રાજકોટમાં આપઘાતના બે બનાવ:પતિની પ્રથમ પુણ્યતિથિએ વિરહમાં પત્નીનો પણ ઝેરી દવા પી આપઘાત, ત્રણ મહિના પહેલા જ બંધાયેલા યુગલના લગ્નજીવનનો કરૂણ અંત
રાજકોટ શહેરમાં વધુ બે આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં સાધુવાસવાણી રોડ પર પાટીદાર રેસીડેન્સીમાં કૃતિબેન નામની 25 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે જયારે બીજા બનાવમાં 45 વર્ષીય મેહુલભાઈ પરમારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પોલીસ તપાસમાં પરિણીતા પતિના વિરહમાં રહેતી હતી અને ગઈકાલે પતિની પ્રથમ પુણ્યતિથિ હોવાથી ગઈકાલે પોતે પણ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે જયારે 45 વર્ષીય મેહુલભાઈએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બન્ને મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલી પાટીદાર રેસિડેન્સીમાં અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં 25 વર્ષીય કૃતિબેન લાલજીભાઈ રંગાણીએ પોતાના પતિના વિરહમાં ઝેરી દવા પીને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. એન્જીનીયર કૃતિબેન વેબ ડેવલોપર તરીકે કામ કરતા હતા અને તેમના પિતા લાલજીભાઈ યુનિવર્સિટી રોડ પર ઠંડા પીણાનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કૃતિબેનના લગ્ન માત્ર ત્રણ મહિના પહેલા જ થયા હતા.
ગત 20 એપ્રિલના રોજ કૃતિબેનના પતિએ આર્થિક ભીંસ અને અન્ય કારણોસર આપઘાત કરી લેતા કૃતિબેન આઘાતમાં સરી પડ્યા હતા. પતિના મૃત્યુનો આઘાત તેઓ સહન કરી શક્યા ન હતા અને સતત વિરહમાં જીવી રહ્યા હતા. પતિના અવસાનના બરાબર એક મહિના બાદ એટલે કે 20 મેના રોજ કૃતિબેને પણ માનસિક આઘાત અને પતિના વિરહમાં અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવમાં મેહુલભાઈ દેવજીભાઈ પરમાર (ઉ.વ.45) ગઈકાલે રાત્રે 10.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતો ત્યારે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારના સભ્યોએ રૂમનો દરવાજો ખખડાવતા દરવાજો ન ખોલતા તોડીને જોતા મેહુલભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યાં હતા તેમને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગેની જાણ થતા માલવિયાનગર પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, મેહુલભાઈને સંતાનમાં એક 20 વર્ષનો પુત્ર છે અને પોતે મજૂરી કામ કરતા હતા. થોડા સમયથી આર્થિક ભીંસ હોવાના કારણે પગલું ભરી લીધું હોવાનું અનુમાન છે માટે હાલ પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →