મંદિરોના ડિમોલિશન મામલે VHP મેદાને:અર્જુન જ્વેલર્સમાં આવકવેરા વિભાગના દરોડા, પીવાનું પાણી ન આવતા મહિલાઓએ ચક્કાજામ કર્યો

Gujarat5/14/2026, 2:45:38 PM
મંદિરોના ડિમોલિશન મામલે VHP મેદાને:અર્જુન જ્વેલર્સમાં આવકવેરા વિભાગના દરોડા, પીવાનું પાણી ન આવતા મહિલાઓએ ચક્કાજામ કર્યો
રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મંદિરોના ડિમોલિશન મામલે VHP મેદાને આવ્યું છે. ડિમોલિશન અટકાવવા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત અર્જુન જ્વેલર્સમાં આવકવેરા વિભાગના દરોડાથી ઝવેરીઓમાં ફફડાટ ફેલાયો છે. તો કુવાડવા રોડ ઉપરના ગુરુદેવ પાર્કમાં પીવાનું પાણી ન આવતા મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો. '14 મંદિરોનું ડિમોલિશન કરવાના રિપોર્ટ મળ્યા છે' વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પરેશભાઈ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, 14 મંદિરોને લઈને મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા ડિમોલિશન કરવાની છે. લોકોના ધ્યાનમાં ન આવે એ રીતે રાતોરાત ડિમોલિશન થવાનું છે તેવા રિપોર્ટ અમને મળ્યા છે. જેથી કલેકટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. મ્યુનિસિપલ કમિશનર હાજર નથી જ્યારે અમે કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આ ડિમોલિશન પર બ્રેક લગાવવામાં આવે. આસ્થાના કેન્દ્ર રૂપ મંદિરો હોય તેના ઉપર ડિમોલિશન ન થવું જોઈએ. જે માટે શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને ભાનુબેન બાબરીયાને ફોન કર્યો હતો. જોકે મેયર નક્કી કરવા માટેની બેઠક હોવાથી વ્યવસ્થિત જવાબ મળ્યો ન હતો. મહાનગરપાલિકા દ્વારા રસ્તા ઉપર નડતરરૂપ નથી તેવા મંદિરોને હટાવવામાં ન આવે તેવી અમારી માંગણી છે. જ્યારે અધિકારીઓ એવું કહે છે કે અમને ઉપરથી આદેશ છે તે પ્રમાણે કરવું પડે. અર્જુન જ્વેલર્સમાં IT ના દરોડાથી ઝવેરીઓમાં ફફડાટ રાજકોટમાં આવકવેરા વિભાગે નવા નાણાંકીય વર્ષમાં પ્રથમ સ્પોટ વેરીફીકેશન સર્વે હાથ ધર્યો છે. શહેરના મવડી વિસ્તારમાં અર્જુન જ્વેલર્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગના ટોચના સૂત્રોના કહેવા પ્રમાણે ઈન્વેસ્ટીગેશન અને ક્રિમીનલ વિંગ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી. ચોક્કસ બાતમીના આધારે અધિકારીઓની ટીમ ત્રાટકી હતી અને હિસાબી સરવૈયા-સ્ટોક વેરીફિકેશન વગેરે કાર્યવાહી કરવામાં આવી હતી. સોના-ચાંદીના ભાવોમાં છેલ્લા મહિનાઓમાં મોટી ઉથલપાથલ થઇ હતી. ઉપરાંત સરકાર દ્વારા આયાત જકાતમાં ધરખમ વધારો કરાતા ભાવમાં જોરદાર તેજી થઇ હતી.આ ઘટનાક્રમ વચ્ચે આવકવેરા વિભાગે જ્વેલર્સ પર સર્વે હાથ ધરતાં ઝવેરી બજારમાં ખળભળાટ સર્જાયો છે. ગુરુદેવ પાર્કમાં બે દિવસથી પાણી ન આવતા મહિલાઓ રસ્તાઓ પર ઉતરી કુવાડવા રોડ પર ગુરૂદેવ પાર્ક વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. છેલ્લા બે દિવસથી વિસ્તારમાં પાણી ન આવતું હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ રસ્તા પર ચક્કાજામ કરી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. વિરોધના કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર પર અસર પડી