ગરમીમાં પેટના રોગોનું પ્રમાણ વધ્યું, ઠંડા-પીણા પણ જવાબદાર:રાજકોટમાં છેલ્લા ચાર માસમાં 3059 લોકોને પેટનું અસહ્ય દર્દ ઉપડતાં 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતાં
રાજ્યમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આ વર્ષે ખાસ કરીને માર્ચ મહિનાથી જ ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને મેં મહિનાની શરૂઆત થતા ગરમીનો પારો 42°C પાર પહોંચી ગયો છે. રાજકોટમાં પણ હવે આકરી ગરમી પડી રહી છે અને તાપમાન 42 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યું છે, જેના પગલે ડિહાઈડ્રેશન અને લૂ લાગવા ઉપરાંત પેટમાં દુખાવાની તેમજ ગેસ્ટ્રો અંગેની ફરિયાદનું પ્રમાણ દર્દીઓમાં વધ્યું છે. રાજકોટમાં જાન્યુઆરી, 2026થી એપ્રિલ, 2026 દરમિયાન 3059 દર્દીઓને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ ઉપરાંત અનેક એવા દર્દીઓ હશે જેમને પોતાની જાતે હોસ્પિટલ પહોંચી તબીબી સારવાર લીધી હશે. લોકો ખાવા-પીવામાં કાળજી રાખી રહ્યા નથીઃ ડો. પ્રફુલ કમાણી
જાણીતા ગેસ્ટ્રોલોજિસ્ટ અને રાજકોટ IMAના પૂર્વ પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, કાળઝાળ ગરમી અને લગ્નસરાની સીઝન પણ શરૂ થઇ ચુકી છે. લોકો ખાવા-પીવામાં કાળજી નથી રાખી રહ્યા, જેના કારણે ગેસ્ટ્રોના કેસમાં ખુબ વધારો નોંધાયો છે. છેલ્લા બે મહિનાની અંદર પેટમાં દુખાવો, ચૂક આવવી, ઊલ્ટી-ઉબકા થવા, જાડા થવા અને અપચાની અનેક ફરિયાદ સાથે દર્દીઓ આવી રહ્યા છે. ‘હાઈજેનિકની ચકાસણી બાદ જ ખોરાક-પીણા આરોગવા જોઈએ’
વધુમાં જણાવ્યું કે, ગરમીથી બચવા માટે શક્ય હોય ત્યાં સુધી બપોરમાં સમયે બિનજરૂરી લોકોએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. ઘરેથી નીકળતી વખતે પાણીની બોટલ સાથે રાખવી જોઈએ. દર અડધી કલાકે પાણીનો એક ગ્લાસ જરૂર પીવો જોઈએ. બહાર કોઈ ઠંડુ પાણી પીવો તો તે મિનરલ વોટર છે કે કેમ? તેની ચકાસણી કરીને જ પીવું જોઈએ. કોઈ ઠંડા પીણાં પીવો તો તેમાં પણ બરફ મિનરલ વોટરમાંથી બનેલો હોય તેવી જગ્યાએ જ પીવું જોઈએ. હાઈજેનિક છે કે નહિ? તે ચકાસવું ખુબ જરૂરી છે. આ ચકાસી બાદમાં જ કોઈપણ ઠંડા-પીણાં કે ફાસ્ટફૂડ આરોગવું જોઈએ. ‘રોજ સૂતા પહેલાં નવસેકુ ઉકાળેલુ પાણી પીવું હિતાવહ’
રાજકોટ શહેરમાં ખાસ ગોલાનું ચલણ પણ ખુબ વધારે છે. લોકો ગરમીના કારણે રાત્રે ગોલા ખાવા તેમજ શેરડીનો રસ પીવા પણ મોટી માત્રામાં જતા હોય છે. ત્યારેગોલામાં વપરાતો બરફ હાઈજેનીક છે કે કેમ? તેમજ શેરડીના રસમાં વપરાતી શેરડી ધોયેલી સાફ કરેલી છે કે કેમ? ચિચોડા આસપાસ ચોખાઇ છે કે કેમ? તે પણ ચકાસવું જોઈએ. માખી-મચ્છર બેઠેલા હોય તો તેના બેક્ટેરિયા શરીરમાં જવાથી પેટના રોગો પણ થઇ શકે છે, માટે લોકોએ ચોક્કસ કાળજી રાખવી જોઈએ. કોઈ તકલીફ હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવી જોઈએ. શક્ય હોય તો દરરોજ રાત્રે સૂતા પહેલા નવસેકુ ઉકાળેલું પાણી પીવાનો આગ્રહ દરેક લોકોએ રાખવો જોઈએ.
Read Original Article →