પેટ્રોલ-ડીઝલની અછતની અસર ક્રિકેટમાં:રાજકોટમાં યોજાનાર સૌરાષ્ટ્ર પ્રો T-20 લીગ (SPL) મોકૂફ રાખવામાં આવી, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.નો નિર્ણય

Gujarat5/25/2026, 3:08:10 PM
પેટ્રોલ-ડીઝલની અછતની અસર ક્રિકેટમાં:રાજકોટમાં યોજાનાર સૌરાષ્ટ્ર પ્રો T-20 લીગ (SPL) મોકૂફ રાખવામાં આવી, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.નો નિર્ણય
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અસર ક્રિકેટમાં પણ જોવા મળી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી જૂન મહિનામાં યોજાનારી પ્રખ્યાત સૌરાષ્ટ્ર પ્રો T20 લીગ (SPL) ટુર્નામેન્ટને હાલ પૂરતી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે આ ટુર્નામેન્ટ દરમિયાન મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો અને દર્શકો મેચ નિહાળવા માટે સ્ટેડિયમ પર આવતા હોય છે, પરંતુ ઈંધણની વર્તમાન સ્થિતિને કારણે તેમને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે તેમ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સત્તાવાર નિર્ણય અનુસાર, જૂન મહિનામાં રદ થયેલી આ હાઈ-વોલ્ટેજ SPL ટુર્નામેન્ટ આગામી ઓગસ્ટ મહિનામાં આયોજિત કરવામાં આવશે. એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે ક્રિકેટ પ્રેમીઓની સુવિધા અને ટ્રાન્સપોર્ટેશનની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટના ટીલાળા ચોક પાસે પાણીની લાઈન તૂટતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો રાજકોટના નવા 150 ફૂટ રીંગ રોડ પર આવેલા ટીલાળા ચોક પાસે એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ થયો છે. આ વિસ્તારમાં હાલ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ રોડના કામ દરમિયાન અચાનક મુખ્ય પાણીની લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું હતું. લાઈન તૂટવાના કારણે રસ્તા પર અંદાજે 3 ફૂટ જેટલા ઊંચા પાણીના ફુવારા ઊડતા જોવા મળ્યા હતા, જેને પગલે આજુબાજુના સમગ્ર વિસ્તારમાં અને રોડ પર પાણી ફરી વળ્યા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકાને કરવામાં આવી હતી. પાણીનો આટલો મોટો બગાડ થતો હોવાની માહિતી મળતા જ મનપા (રાજકોટ મહાનગરપાલિકા)ની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મનપાના ટેકનિકલ સ્ટાફ દ્વારા યુદ્ધના ધોરણે પાણીની લાઈનનું રીપેરીંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને ટૂંક સમયમાં જ લાઈનનું સમારકામ પૂર્ણ કરીને પાણીનો વેડફાટ અટકાવી દેવામાં આવ્યો હતો. મહાપાલિકાની એડવાન્સ વેરા વળતર યોજનાને ભવ્ય પ્રતિસાદ, રૂ. 184 કરોડથી વધુની આવક મહાપાલિકા દ્વારા ગત 7 એપ્રિલથી શરૂ કરવામાં આવેલી એડવાન્સ વેરા વળતર યોજનાને ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માં કરદાતાઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. ચાલુ વર્ષમાં આજ દિન સુધી 2,80,916 પ્રમાણિક કરદાતાઓએ પોતાનો એડવાન્સ મિલકતવેરો અને પાણી વેરો ભરપાઈ કરી દીધો છે, જેનાથી મનપાની તિજોરીમાં રૂ. 184.16 કરોડથી વધુની ટેક્સની આવક જમા થઈ ચૂકી છે. ગત વર્ષ 2025-26ની સરખામણીએ આ વર્ષે કુલ 9,219 વધુ કરદાતાઓએ વેરો ભર્યો છે, જેને કારણે કુલ આવકમાં રૂ. 6.74 કરોડનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. હાલ વળતર યોજના હેઠળ આગામી તા. 31-5 સુધી સામાન્ય કરદાતાઓને 10% અને મહિલા કરદાતાઓને 15% ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે, જેની મુદ્દત 31 મેના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ તા. 1 જૂનથી 30 જૂન સુધી મહિલાઓ માટે 10% અને સામાન્ય કરદાતાઓ માટે 5% ડિસ્કાઉન્ટની યોજના અમલમાં રહેશે. નોંધનીય છે કે તા. 28ના રોજ બકરી ઈદની જાહેર રજા અને તા. 31-5ના રોજ રવિવારની રજા હોવાથી સિવિક સેન્ટરો તેમજ વોર્ડ ઓફિસો ખાતે વસૂલાતની કામગીરી બંધ રહેશે. જો કે, આ રજાના દિવસો દરમિયાન પણ નાગરિકો ઓનલાઈન માધ્યમથી ઘરબેઠા મિલકત વેરો ભરીને વળતર યોજનાનો લાભ મેળવી શકશે. રાજકોટમાં રોગચાળો યથાવત, એક સપ્તાહમાં કુલ 1561 દર્દીઓ નોંધાયા રાજકોટમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ રોગચાળાના કુલ 1561 દર્દીઓ નોંધાયા છે, જોકે અગાઉના અઠવાડિયાની સરખામણીએ સંખ્યામાં સામાન્ય ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહમાં ડેંગ્યુનો 1, ટાઇફોઇડનો 1 અને કમળાના 2 નવા કેસ નોંધાયા છે, જ્યારે મેલેરીયા અને ચીકનગુનીયાનો કોઈ કેસ આવ્યો નથી. સીઝનલ રોગચાળાની વિગતો મુજબ શરદી-ઉધરસના 506, સામાન્ય તાવના 727 અને ઝાડા-ઉલ્ટીના 327 કેસ ચોપડે ચડ્યા છે. ખોરાક અને પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે પાણીના 2953 નમુનાના કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આરોગ્ય અને મેલેરીયા શાખા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 18261 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 171 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મચ્છર ઉત્પતિ સબબ તપાસ દરમિયાન રહેણાંક સિવાયની અન્ય 421 મિલ્કતો તપાસીને બેદરકારી બદલ રહેણાંકમાં 146 અને કોર્મશીયલમાં 43 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે. રાજકોટમાં 6 જિલ્લાના 669 કર્મચારીઓની મહેસૂલ લાયકાત પરીક્ષા રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા આવતીકાલ તા.25ને સોમવારથી તા.30ને રવિવાર દરમિયાન નાયબ મામલતદાર, મહેસુલી કારકુન અને મહેસુલી તલાટી સવર્ગના કર્મચારીઓ માટે ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-2026 લેવામાં આવનાર છે. જેમાં રાજકોટ ખાતે રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી અને જામનગર એમ સૌરાષ્ટ્ર-કચ્છના છ જિલ્લાના મહેસુલી કર્મચારીઓની પરીક્ષા જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ લેવામાં આવશે. રાજકોટ ખાતે રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી અને જામનગરના 669 જેટલા કર્મચારીઓ-પરીક્ષા આપનાર છે. રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિ.ના સેન્ટર ખાતે આ ગુજરાત ઉચ્ચ મહેસુલ લાયકાત પરીક્ષા (એચ.આર.ક્યુ.) લેવાશે. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા આ પરીક્ષા માટે ડે. કલેક્ટરોને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. આ પરીક્ષામાં સવારના 10-30 થી 11-30 અને 11-40 થી 13-40 કલાક દરમિયાન પેપર લેવાશે. ક્રિસ્ટલ નેકસસ બિલ્ડીંગ ગેરકાયદે હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ કોર્ટમાં પહોંચી રાજકોટના માધાપર ચોકડી પાસે આવેલ 12 માળનું કોમર્શિયલ બિલ્ડીંગ 'ક્રિસ્ટલ નેકસસ' ગેરકાયદેસર હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ સંજયભાઈ લાખાણી અને મહામંત્રી કૃષ્ણદતભાઈ રાવલે આક્ષેપ કર્યો છે કે, RMC કમિશનર દ્વારા ગત તા. 14 મે 2025 ના રોજ બિલ્ડીંગને સીલ મારવાનો આદેશ કરાયો હોવા છતાં T.P. વિભાગના અધિકારીઓ કોઈ કાર્યવાહી ન કરીને મોટા માથાઓને છાવરી રહ્યા છે. ગરીબોના આવાસ તોડતું તંત્ર વગદારો સામે ચુપચાપ તમાશો જોઈ રહ્યું છે. કોંગી નેતાઓનાં જણાવ્યા મુજબ, Gujarat Act No. 1 of 2023 ના નિયમોનું ઉલ્લંઘન કરીને આ બિલ્ડીંગને ખોટી રીતે ઈમ્પેક્ટમાં રજૂ કરાયું છે. GDCR ના નિયમ મુજબ 2.80 મીટરની સામે માત્ર 2.50 મીટરની બીમ-કોલમ હાઈટ રાખવામાં આવી છે, જે ધરતીકંપ સમયે જોખમી સાબિત થઈ શકે છે. આ પ્લાન માટે સ્ટેટ હાઈવેનું NOC પણ લેવાયું નથી અને જમીન બિનખેતી થતાં FSI ઘટવાના કારણે ઉપરના માળ સંપૂર્ણ ગેરકાયદેસર ઠરે છે. આ ભ્રષ્ટાચાર સામે કોર્ટમાં અરજી કરી જવાબદારો સામે કડક પગલાં લેવા માંગ કરાઈ છે.
Read Original Article →