હતી. સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે વારંવાર પાણીની સમસ્યા સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલી મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સમજાવટ બાદ મહિલાઓએ ચક્કાજામ દૂર કર્યો હતો અને વાહનવ્યવહાર પૂર્વવત્‌‍ થયો હતો. સિક્યુરિટી વિના વર્કિંગ કેપિટલ લોનની 87 અરજીઓ બેંકે મંજૂર કરી ભારત સરકાર દ્વારા કોવિડથી અસરગ્રસ્ત શેરી ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિ યોજના થકી તેઓની આજીવિકા પુન:સ્થાપિત કરી શકે તે હેતુથી વર્કિંગ કેપિટલ લોન મળી રહે તે માટે યોજના માર્ચ- 2030 સુધી લાગુ કરવામાં આવેલી છે. જેના ભાગરૂપે શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણીમાં ફેરિયાઓ તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. આ યોજનામાં સમગ્ર શહેરના હોકર્સ ઝોન અને શહેરના છુટાછવાયા સ્થળે ફેરી કરતા મહત્તમ શેરીફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર નવા લાભાર્થીઓ માટે લોન ફોર્મ ભરવા તથા જે લાભાર્થીઓની લોન અરજી બેંક લેવલે મંજુરી માટે પેન્ડીંગ છે, તેમની અરજીઓના નિકાલ, લોન મેળવેલ ફેરિયાઓ માટે ગઈકાલે રોજ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોજનાના કેમ્પનું આયોજન કરાતા કેમ્પમાં 104 લાભાર્થીઓએ લાભ લીધો હતો. તેમજ કેમ્પના સ્થળ પર 87 લોન અરજીઓ મંજુર કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપને વિચારથી વ્યવસાય સુધી પહોંચાડવા માર્ગદર્શન કેમ્પ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ્સ એન્ડ ઈન્ટરશીપ કાઉન્સીલ દ્વારા તાજેતરમાં સ્ટાર્ટઅપ્સને ઈન્વેસ્ટમેન્ટ રેડી બનાવવા માટે યુનિ.ના ડો.એ.પી.જે. અબ્દુલ કલામ કમ્બાઈન સાયન્સ લેબોરેટરી ખાતે બે દિવસીય વિશેષ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં યુવા ઈનોવેટર્સ સ્ટાર્ટઅપ, સ્થાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પમા કુલપતિ ડો.ઉત્પલ જોશીએ સંબોધન કરી યુવાનોને નવીનતા સંશોધન અને ઉદ્યોગ સાહસિકતા તરફ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ સ્ટાર્ટઅપના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બૂટકેમ્પનો મુખ્ય હેતુ યુવા ઉદ્યોગ સાહસિકોને વ્યવહારૂ માર્ગદર્શન પુરૂ પાડવાનો તથા સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ અંગે ઉંડાણપૂર્વકની સમજ વિકસાવવાનો હતો.કાર્યક્રમ દરમિયાન ભાગ લેનારાઓને પીચ ડેક તૈયાર કરવાની પધ્ધતિ, ઈન્વેસ્ટર્સ સમક્ષ અસરકારક પ્રેઝન્ટેશન, બિઝનેસ સ્ટ્રેટેજી, ટીમ બિલ્ડીંગ, માર્કેટ પોઝિશનિંગ તથા સ્ટાર્ટઅપ સ્કેલીંગ અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત મેન્ટરશીપ અને ઈન્ટરેકિટવ નેટવર્કીંગ સેશન દ્વારા ભાગ લેનારાઓને અનુભવી ઉદ્યોગસાહસિકો, પેન્ટર્સ અને ક્ષેત્રના નિષ્ણાતો સાથે સીધી ચર્ચા માર્ગદર્શન મેળવવાની ઉતમ તક પ્રાપ્ત થઈ હતી.