બિલ્ડર પુત્રને બચાવવા રાજકોટ પોલીસનો પ્રયાસ!:વોલ્વો કારથી BRTS રેલિંગને નુકશાન પહોચાડ્યું છતાં પબ્લિક પ્રોપર્ટી ડેમેજની ફરિયાદ નહીં, નશા મામલે FSL રિપોર્ટની રાહ
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર 13 મેને બુધવારે બપોરના 1 વાગ્યા આસપાસ બિલ્ડર મહેશભાઈ પીપળીયાના પુત્ર ધવલે બેફામ વોલ્વો કાર ચલાવી એક સાથે ચાર ફોર-વ્હીલ અને એક ટુ-વ્હિલરને હડફેટે લીધા હતાં. આ અકસ્માતમાં બાઈક સવાર દંપતીને ગંભીર ઇજા સાથે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના સમયે હાજર લોકો અને અકસ્માતનો ભોગ બનેલા લોકોનું કહેવું છે કે, કારચાલક ચિકાર નશાની હાલતમાં હતો. જો કે, આમ છતાં હજુ સુધી કારચાલક સામે કાર્યવાહી કરવામાં ન આવતા પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. એટલું જ નહીં BRTS રેલિંગને નુકસાન પહોચાડ્યું હોવા છતાં પબ્લિક પ્રોપર્ટી ડેમેજ અંગે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી, માટે કારચાલક બિલ્ડર પુત્ર ધવલ મહેશભાઈ પીપળીયાને બચાવવાની ભૂમિકામાં પોલીસ હોય તેવું લાગી રહ્યુ છે. અકસ્માતમાં ચાર લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ શહેર એસીપી વી. બી. જાડેજાએ જણાવ્યું કે, ગઈકાલે માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરના 1 વાગ્યા આસપાસ કાળા કલરની વોલ્વો કાર(GJ03 NF5666)નો ચાલક પુરપાટ ઝડપે બેફિકરાઈ પૂર્વક ચલાવી અન્ય ચાર મોટરકાર અને એક બાઈકને અડફેટે લીધું હતું. આ અકસ્માત દરમિયાન એક મહિલા સહિત ચાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ લોકોએ કારચાલકને માર માર્યો હોવાથી પોલીસ દ્વારા તાત્કાલિક તેમને સારવાર આર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ઈજાગ્રસ્ત અશ્વિનભાઈ કથરેચાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. FSL રિપોર્ટમાં નશામાં હોવાનું ખુલશે તો કલમોનો ઉમેરો કરાશેઃ SP
વધુમાં જણાવ્યું કે, પોલીસ દ્વારા આરોપી કારચાલક ધવલ પીપળીયાને હોસ્પિટલ ખસેડી તેના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. તે નશાની હાલતમાં હતો કે કેમ? તે ચકાસવા રિપોર્ટ પૃથ્થકરણ માટે FSLમાં મોકલ્યા છે, જેનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો આગળ કલમનો ઉમેરો કરવામાં આવશે. આ ઉપરાંત અકસ્માત દરમિયાન BRTS રેલિંગને નુકસાન પહોંચ્યું હોવાના પુરાવા મળ્યે પબ્લિક પ્રોપર્ટી ડેમેજ અંગેની કલમનો ઉમેરો કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, અકસ્માતમાં BRTS રેલિંગને નુકસાન પહોંચ્યું છે તેના સ્પષ્ટ ફૂટેજ પણ સામે આવ્યા છે, આમ છતાં કાર્યવાહી ન કરવામાં આવતા પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. નાના મવા સર્કલના વળાંકથી બાલાજી હોલ ચોક સુધી અકસ્માત કર્યા
આરોપી ધવલ નાનામવા રોડ પર આવેલ શ્રીરાજ રેસીડેન્સીમાં રહે છે. ગઈકાલે બપોરના સમયે ત પોતાની બાંધકામ સાઈટ પર જઇ રહ્યો હતો, ત્યારે નાના મવા સર્કલથી વળાંક લઇ પોતે બાલાજી હોલ ચોક પાસે પહોંચતા સુધી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં મારુતિ અલ્ટો કાર નંબર જીજે.03.ડીજી.8591, મારુતિ સુઝુકી સ્વીફ્ટ કાર નંબર જીજે.03.સીઆર.4644, હ્યુન્ડાઇ કંપનીની ઓરા કાર નંબર જીજે.03.એનબી.6567, મહિન્દ્રા કંપનીની XUV 7OO જીજે.03.પીએમ.4912 અને એક હોન્ડા સાઈન જીજે.03.ઇએચ.7163ને નુકશાન પહોંચ્યું હતું.
Read Original Article →