રાજકોટમાં સૌરાષ્ટ્રના UPSCના 2437 ઉમેદવારોની પરીક્ષા:પરીક્ષાર્થીએ પેપર લીક અંગે જવાબ આપવાનું ટાળ્યું, 9 કેન્દ્રો પર પાણી-ORS, મેડિકલ સહિતની વ્યવસ્થા કરાઈ
દેશભરમાં IAS અને IPS બનવા માટેની પ્રતિષ્ઠિત UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા આજે 24 મે, રવિવારના રોજ રાજકોટ શહેરમાં પણ ચુસ્ત સુરક્ષા અને વિશેષ વ્યવસ્થાઓ વચ્ચે યોજાઈ રહી છે. રાજકોટમાં સૌરાષ્ટ્રભરમાંથી નોંધાયેલા 2,437 ઉમેદવારો માટે કુલ 9 પરીક્ષા કેન્દ્રો તૈયાર કરાયા. ઉનાળાના આકરા તાપ અને લૂની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારો માટે પીવાનું પાણી, ઓઆરએસ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ફેસ ડિટેક્શન અને મેટલ ડિટેક્ટરથી ચેકિંગ, 2 કલાક વહેલો પ્રવેશ
રાજકોટ શહેરમાં આ 12મી વખત UPSCની પરીક્ષાનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષામાં ડિજિટલ કે અન્ય કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે ઉમેદવારોનું અત્યાધુનિક ફેસ ડિટેક્શન અને મેટલ ડિટેક્ટર વડે કડક શારીરિક તપાસ કર્યા બાદ જ વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પરીક્ષા બે શિફ્ટમાં (સવારે 09:30થી 11:30 અને બપોરે 02:30થી 04:30 વાગ્યા સુધી) યોજાશે, જેના માટે ઉમેદવારોની સુવિધા અર્થે પરીક્ષા શરૂ થવાના 2 કલાક પૂર્વેથી જ કેન્દ્રના મુખ્ય પ્રવેશદ્વાર ખોલી દેવાયા હતા. ‘હાલ હું માત્ર પરીક્ષા આપવા માગું છું’, પેપર લીક મુદ્દે શિક્ષિકાએ બોલવાનું ટાળ્યું
ગાંધીધામથી રાજકોટ પરીક્ષા આપવા આવેલાં અને હાલ શિક્ષક તરીકે ફરજ બજાવતાં મહિલા ઉમેદવાર ખુશ્બૂએ જણાવ્યું કે, UPSC પ્રિલિમ્સની પરીક્ષા ખૂબ જ અઘરી હોય છે, પરંતુ મેં તેના માટે સખત તૈયારી કરી છે. અગાઉ મેં CBSE દ્વારા લેવાતી CTET (સેન્ટ્રલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) પાસ કરી છે અને હવે મારું સપનું IAS બનવાનું છે. જોકે, દેશ અને રાજ્યમાં ચાલતા પેપર લીકના વિવાદ અંગે જ્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે વિવાદથી દૂર રહીને સ્માર્ટલી જવાબ આપવાનું ટાળ્યું હતું. માત્ર એટલું જ કહ્યું કે, હાલ તો હું આ પરીક્ષા શાંતિથી આપી દઉં, મારે આ બાબતે કંઈ કહેવું નથી. આકરા તાપ સામે વહીવટી તંત્ર સજ્જ
શહેરની સદગુરુ મહિલા કોલેજ કેન્દ્રના સ્થળ સંચાલક અમિત જોષીએ વહીવટી સજ્જતા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમારા કેન્દ્ર ખાતે 480 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. ઉનાળાના આકરા તાપને જોતાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે પીવાના ઠંડા પાણીની સાથે ORS અને જો કોઈ ઉમેદવારની તબિયત લૂ લાગવાના કારણે બગડે તો તાત્કાલિક સારવાર મળી રહે તેવી ખાસ મેડિકલ ઈમરજન્સી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. રાજકોટના આ મુખ્ય કેન્દ્રો પર પરીક્ષા
શહેરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આઈ.પી. મિશન, કણસાગરા કોલેજ, જસાણી કોલેજ અને સદગુરુ મહિલા કોલેજ સહિત કુલ 9 જેટલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા, જ્યાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં કસોટી સંપન્ન થઈ છે.
Read Original Article →