રાજકોટમાં આપઘાતના ત્રણ બનાવ:બીમારીથી કંટાળી વૃદ્ધે અને બે બહેનોના એકના એક ભાઈએ ગળેફાંસો ખાધો, ગૃહક્લેશથી કંટાળી આધેડે ઝેરી દવા પીધી
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના ત્રણ બનાવ સામે આવ્યા છે. જેમાં યુવાન, આધેડ અને એક વૃદ્ધનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં બીમારીથી કંટાળી વૃદ્ધે તથા અગમ્ય કારણોસર બે બહેનોના એકના એક ભાઈએ ગળેફાંસો લગાવી આપઘાત કર્યો છે. જ્યારે ગૃહક્લેશથી કંટાળી આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ બનાવ અંગે જાણ થતા સ્થાનિક પોલીસે ત્રણેયના મૃતદેહને પોસમોર્ટમ માટે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રથમ બનાવ: બીમારીથી કંટાળી વૃદ્ધનો આપઘાત
રાજકોટના રાજનગર ચોક પાસે રાધાનગરમાં રાધાકૃષ્ણ સોસાયટી શેરી નંબર 2માં રહેતા છગનભાઈ લાલજીભાઈ પીપળવા (ઉં.વ.63) આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે બીજા માળે આવેલા રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. સવારે મોળે સુધી ન આવતા તેમના બહેને ઉપર જઈ દરવાજો ખખડાવ્યો હતો આમ છતાં દરવાજો ન ખોલતા પરિવારના સભ્યો અને પાડોશીને બોલાવતા દરવાજો તોડી જોતા છગનભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા જે બાદ તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે તપાસી મૃત જાહેર કર્યા હતા. મૃતક વૃદ્વ ત્રણ બહેન એક ભાઇમાં મોટા અને અપરિણીત હતા જેઓ પોતાના બહેનની સાથે રહેતા હતા. તેમને લાંબા સમયથી પેટની બીમારી હતી જેની સારવાર કરાવવા છતાં બીમારીમાં કોઈ ફરક ન પડતા બીમારીથી કંટાળીને પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. હાલ માલવીયાનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ઘરી છે. બીજો બનાવ: ગૃહ ક્લેશથી કંટાળી અશ્વિનભાઈ કાચાએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી
રાજકોટના વાવડી રોડ પર આવેલા વૃંદાવન સિટી એપાર્ટમેન્ટમાં રહેતા અશ્વિનભાઈ રણછોડભાઈ કાચા (ઉં.વ.48) ગઈકાલે સાંજે 7 વાગ્યાં આસપાસ પોતાના ઘર પાસે આવેલ RMCના ગાર્ડનમાં હતા ત્યારે ઝેરી દવા પી ગયા હતા. ત્યાંથી નીકળતા લોકોને જાણ થતા પરિવારને જાણ કરવામાં આવતા તેને દોશી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં અશ્વિનભાઈને સંતાનમાં એક દીકરો હોવાનું સામે આવ્યું છે. ઘર પરિવારમાં લાંબા સમયથી ક્લેશ ચાલતો હતો. જેના કારણે પગલું ભર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્રીજો બનાવ: કેન્સર હોસ્પિટલમાં નોકરી કરતા યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
રાજકોટના યુનિવર્સિટી રોડ પર ન્યુ નટરાજનગર ટાઉનશીપમાં રહેતા ક્રિપાલ કિશોરભાઈ ખુમાણ (ઉ.વ.24) ગઈકાલે સાંજે પોતાના ઘરે હતો ત્યારે છતના હૂંકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. તેની નાની બહેન રૂમમાં જતા તેણે દ્રશ્ય જોતા બુમાબુમ કરી મુકી હતી જેથી પડોશીઓ દોડી આવ્યા હતા અને ક્રિપાલને નીચે ઉતારી બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડતા મૃત જાહેર કરાયો હતો. હાલ યુનિવર્સિટી પોલીસે મૃતદેહને પોસમોર્ટમ માટે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક મૂળ જીલરીયા ગામનો વતની હોવાનું અને તેના પિતા કિશોરભાઈ રિક્ષા ચલાવે છે. તે એક ભાઈ અને 2 બહેનમાં મોટો અને અપરણિત હતો. તે કેન્સર હોસ્પિટલમાં નોકરી કરતો હતો. ગઈકાલે સાંજે પગલું ભરતા પહેલા તે પડોશી સાથે વાતચીત કરતો હતો. પછી રૂમમાં જઈને પગલું ભરી લીધું હતું. ઉલ્લેખનીય છે કે બે બહેને એકનો એક ભાઈ ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. માધાપર ચોકડીએ બાંધકામ સાઈટ પર સાપ કરડી જતા સગીરનું મોત
રઘુ રતનભાઈ જામનીયા (ઉં.વ.14) ગઈકાલે રાત્રે 12 વાગ્યા આસપાસ પોતે ઘરે સૂતો હતો ત્યારે ઝેરી સાપ કરડી જતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે તપાસી મૃત જાહેર કર્યો હતો. રઘુનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે અહીં બાંધકામ સાઈટ ઉપર મજૂરી કામ કરે છે. જ્યાં બનાવ બન્યો ત્યાં મંદિર અને મકાનનું બાંધકામ ચાલુ છે ત્યાં તેમનો પરિવાર મજુરી કામ કરતો હતો અને અહીં એક વર્ષથી રહે છે. મૃતક રઘુ ખાટલા ઉપર સૂતો હતો ત્યાં આવીને સાપે દંશ માર્યો હતો. લોકો જાગી જતા સાપને પકડીને એક પાઇપમાં પૂરી દીધો હતો. પ્રાથમિક તપાસમાં રઘુ બે ભાઈ અને બે બહેનમાં નાનો હોવાનું સામે આવ્યું છે. અભદ્ર ટિપ્પણી કરી વીડિયો લાઇવ કરનાર સામે ગુનો દાખલ
રાજકોટમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ધાર્મિક લાગણીઓ દુભાવવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઇન્સ્ટાગ્રામ પર લઘુમતી સમાજ વિરૂદ્ધ અભદ્ર અને અપમાનજનક ભાષાનો પ્રયોગ કરી લાઈવ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. ફરિયાદી નવાઝભાઈ સિદ્દીકભાઈ હેરંજા રાજકોટના જંગલેશ્વર વિસ્તારના રહેવાસી છે અને પાનની દુકાન ચલાવે છે, તેઓ તારીખ 25 મે 2026ના રોજ રાત્રે પોતાના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પર ઓનલાઇન હતા દરમિયાન તેમના એક મિત્ર તરફથી તેમને ઇન્સ્ટાગ્રામ લાઇવ વીડિયોની લિંક મેસેજ મારફતે મળી હતી. આ વીડિયો ઓપન કરીને જોતા 'ii_risky_dikudo_307_ii' નામના ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પરથી એક અજાણ્યો શખ્સ લાઇવ હતો જેમાં તે પોતાના લાઇવ વિડીયોમાં મુસ્લિમ ધર્મના સ્થાપક હઝરત મહંમદ પયગંબર સાહેબ તેમજ અન્ય ધાર્મિક વડાઓ વિરૂદ્ધ અત્યંત અભદ્ર અને ગંદી ભાષાનો પ્રયોગ કર્યો હતો. સમગ્ર મામલે હાલ ભક્તિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →