રાજકોટમાં શ્રીમદ્ રાજચંદ્રના નિર્વાણ પર્વની ઉજવણી:મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે શાસ્ત્રી મેદાનમાં ચાર દિવસીય ભવ્ય આધ્યાત્મિક મહોત્સવ પ્રારંભ

Gujarat4/5/2026, 12:03:08 PM
રાજકોટમાં શ્રીમદ્ રાજચંદ્રના નિર્વાણ પર્વની ઉજવણી:મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે શાસ્ત્રી મેદાનમાં ચાર દિવસીય ભવ્ય આધ્યાત્મિક મહોત્સવ પ્રારંભ
19 મી સદીના મહાન આત્મજ્ઞાની સંત શ્રીમદ્ રાજચંદ્રજીના 125 મા સમાધિદિન નિમિત્તે રાજકોટનું શાસ્ત્રી મેદાન ભક્તિ અને પવિત્રતાના રંગે રંગાયું છે. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ દ્વારા 4 થી 7 એપ્રિલ 2026 દરમિયાન આયોજિત ‘પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ’ માં હજારો મુમુક્ષુઓ ઉમટી પડ્યા છે. આ ચાર દિવસીય મહોત્સવના બીજા દિવસે, 5 એપ્રિલે આયોજિત સંકીર્તન સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશેષ હાજરી આપી હતી. તેમણે પરમકૃપાળુદેવને શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે, આ પર્વ માત્ર સ્મરણનો નહીં, પરંતુ આત્મમંથન અને આધ્યાત્મિક ઉન્નતિનો અપૂર્વ અવસર છે. સંતોની પાવન નિશ્રામાં ભક્તિમય વાતાવરણ આ મહોત્સવમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરુરદેવ રાકેશજી, સાયલાના આધ્યાત્મિક વડા નલીનભાઈ, દિલ્હી મિશનના રત્નાપ્રભુ અને કોબા આશ્રમના સુરેશજી જેવા સમર્થ સંતોની ઉપસ્થિતિએ વાતાવરણમાં ઉર્જા ભરી દીધી હતી. રામકૃષ્ણ મિશનના સ્વામી નિખિલેશ્વરાનંદજી અને BAPS ના અપૂર્વમુનિ સ્વામીજીએ પણ આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે આયોજક ટ્રસ્ટીઓ કિશોરભાઈ મહેતા અને જગદીશભાઈ ભીમાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આર્ટ ઓફ લિવિંગના વિક્રમ હઝરાએ શ્રીમદ્ રાજચંદ્રજીના પદો ધરાવતું આલબમ “સુખ ધામ અનંત” અર્પણ કર્યું હતું. આત્મસિદ્ધિ શાસ્ત્ર અને આધ્યાત્મિક વારસો શ્રીમદ્ રાજચંદ્રજીએ માત્ર 28 વર્ષની વયે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ જેવી અમૂલ્ય રચના કરી હતી, જે આજે પણ મોક્ષમાર્ગના પથિકો માટે ભોમિયા સમાન છે. સભામાં વક્તાઓએ જણાવ્યું હતું કે, ભગવાન મહાવીરના માર્ગને સરળ ભાષામાં પ્રસ્તુત કરનાર આ વિરલ મહાત્માનો બોધ વર્તમાન સમયમાં અત્યંત પ્રસ્તુત છે. ગુરુરદેવ રાકેશજીએ પ્રેરક ઉદબોધનમાં કહ્યું કે, શ્રીમદ્ રાજચંદ્ર એ વ્યક્તિ નહીં પણ એક ઘટના છે. જો આપણે તેમના માર્ગે ચાલીને આંતરિક રૂપાંતરણ કરીએ તો આપણે પણ આત્મસ્થ થઈ શકીએ છીએ. વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક આયોજન મહોત્સવ દરમિયાન શાસ્ત્રી મેદાનમાં શ્રીમદ્ રાજચંદ્રજીની મૂર્તિના પક્ષાલ પૂજનનો લાભ ભાવિકો લઈ રહ્યા છે. સાથે જ તેમના દ્વારા વપરાયેલી પાવન વસ્તુઓનું પ્રદર્શન અને જીવદયાના સંદેશ સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવમાં દરરોજ સવારે 10.30 થી 12.30 અને રાત્રે 7.30 થી 9.30 દરમિયાન કીર્તન ભક્તિ, નાટ્ય પ્રસ્તુતિઓ અને પ્રવચનો યોજાય છે. 5 એપ્રિલની રાત્રે કલાકાર હાર્દિક દવે દ્વારા ભક્તિ સંગીત પીરસવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે આપણું શુદ્ધ વર્તન એ જ પરમકૃપાળુદેવની સાચી પબ્લિસિટી છે.
Read Original Article →