પ્રેમલગ્ન બાદ સંસારમાં ભંગાણ અને ધંધામાં મંદી ન જીરવાઈ:રાજકોટના હડાળા ગામે 33 વર્ષીય યુવકે ચુંદડી વડે ફાંસો ખાધો, બે માસૂમ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

Gujarat6/3/2026, 2:23:10 PM
પ્રેમલગ્ન બાદ સંસારમાં ભંગાણ અને ધંધામાં મંદી ન જીરવાઈ:રાજકોટના હડાળા ગામે 33 વર્ષીય યુવકે ચુંદડી વડે ફાંસો ખાધો, બે માસૂમ દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના ત્રણ બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં પત્ની રિસામણે ગયા બાદ હડાળાના યુવાને, છૂટાછેડા થઈ ગયા બાદ કોઠારીયાના યુવાને અને વાવડીમાં યુપીના શ્રમિકે અગમ્ય કારણો સર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ત્રણેય મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. વાવડીમાં યુપીના શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું પ્રથમ બનાવમાં વાવડી વિસ્તારમાં સોનુકુમાર ચૌહાણ (ઉં.વ.25)એ ગઈકાલે સવારે પોતાના કંપની ક્વાર્ટરની ઓરડીમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આ પછી તેમની સાથે કામ કરતો તેનો મિત્ર પાણી પીવા માટે રૂમમાં ગયો ત્યારે તેને સોનુને એંગલમાં ગમછો બાંધીને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો જેથી તેણે અન્ય શ્રમિકોને બોલાવ્યા હતા બાદમાં પોલીસને જાણ કરી હતી. 108ના EMTએ સ્થળ પર યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો. પોલીસ તપાસમાં મૃતક મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને તેણે આસામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. સોનુ બે ભાઈ અને બે બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું સામે આવ્યું છે. હાલમાં જ પત્ની માવતરે આસામમાં ડિલિવરી કરવા ગઈ હતી. ગઈકાલે સોનુ કામ કરતો હતો ત્યારે કંપનીમાં અધૂરું કામ મૂકીને દોડીને તેની રૂમમાં ગયો હતો અને બાદમાં આત્મઘાતી પગલું ભરી લીધું હતું. પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. છૂટાછેડા થઈ ગયા બાદ યુવાને આપઘાત કર્યો રાજ શાંતિલાલ કાપડિયા (ઉં.વ.22)એ ગઈકાલે રાત્રીના 9 વાગ્યા આસપાસ પોતાના ઘરે રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો લાંબા સમય સુધી તે બહાર ન આવતા તેમના નાનાએ જઈને રૂમમાં જોતા તેમનો દોહિત્ર રાજ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. નાનાએ બુમાબુમ કરતા પરિવારના સભ્યો અને પાડોશીઓ પણ દોડી ગયા હતા. 108ના EMTએ રાજને મૃત જાહેર કર્યો હતો. પોલીસ તપાસમાં રાજ તેના માતા પિતાનો એકનો એક પુત્ર હોવાનું અને તેના પિતાને આજીડેમ રોડ પર સહજાનંદ ટાયર નામની દુકાન હોવાનું સામે આવ્યું છે. પોતે ઇલેક્ટ્રિક કામ કરતો હતો. 4 મહિના પહેલા તેના પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતા. હાલ તે નાના સાથે રહેતો હતો. બનાવ અંગે જાણ થતા ભક્તિનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પત્ની રિસામણે ગયા બાદ હડાળા ગામે યુવકનો આપઘાત નરેશ મધુભાઈ રાબડીયા (ઉ.વ.33) આજે સવારે પોતાના ઘરે હતો ત્યારે છતના હુકમાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને જાણ થતા પોલીસ અને 108માં કરતા 108ના EMTએ તપાસી નરેશને મૃત જાહેર કર્યો હતો. પોલીસ તપાસમાં નરેશે પ્રેમ લગ્ન કર્યા હોવાનું અને સંતાનમાં બે દીકરી હોવાનું સામે આવ્યું છે. પ્રેમ લગ્ન કર્યાં હોવાથી નરેશના સાસરીયા પક્ષના લોકોએ પહેલેથી જ ઓછો વ્યવહાર રાખ્યો હતો જોકે 15 દિવસ પહેલા કોઈ બાબતે પતિ પત્ની વચ્ચે અણબનાવ બનતા પૂર્વીશાબેન બંને દીકરીઓને લઈને પોતાના માવતર જતા રહ્યા હતા અને ધંધામાં મંદી રહેતા આર્થિક ભીંસ પણ હતી. પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. યુવાને આપઘાત કરતા બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
Read Original Article →