રાજકોટની તાલુકા પંચાયતોમાં ભાજપનાં સુકાનીઓ જાહેર:રાજકોટ સહિત 11 તાલુકામાં પ્રમુખ-ઉપપ્રમુખ માટેનાં ફોર્મ ભરાયા, કારોબારી ચેરમેન સહિતના અન્ય નામો આવતીકાલે જાહેર થશે

Gujarat5/22/2026, 12:23:36 PM
રાજકોટની તાલુકા પંચાયતોમાં ભાજપનાં સુકાનીઓ જાહેર:રાજકોટ સહિત 11 તાલુકામાં પ્રમુખ-ઉપપ્રમુખ માટેનાં ફોર્મ ભરાયા, કારોબારી ચેરમેન સહિતના અન્ય નામો આવતીકાલે જાહેર થશે
રાજકોટ જિલ્લાની તમામ 11 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી પત્રો ભરાઈ જતાં સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ પ્રદેશ નેતાગીરીના આદેશથી રાજકોટમાં વિજયાબેન દાફડા અને વર્ષાબેન ખુંટ, કોટડાસાંગાણી, લોધીકા, જેતપુર અને જામકંડોરણા જેવી તમામ તાલુકા પંચાયતોમાં પક્ષના સત્તાવાર દાવેદારોએ ફોર્મ સબમિટ કર્યા છે. માત્ર સિંગલ ફોર્મ જ ભરાયા હોવાથી આ તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવું ચિત્ર સ્પષ્ટ બન્યું છે, જેઓની સત્તાવાર વરણી આવતીકાલે મળનારી પ્રથમ જનરલ બોર્ડની બેઠકમાં વિધિવત રીતે કરવામાં આવશે. તો કારોબારી ચેરમેન સહિતના અન્ય મહત્વના નામોની જાહેરાત પણ આવતીકાલે જ કરાશે. રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં નવા સુકાનીની વરણી માટેની રાજકીય પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સમગ્ર રાજકોટ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને સત્તાના સૂત્રો કબજે કર્યા હતા. જિલ્લા પંચાયત, તમામ 11 તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓમાં ભાજપને સ્પષ્ટ બહુમતી સાંપડી છે. આ પંચાયતોમાં શાસનધૂરા સંભાળનારા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આજે તમામ તાલુકા મથકો પર ફોર્મ ભરવાની કામગીરી ઉત્સાહભર્યા માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા અંતર્ગત પ્રદેશ નેતાગીરી દ્વારા શિસ્તબદ્ધ રીતે તમામ 11 તાલુકા પંચાયતો માટે પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. હાઈકમાન્ડ દ્વારા લીલીઝંડી મળતા જ નિયુક્ત કરાયેલા ઉમેદવારોને ફોર્મ ભરવા માટેના જરૂરી મેસેજ મોકલી દેવામાં આવ્યા હતા. પક્ષના આદેશને પગલે તમામ સંભવિત હોદ્દેદારોએ સ્થાનિક અગ્રણીઓ અને સમર્થકોની વિશાળ હાજરીમાં પોતપોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. આવતીકાલે વિધિસરની ચૂંટણી યોજાય તે પૂર્વેની આ પ્રક્રિયાથી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. રાજકોટ તાલુકા પંચાયતની વાત કરીએ તો, અહીં પ્રમુખ પદ માટે વિજયાબેન પ્રેમજીભાઇ દાફડા તથા ઉપપ્રમુખ પદ માટે વર્ષાબેન ખુંટ દ્વારા વિધિવત રીતે ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ મહત્વપૂર્ણ પ્રસંગે તાલુકાના સિનિયર અગ્રણીઓ ઢોલરીયા, ચેતન પાણ સહિતના પક્ષના અનેક મોવડીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આવતીકાલે નવી ચૂંટાયેલી પાંખનું પ્રથમ જનરલ બોર્ડ મળનાર છે, જેમાં આ હોદ્દેદારોની વરણી પર સત્તાવાર મહોર મારવામાં આવશે. અહીં માત્ર 2 જ ફોર્મ ભરાયા હોવાના કારણે તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવે તેવું ચિત્ર અત્યારથી જ સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લાની અન્ય તાલુકા પંચાયતોમાં પણ ભાજપના શાસકોએ ફોર્મ સબમિટ કરીને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. કોટડાસાંગાણી તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે કામીનીબા રવિરાજસિંહ જાડેજા તથા ઉપપ્રમુખ પદે દિપ્તીબેન ભાવેશભાઇ પડાલીયાના નામ સાથે ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ જ પ્રકારે લોધીકા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે કાજલબેન સુધીરભાઇ તારપરા અને ઉપપ્રમુખ પદ માટે શૈલેષ રાઠોડનું ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જેતપુર અને જામકંડોરણા તાલુકામાં પણ નવા સુકાનીઓ નક્કી થઈ ગયા છે. જેતપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે ભાવનાબેન નવનીતભાઇ ખુંટ તથા ઉપપ્રમુખ તરીકે વિજયાબેન ભરતભાઇ ધાધલે તેમની ઉમેદવારી નોંધાવી છે. જ્યારે જામકંડોરણા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે સંજયભાઇ બાબરીયા તથા ઉપપ્રમુખ તરીકે કલ્પનાબા જીતેન્દ્રસિંહ જાડેજાએ પણ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. રાજકોટ જિલ્લાની તમામ 11 તાલુકા પંચાયતોમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખના નામો ચિત્રની જેમ સાફ થઈ ચૂક્યા છે. આજે માત્ર મુખ્ય પદો માટે જ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હોવાથી, શાસક પક્ષના આંતરિક વર્તુળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે પંચાયતના વહીવટમાં મહત્વની ભૂમિકા ભજવતા કારોબારી ચેરમેન સહિતના અન્ય મહત્વના અને બાકી રહેતા હોદ્દાઓ માટેના નામોની સત્તાવાર જાહેરાત કાલે જનરલ બોર્ડની બેઠક દરમિયાન જ કરવામાં આવશે.
Read Original Article →