ટીપી સ્કીમમાં ડ્રાફ્ટ વિરુદ્ધ નિર્ણયો લેવાયાનો આરોપ:રાજકોટનાં મોટામૌવા, મુંજકા, કોઠારીયા સહિતની 9 ટીપી સ્કીમોમાં અન્યાય અને કપાતનાં નામે છેતરપીંડી કરાઈ, ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિની રજુઆત

Gujarat5/13/2026, 1:36:42 PM
ટીપી સ્કીમમાં ડ્રાફ્ટ વિરુદ્ધ નિર્ણયો લેવાયાનો આરોપ:રાજકોટનાં મોટામૌવા, મુંજકા, કોઠારીયા સહિતની 9 ટીપી સ્કીમોમાં અન્યાય અને કપાતનાં નામે છેતરપીંડી કરાઈ, ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિની રજુઆત
રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં વર્ષો પહેલા જાહેર થયેલી 9 જેટલી ટાઉન પ્લાનિંગ (ટી.પી.) સ્કીમોના અમલ અને તેની અંતિમ મંજૂરી પ્રક્રિયામાં વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલા ઘોર વિલંબ અને ખેડૂતોની જમીન કપાતમાં લેવાતા મનસ્વી નિર્ણયો સામે આજે ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અસરગ્રસ્ત જમીનધારકોએ આજે રાજકોટ મહાનગરપાલિકા અને ટાઉન પ્લાનિંગ ઓફિસરને રજૂઆત કરી કાયદાકીય જોગવાઈઓના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે, મોટા મવા 23-24 જેવી ટી.પી. સ્કીમોના ઇરાદા જાહેર થયાને 17 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છે. આ સ્કીમોમાં 91% કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, ટી.પી.ઓ. દ્વારા કપાત કરવાની માનસિકતા સાથે એકપક્ષીય નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓ પ્રેક્ટિકલ નિવારણ લાવવાને બદલે ડ્રાફ્ટ પ્લાન વિરુદ્ધ જઈને જમીનમાલિકોને ગુમરાહ કરી રહ્યા છે. સમિતિએ ટી.પી.ઓ. મોનાબેન હસ્તકની વિવિધ સ્કીમો જેવી કે રાજકોટ-31, મોટા મવા-23, 24, મુંજકા-19, કોઠારીયા-38, 39, વડ-વાજડી-43 અને ગઢ-વાજડી-77 માં વ્યાપક અન્યાય થતો હોવાની ફરિયાદ કરી છે. ખાસ કરીને મુંજકા-18 અને 19 ના કિસ્સામાં વિસંગતતા દર્શાવતા જણાવ્યું હતું કે, બંને સ્કીમોના ડ્રાફ્ટ સાથે મંજૂર થયા હતા, જેમાં મુંજકા-18 માં કોઈ કપાત કરવામાં આવી નથી, તો મુંજકા-19 માં કપાતનું ધોરણ વધારીને અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે? વધુમાં રજૂઆતમાં જણાવ્યા અનુસાર, જીટીપીયુડી (GTPUD) કાયદા હેઠળ જમીન સંપાદન માટે સંસદ દ્વારા પસાર કરાયેલા 2013 ના અધિનિયમ મુજબ પારદર્શિતા અને વાજબી વળતરના સિદ્ધાંતોનું પાલન થવું જોઈએ. જોકે, રાજકોટમાં અધિકારીઓ આ માર્ગદર્શિકાનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. ખેડૂતોએ માંગ કરી છે કે બીનખેતી થયેલા પ્લોટ કે મૂળ માલિક પાસે બાકી રહેતા પ્લોટમાં કપાત ન કરવી જોઈએ. આ સાથે ડ્રાફ્ટ સ્કીમ મુજબ જ કપાતની ટકાવારી યથાવત રાખવી જોઈએ. ખેડૂતો પાસેથી 40% જમીન કપાત લેવાની સાથે બેટરમેન્ટ ચાર્જ વસૂલવાની કોઈ કાયદાકીય જોગવાઈ નથી, જે બંધ થવી જોઈએ. ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, રાજકોટમાં અંદાજે 20 જેટલા ટી.પી.ઓ. ફરજ બજાવે છે, પરંતુ માત્ર અમુક અધિકારીઓના મનસ્વી વલણને કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. વારંવાર ગાંધીનગરના નામે ખોટા બહાના બતાવીને ફાઈલો અટકાવી રાખવામાં આવે છે. 15/7/2025 ના રોજ યોજાયેલા હિયરિંગમાં 80% થી વધુ ખાતેદારોએ સ્વતંત્ર અંતિમ ખંડ ફાળવવા માટે સોગંદનામા સાથે સંમતિ આપી હોવા છતાં વહીવટીતંત્ર અને ડીઆઈએલઆર (DILR) કચેરી વચ્ચેના સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. ખેડૂત સમિતિએ ગંભીર નોંધ લેતા જણાવ્યું કે, 1992 અને 2004 ની માર્ગદર્શિકા મુજબ ટી.પી.એસ. તૈયાર કરવાનું કામ 2 વર્ષમાં પૂર્ણ થવું જોઈએ. પરંતુ અધિકારીઓ જમીન સંપાદન કરી નફાખોરીમાં જ રસ ધરાવે છે અને 10 થી 30 વર્ષ સુધી યોજનાઓ રઝળતી મૂકી દે છે. ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ-40, 44 અને 45 ના ખોટા અર્થઘટનથી શહેરીકરણની સમસ્યાઓ વધી રહી છે. અંતમાં, સમિતિએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે વ્યવહારુ નિવારણ લાવવામાં નહીં આવે અને નવા પારદર્શક અધિકારીની નિમણૂક નહીં થાય તો આ લડત વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
Read Original Article →