગ્રેસના ઉમેદવારો અને ભાજપના પૂર્વ મેયર ડો. પ્રદીપ ડવ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જેના કારણે આ સમસ્યા રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપનું કેન્દ્ર બની ગઈ હતી. કોંગ્રેસ ચૂંટણી સમયે આ મુદ્દાને રાજકીય રંગ આપી રહી છે ભાજપના નેતા ડો. પ્રદીપ ડવે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ડ્રેનેજ લાઈનો અને કુંડીઓ સંપૂર્ણપણે સ્વચ્છ છે. તેમણે દાવો કર્યો હતો કે કેટલાક ઘરોની ખાનગી કુંડીઓમાં ઉંદરોએ નુકસાન કર્યું હોવાથી તેમાં પ્રદૂષિત પાણી પ્રવેશી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ ચૂંટણી સમયે આ મુદ્દાને રાજકીય રંગ આપી રહી છે અને લોકોમાં ગેરસમજ ઉભી કરી રહી છે. જોકે અધિકારીઓને સ્થળ પર બોલાવી સમસ્યાના ઉકેલની ખાતરી પણ તેમણે આપી હતી. બીજી તરફ, કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સત્તાધારી પક્ષની નીતિ 'ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે' જેવી છે. વારંવારની રજૂઆતો છતાં સ્થાનિકોની સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે વિચિત્ર બહાના કાઢી રહી છે. ઉનાળાના વેકેશનમાં પોરબંદર-આસનસોલ તેમજ ઓખા-દિલ્હી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેનો પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાના વેકેશનમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે રાજકોટ ડિવિઝન થઈને પસાર થતી બે મહત્વની સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે પોરબંદર-આસનસોલ અને ઓખા-શકૂર બસ્તી વચ્ચે વિશેષ ટ્રેનો ચલાવશે. આ ટ્રેનોનાં કુલ 48 ફેરા મુસાફરોની સુવિધામાં વધારો કરશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09205 પોરબંદર-આસનસોલ સાપ્તાહિક સ્પેશિયલ 13 એપ્રિલથી 29 જૂન, 2026 સુધી દર સોમવારે સવારે 8.50 કલાકે પોરબંદરથી ઉપડશે અને બુધવારે સવારે 6.45 કલાકે આસનસોલ પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 09206 આસનસોલથી દર બુધવારે ઉપડી શુક્રવારે રાત્રે 21.50 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન જામનગર, રાજકોટ, અમદાવાદ અને રતલામ જેવા મુખ્ય સ્ટેશનો પર સ્ટોપેજ ધરાવશે. બીજી તરફ, ઓખા અને દિલ્હી પાસેના શકૂર બસ્તી વચ્ચે સુપરફાસ્ટ સમર સ્પેશિયલ ટ્રેન દોડશે. ટ્રેન નંબર 09523 ઓખા-શકૂર બસ્તી સ્પેશિયલ 14 એપ્રિલથી 30 જૂન, 2026 દરમિયાન દર મંગળવારે સવારે 10.20 કલાકે ઓખાથી ઉપડી બીજા દિવસે 10.35 કલાકે શકૂર બસ્તી પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09524 શકૂર બસ્તીથી દર બુધવારે ઉપડી બીજા દિવસે બપોરે 13.00 કલાકે ઓખા પરત ફરશે. આ ટ્રેન દ્વારકા, જામનગર, રાજકોટ, મહેસાણા, પાલનપુર અને જયપુર થઈને પસાર થશે. આ બંને સ્પેશિયલ ટ્રેનોમાં એસી, સ્લીપર અને જનરલ કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. મુસાફરો આ ટ્રેનો માટે 10 એપ્રિલ, 2026થી આઈઆરસીટીસીની વેબસાઇટ અથવા રિઝર્વેશન સેન્ટરો પરથી બુકિંગ કરાવી શકશે. નકલી પનીર પીરસતી