3 દિવસથી જીવાતવાળા પાણીનું વિતરણ:રાજકોટનાં વેલનાથપરાનાં લોકોમાં ભારે રોષ, ક્લોરિન યુક્ત પાણીનાં વિતરણની વાતો પોકળ હોવાનો પૂર્વ કોર્પોરેટરનો આરોપ

Gujarat5/27/2026, 8:24:11 AM
3 દિવસથી જીવાતવાળા પાણીનું વિતરણ:રાજકોટનાં વેલનાથપરાનાં લોકોમાં ભારે રોષ, ક્લોરિન યુક્ત પાણીનાં વિતરણની વાતો પોકળ હોવાનો પૂર્વ કોર્પોરેટરનો આરોપ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડ વિસ્તારોમાં ક્લોરિન યુક્ત પાણી વિતરણ કરવામાં આવી રહ્યાનો દાવો પોકળ સાબિત થતો હોય તેમ દિવસે દિવસે દુષિત, દુર્ગંધ યુક્ત પાણી વિતરણની ફરિયાદો સતત વધી રહી છે.‌ તાજેતરમાં વોર્ડ નંબર 10ના જીવનનગર સહિતની 10 જેટલી સોસાયટીમાં પણ દુષિત પાણીનું વિતરણ થતું હોવાની ફરિયાદ સાથે સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા હતા.‌ ત્યારે હવે વોર્ડ નંબર 4ના આખા વેલનાથ પરા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી જીવાત વાળું દુષિત અને દુર્ગંધ મારતું પાણી વિતરણની ફરિયાદ સાથે મહિલાઓ એકઠી થઈ હતી અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, હવે શહેરના વોર્ડ નંબર 4માં સમાવિષ્ટ આખેઆખા વેલનાથપરા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી નળ વાટે અત્યંત જીવાતવાળું, ભારે દૂષિત અને અસહ્ય દુર્ગંધ મારતું પાણી વિતરણ થઈ રહ્યું છે. આ અતિશય દૂષિત પાણીના વિતરણની ગંભીર ફરિયાદ સાથે આ વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં એકઠી થઈ ગઈ હતી અને પાણીના વાસણો સાથે રાખીને તંત્ર સામે પોતાનો ઉગ્ર આક્રોશ અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, ઘરોમાં જે પાણી આવી રહ્યું છે તેમાં નરી આંખે જોઈ શકાય તેવી જીવાતો અને ઈયળો તણાતી આવે છે. આવું ગંદું પાણી રસોઈ કરવા કે પીવાના ઉપયોગમાં લેવું તો દૂર, અન્ય ઘરકામમાં વાપરવા લાયક પણ રહ્યું નથી. છેલ્લા 3 દિવસથી આખો વિસ્તાર આ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યો છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. વોર્ડ નંબર 4ના પુર્વ કોર્પોરેટર ઠાકરશીભાઈ ગજેરાએ દિવ્યભાસ્કર સમક્ષ જણાવ્યા મુજબ વોર્ડ નંબર 4ના આખાં વેલનાથ પરા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી જીવાત વાળું દુષિત અને દુર્ગંધ મારતું પાણી નળ વાટે વિતરણ કરવામાં આવે છે. જે પાણી જરાપણ પીવા લાયક નથી. મહાપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં ક્લોરિન યુક્ત પાણી વિતરણ થતું હોવાનો દાવો કરવામાં આવે છે. પણ આ ખાલી કહેવા પુરતી અને કાગળમાં બતાવવા પુરતી જ કામગીરી છે. વેલનાથપરામાં જીવાત વાળું દુષિત અને દુર્ગંધવાળું પાણી વિતરણ થતુ હોવાની મહાનગર પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા ત્રણ દિવસથી કોઈ જ કામગીરી કરવામાં આવી ન હોવાનો રોષ તેમણે વ્યકત કર્યો હતો.‌ આ પ્રકારનું ગંદું પાણી પીવાથી વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે. હાલમાં પણ ઘરે-ઘરે તાવ અને ઝાડા-ઉલટીનાં દર્દીઓ હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. અને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટેની માંગ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારા પછાત અને શ્રમિક વિસ્તારમાં માત્ર પીવાના પાણીની જ સમસ્યા છે એવું નથી, પરંતુ સફાઈ વ્યવસ્થાની પણ એટલી જ ગંભીર સમસ્યા લાંબા સમયથી પ્રવર્તી રહી છે. અમારા સમગ્ર વિસ્તારમાં કાયમી ધોરણે ઠેર-ઠેર ગંદકી અને કચરાના મોટા ઢગલાઓ જોવા મળે છે, જેના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો છે. મહાનગરપાલિકાના સફાઈ કામદારો પણ પોતાની ફરજ પ્રત્યે જરાય ગંભીર નથી, તેઓને મન પડે ત્યારે જ સફાઈ કરવા આવે છે અને અવારનવાર ગેરહાજર રહે છે. કચરો ઉપાડવાની ગાડીઓ પણ નિયમિત આવતી નથી, જેના લીધે સમગ્ર વિસ્તારમાં રહેવું મુશ્કેલ બન્યું છે.
Read Original Article →