સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીનો લાંચ લેતો વીડિયો વાયરલ:રાજકોટમાં અરજદારની અરજી મંજૂર કરવા રૂ.5000 ની લાંચ મંગાઈ, વહીવટી તંત્રે પટ્ટાવાળાને છૂટ્ટો કરી સંતોષ માની લીધો
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગનો આઉટસોર્સનો કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી રૂ.5000 ની લાંચ માંગતો હોય તેવો વિડીયો વાયરલ થયા બાદ વહીવટી તંત્ર દ્વારા આ કર્મચારીને છુટ્ટો કરી સંતોષ માની લેવામાં આવ્યો છે. જાગૃત નાગરિક દ્વારા બનાવવામાં આવેલા આ વીડિયોમાં અરજી મંજૂર કરવા માટે કચેરીના કર્મચારી દ્વારા લાંચ માંગવામાં આવે છે. જેમાં અરજદાર રૂ.2000 આપતો નજરે પડે છે. જેમાં લાંચ માંગતો પટ્ટાવાળો અન્ય ફિરોઝભાઇનું નામ લે છે. જોકે વહીવટી તંત્ર દ્વારા અન્ય કર્મચારીનો ખૂલાસો કરવામાં ન આવી સમગ્ર લાંચ પ્રકરણ પર ઢાંક પીછોડો કરવામાં આવતા આશ્ચર્ય જનમ્યું છે. રાજકોટ ગ્રામ્ય વિભાગ - 2 ના સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રના નાયબ કલેક્ટર હર્ષદીપ આચાર્યે જણાવ્યું હતું કે, વિડીયો ધ્યાનમાં આવતા આઉટ સોર્સિંગના કર્મચારી કે જે પટ્ટાવાળા છે તેમને છૂટા કરી દેવામાં આવ્યા છે અને તેમની સેવાઓ લેવાનું તત્કાલ અસરથી બંધ કરવામાં આવ્યું છે. વીડિયોમાં ફિરોઝભાઈ નામના અધિકારીનું નામ લેવામાં આવે છે જે બાબતે પૂછવામાં આવતા નાયબ કલેક્ટર જણાવ્યું કે તે તપાસમાં વિષય છે અને આમાં ખાતાકીય તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. શહેરમા જૂની કલેક્ટર કચેરીના નાયબ કલેકટર કચેરી ગ્રામ્ય વિભાગ 2 માં આવેલ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગના કર્મચારી કામ કરવાના રૂપિયા માંગતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો છે. જાગૃત નાગરિક દ્વારા વિડિયો ઉતારવામાં આવ્યો હતો. અરજદાર અહીં અરજી કરે તો 1 થી 2 મહિના સુધી અરજદારને તારીખો આપવામાં આવે છે ત્યારબાદ અરજદાર કંટાળી જાય ત્યારે અહીંથી અરજદારને એવું કહેવામાં આવે છે કે અમારું કંઈક સમજો. જે બાદ અરજદાર કંટાળીને લાંચ આપવા મજબૂર બને છે. અહીં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગનો જ આઉટસોર્સનો કર્મચારી રૂ.5000ની લાંચ માંગતો નજરે પડે છે અને બાદમાં રૂ.2000 રોકડા લેતો જાગૃત નાગરિકના મોબાઇલમાં રહેલા કેમેરામાં કેદ થઈ જાય છે. જે પોતાના સાહેબ ફિરોઝભાઈનું પણ નામ લે છે. જોકે તે કોણ છે તે બાબતે નાયબ કલેક્ટર દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવતો નથી. જોકે જાગૃત નાગરિકનો વિડીયો વાયરલ થયા બાદ નાયબ કલેક્ટર દ્વારા આદેશ બહાર પાડવામાં આવે છે કે, સરકાર દ્વારા માન્ય એજન્સી ઓમ એન્ટરપ્રાઈઝ મારફત અત્રેની કચેરીમા આઉટસોર્સથી પટ્ટાવાળાની સેવાઓ લેવામાં આવે છે. એજન્સી દ્વારા હિરેન ચૌહાણને કચેરીમાં પટ્ટાવાળા તરીકેની સેવાઓ માટે ફાળવવામાં આવ્યો હતો. જોકે તા.7 એપ્રિલના રોજ પટ્ટાવાળા દ્વારા અરજદાર પાસે લાંચની માંગણી કરવાની ગેરપ્રવૃત્તી કરવાનું ધ્યાને આવેલ છે. જેથી આ પટ્ટાવાળાની સેવાઓ લેવી કચેરી માટે હિતાવહ નથી જેથી તેને સેવામાથી છુટા કરવામાં આવે છે. જોકે અહીં વહીવટી તંત્ર દ્વારા પણ આ ઘટનામાં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરવાને બદલે કર્મચારીને છુટા કરી સંતોષ માની લેવામાં આવ્યો છે. આ ઉપરાંત વીડિયોમાં પટ્ટાવાળા દ્વારા સાહેબ તરીકે નામ લેવામાં આવે છે તે ફિરોઝભાઈ કોણ છે ? તે જાહેર કરવાને બદલે અને લાંચની ચેઇન ખૂલ્લી પાડવાને બદલે ઢાંક પીછોડો કરવામાં આવ્યો છે.
Read Original Article →