હોટલો સામે મનપાનું તંત્ર લાલઘૂમ રાજ્ય સરકાર દ્વારા નકલી અને બિનઆરોગ્યપ્રદ પનીરનું વેચાણ અટકાવવા માટે લેવામાં આવેલા કડક નિર્ણય બાદ રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે. શહેરની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ આઉટલેટ્સમાં સઘન ચેકિંગ હાથ ધરીને આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં 44 જેટલી પેઢીઓને નોટિસ ફટકારી છે. રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ જો કોઈ હોટલ વનસ્પતિજન્ય ફેટમાંથી બનેલા 'એનાલોગ' પનીરનો ઉપયોગ કરતી હોય, તો તેણે મેનૂ કાર્ડ અને ડિસ્પ્લે બોર્ડ પર સ્પષ્ટપણે તેની જાણકારી આપવી અનિવાર્ય છે. ગ્રાહકોને અંધારામાં રાખીને અસલી પનીરના નામે એનાલોગ પનીર પીરસવું એ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ છેતરપિંડી અને મિસ બ્રાન્ડિંગનો ગુનો બને છે. આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે, અનેક જાણીતી હોટલોએ શુદ્ધ પનીર અને એનાલોગ પનીરના બોર્ડ મારવાની શરૂઆત કરી દીધી છે. જોકે, જે પેઢીઓ આ નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે તેમને કડક સૂચના આપવામાં આવી છે. હવેથી પનીર ટીક્કા મસાલા જેવા વ્યંજનોમાં જો એનાલોગ પનીર હોય તો તેનું નામ 'એનાલોગ ટીક્કા મસાલા' લખવું પડશે. જે પેઢીઓ આ આદેશનું પાલન નહીં કરે તેમની સામે ફૂડ સેફ્ટી એક્ટની કલમ 51, 53 અને 59 મુજબ દંડ અથવા લાયસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય રીતે એનાલોગ પનીરમાં સિન્થેટિક નોન-ડેરી વેજીટેબલ ઓઇલ અને સ્ટાર્ચ જેવા તત્વો હોય છે, જે અસલી પનીર કરતા સસ્તું હોય છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 44 રેસ્ટોરન્ટને આ મામલે નોટિસ આપીને સુધારો કરવા આદેશ અપાયો છે. મનપા દ્વારા કોઈ જાહેરાત વિના એડવાન્સ વેરા વળતર યોજનાનો પ્રારંભ રાજકોટ મનપા દ્વારા નવા નાણાકીય વર્ષના પ્રારંભે દર વર્ષની જેમ એડવાન્સ વેરા વળતર યોજનાનો આજથી કોઈ સત્તાવાર જાહેરાત વગર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ 31 મે સુધી પુરૂષ મિલકત ધારકોને 10 ટકા અને મહિલા મિલકત ધારકોને 15 ટકા વળતર આપવામાં આવશે, જે જૂન મહિનામાં ઘટીને અનુક્રમે 5 અને 10 ટકા થઈ જશે. ઓનલાઈન પેમેન્ટ કરનાર, દિવ્યાંગો અને નિવૃત સૈનિકોને વધારાનું 1 ટકા વળતર મળવાપાત્ર છે. જાહેરાતના અભાવ છતાં પ્રથમ દિવસે બપોર સુધીમાં જ 2200 થી વધુ કરદાતાઓએ અંદાજે રૂ. 1.25 કરોડનો વેરો ભરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2025-26 માં 4,63,564 કરદાતાઓએ 447.95 કરોડનો મિલકત વેરો જમા કરાવ્યો હતો. જેમાં વેસ્ટ ઝોન 189.90 કરોડ સાથે મોખરે રહ્યો હતો. જોકે, આ વખતે આચારસંહિતાનું કારણ ધરીને ફૂડ ચેકિંગ અને રોગચાળાના રિપોર્ટ જેવી જાહેર હિતની માહિતીઓ રોકવામાં આવતા તંત્રની કામગીરીની સામે અનેક સવાલો પણ ઉભા થયા છે. હાલ તમામ ઝોન અને વોર્ડ ઓફિસ તેમજ સિવિક સેન્ટરો પર વેરો સ્વીકારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
Read Original Article →