આ કાર્યક્રમ દ્વારા સ્ટાર્ટઅપને વિચારથી વ્યવસાય સુધીની સફરમાં જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરૂ પાડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ન્યૂ ભગવતીપરામાં અંગ્રેજી માધ્યમની સરકારી હાઇસ્કૂલમાં ધો.9 માં પ્રવેશપ્રક્રિયાનો પ્રારંભ રાજકોટ શહેરમાં ન્યૂ ભગવતીપરા વિસ્તાર, નવીન ટાવરની પાછળ આવેલી અંગ્રેજી માધ્યમની સરકારી હાઇસ્કૂલમાં ધોરણ-9 માટે પ્રવેશપ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખાનગી શાળાઓ જેવી જ અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી આ શાળામાં તદ્દન મફત અથવા રાહત દરે ઉપલબ્ધ થશે. આ શાળામાં 40 જેટલા વિશાળ, હવા-ઉજાસવાળા અને સ્માર્ટ બોર્ડ ધરાવતા હાઈટેક વર્ગખંડોમાં ડિજિટલ એજ્યુકેશન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેમ્પસમાં 140થી વધુ હાઈ-ડેફિનેશન CCTV કેમેરા અને સુસજ્જ ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવામાં આવી છે. પ્રાયોગિક શિક્ષણ માટે અહીં અદ્યતન સાયન્સ લેબોરેટરી અને ટેકનોલોજીના જ્ઞાન માટે ICT (કોમ્પ્યુટર) લેબની સુવિધા ઉપલબ્ધ છે. રમત-ગમત ક્ષેત્રે ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ માટે તૈયાર કરતું વિશાળ મેદાન પણ આ સંકુલ ધરાવે છે. આ ઉપરાંત, કેન્ટીન, કાઉન્સેલિંગ રૂમ, મીટિંગ હોલ અને વિશાળ પાર્કિંગ જેવી વિદ્યાર્થીલક્ષી સેવાઓ પણ વિકસાવવામાં આવી છે. શહેરના મુખ્ય ભાગો સાથે જોડાણ માટે સિટી બસની સીધી સુવિધા (રૂટ નં.43/86) પ્રાપ્ય છે. વધુ માહિતી માટે અલ્પેશ કપુપરા, ફોન નંબર: 99783 90600 ઉપર સંપર્ક સાધી શકાશે. સરકારી ગોડાઉનોમાં અનાજનો ત્રણ મહિનાનો સ્ટોક રાખવા તાલુકાઓના મામલતદારોને સૂચના આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'પ્રી-મોન્સૂન પ્રિપેર્ડનેસ' (ચોમાસા પૂર્વની તૈયારીઓ) અંગેના આદેશો જારી કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશની સૂચના મુજબ જિલ્લા પુરવઠા અધિકારી એ. એસ. ઝાંપડા દ્વારા તમામ મામલતદારોને સૂચના આપી દેવામાં આવી છે કે વાવાઝોડું, અતિવૃષ્ટિ કે ભારે પૂર જેવી કુદરતી આપત્તિના સમયે પણ નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો અવિરત મળતો રહે તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે. આ ઉપરાંત નીચાણવાળા અને સંપર્ક વિહોણા બની શકે તેવા સંભવિત વિસ્તારોની વાજબી ભાવની દુકાનો પર ચોમાસા પહેલા જ અનાજનો પૂરતો જથ્થો પહોંચાડી દેવા તથા દરેક તાલુકાના ગોડાઉનમાં ઓછામાં ઓછા ત્રણ માસની જરૂરિયાત મુજબનો અનાજનો જથ્થો જળવાઈ રહે તેવું આયોજન કરવા જણાવાયું છે. જો ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ થાય, તો અસરગ્રસ્ત ગામો સુધી ડમ્પર અથવા હાઈ-ચેસીસ વાહનો દ્વારા પુરવઠો પહોંચાડવા માટે ડ્રાઈવરો અને વાહનોની યાદી તૈયાર રાખવા મામલતદારોને સૂચના અપાઈ છે. આપત્તિ સમયે અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવા તેમજ જિલ્લા અને તાલુકા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સતત સંકલનમાં રહેવા જણાવાયું છે. તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલનો અનામત જથ્થો રાખવા અને ગેસ એજન્સીઓને ગેસ સિલિન્ડરનો બાકી રહેલ બેકલોગ શૂન્ય કરી સમયસર વિતરણ કરવા આદેશ અપાયા છે. મોટરકારની સીરિઝ GJ-03-QDનું ઈ-ઓક્શન 22 મેથી શરૂ કરાશે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા મોટરકાર પ્રકારના વાહનોને લગતી સીરિઝ GJ-03-QDનું ઈ-ઓક્શન તા.22 મેથી શરૂ કરવામાં આવશે. જેમાં પસંદગીના નંબર મેળવવા ઇચ્છુક વાહનમાલિકો તેમના વાહનનું http://parivahan.gov.in/fancy પર રજિસ્ટ્રેશન કરીને ભાગ લઈ શકશે. નવી સીરિઝના પસંદગીના નંબર મેળવવા માટે તા.22 મેના રોજ સાંજે 4 કલાકથી તા.1 જૂનના રોજ સાંજે 4 કલાક દરમિયાન ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તેમજ તા.1 જૂનના રોજ સાંજે 4.01 કલાકથી તા.3 જૂનના રોજ સાંજે 4 કલાક સુધી ઓનલાઇન ઓક્શનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.3 જૂનના રોજ સાંજે 4.15 કલાકે પરિણામ ઓનલાઇન જાહેર થશે. મોટર વાહનોની સીરિઝ GJ-03-QCનું રી-ઓક્શન 21 મેથી શરૂ કરાશે રાજકોટ આરટીઓ દ્વારા મોટર સાયકલ પ્રકારના વાહનોને લગતી સીરિઝ GJ-03-QC રી-ઓક્શન આગામી તા.21 મેથી શરૂ કરાશે. જેમાં GJ-03-QC તથા અગાઉની સીરિઝના બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું http://parivahan.gov.in/fancy પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરીને રી-ઓક્શનમાં ભાગ લઈ શકશે. ગોલ્ડન, સિલ્વર નંબર મેળવવા માટે તા.21 મેના રોજ 4 કલાકથી તા.24 મેના 4 કલાક દરમિયાન ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તેમજ તા.24 મેના 4.01 કલાકથી તા.26 મેના 4 કલાક સુધી ઓનલાઇન ઓક્શનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.26 મેના રોજ 4.15 કલાકે પરિણામ ઓનલાઇન જાહેર થશે. પતિના ત્રાસ અને કુશંકા વચ્ચે સંઘર્ષ કરતી મહિલાની વ્હારે આવી 181 અભયમ ટીમ રાજકોટમાં એક વખત ફરી મહિલા હેલ્પલાઇન 181એ તૂટી રહેલા પરિવારને બચાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલમાં એક પીડિત બહેને મહિલા હેલ્પલાઇન પર કોલ કરી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી કે, ‘મારો પતિ વારંવાર શંકા રાખી માનસિક તેમજ શારીરિક હેરાનગતિ કરે છે. મને ન્યાય અપાવો.’માહિતી મળતા જ 181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર બીનાબેન તેમની ટીમ સાથે તાત્કાલિક અસરથી પીડિત બહેનની મદદ માટે દોડી ગયા હતા. સ્થળ પર પહોંચી ટીમ દ્વારા પીડિત બહેનનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બહેને જણાવ્યું હતું કે, તેના લગ્નને અંદાજે 4 વર્ષ થયા છે અને તેમણે પ્રેમલગ્ન પરિવારની મરજી વિરુદ્ધ કર્યા હતા. દંપતીને બે નાના બાળકો છે. જેથી પરિવારનું ગુજરાન ચલાવવા તેઓ પતિની સાથોસાથ ઘરકામ કરી મદદરૂપ બનતા હતા.બીનાબેને જણાવ્યું કે, પીડિતા બહેન કામ પર જાય ત્યારે નાના બાળકોને સાથે રાખીને જતા. થોડા સમય પહેલા પડોસમાં ઘરકામ માટે ગયેલા પીડિતાએ બાળકો રમતા-રમતા ઘરની બહાર ના જતા રહે તે માટે પાડોશીને ઘરનો દરવાજો બંધ રાખવા કહ્યું હતું. આ બાબતે પતિને જાણ થતા પતિએ શંકા કરવાનું ચાલુ કર્યું હતું. શંકાખોર પતિએ આ સામાન્ય વાતને પણ ગેરઅર્થમાં લઈ પત્ની પર આક્ષેપો કર્યા હતા. જેથી 181 ટીમ દ્વારા પતિને કડક શબ્દોમાં સમજાવવામાં આવ્યો હતો કે, પત્ની પર બિનપાયાદાર શંકા રાખવી અને તેના પર હાથ ઉઠાવવો કાયદેસર ગુનો છે. ટીમે બહેનને જરૂર પડે તો આશ્રય અને સુરક્ષા અંગે પણ હૈયાધારણા પાઠવી હતી.ટીમની સમજાવટ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી પત્ની અને બાળકો પ્રત્યે પોતાની ફરજો નિભાવવાની ખાતરી આપી હતી.
Read Original Article →