રાજકોટમાંથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે કુખ્યાત પેડલર બેલડી ઝડપાઈ:શુભમંગલ પાર્કમાં ચાલીને જતી યુવતીના હાથમાંથી મોબાઇલની ચિલઝડપ કરનાર ઝડપાયો, નર્સે RMCમાં ફિનાઈલ પી લીધું

Gujarat4/7/2026, 3:41:30 PM
રાજકોટમાંથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે કુખ્યાત પેડલર બેલડી ઝડપાઈ:શુભમંગલ પાર્કમાં ચાલીને જતી યુવતીના હાથમાંથી મોબાઇલની ચિલઝડપ કરનાર ઝડપાયો, નર્સે RMCમાં ફિનાઈલ પી લીધું
રાજકોટના કોઠારીયા રોડ પર શુભ મંગલપાર્કમાં રહેતા રચનાબેન રામજીભાઈ ડોલરીયા (ઉં.વ.21)એ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.6 એપ્રિલ, 2026ના રોજ સવારે 9.30 વાગ્યા આસપાસ ઘરેથી ચાલીને નોકરીએ જતી હતી. ત્યારે શેરીની બહાર પહોંચતા પાછળથી મોટરસાયકલ પર અજાણ્યા શખસે આવીને હાથમાંથી રૂ.7 હજારની કિંમતનો મોબાઇલ આંચકી લીધો હતો. બાઈકની પાછળ દોટ મુકતા ચાલકે ઝડપથી બાઈક ચલાવી નાસી ગયો હતો. ઘરે આવી માતાને બનાવની જાણ કરતા આ અંગે આસપાસ તપાસ કરી હતી અને આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી ચોક્કસ બાતમીના આધારે રણુજા મંદીરની સામે લાપાસરી ગામ જતા રોડ ઉપરથી આરોપી ધર્મેશ દરશરથ પરમાર (ઉ.વ.31) ને ચિલઝડપ કરેલ મોબાઇલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાંથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે કુખ્યાત પેડલર બેલડી ઝડપાઈ રાજકોટ SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, પંચાયત ચોક પાસે અવધ-2 એપાર્ટમેન્ટ નજીક રોડ પર ઉપર બે શખ્સો જાહેરમાં માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે ઉભા છે જેના આધારે દરોડો પાડી ત્યાં હાજર બંને શખ્સોને પકડી તેનું નામ પૂછતા મૌલિક અશોક જેઠવા (ઉ.વ.28) અને મયુર ઉર્ફે લાલુ ઉર્ફે મેક્ષ દીલીપ જાડા (ઉ.વ.28) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને શખ્સોની જડતી લેતાં તેમની પાસેથી 1.21 લાખનો માદક પદાર્થ મેફેડ્રોન 40.420 ગ્રામ જથ્થો મળી આવતાં બંને શખ્સોની ધરપકડ કરી એમડી ડ્રગ્સ, બાઈક સહિત રૂ.2.21 લાખનો મુદામાલ કબ્જે કરી યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો. પકડાયેલ બંને શખ્સો મુંબઈથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈ આવી છૂટક પડીકી બનાવી રાજકોટમાં નક્કી કરેલ ગ્રાહકોને વેંચતા હતાં. બંને શખ્સો છેલ્લા બે વર્ષથી ડ્રગ્સના ધંધા સાથે સંકડાયેલ હોવાનો પણ ઘટસ્ફોટ થતાં પોલીસે બંનેના રિમાન્ડ માંગવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ મૌલિક જેઠવા વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં વાહન ચોરી સહિતના 10 ગુના અને મયુર ઉર્ફે લાલો જાડા વિરુદ્ધ એનડીપીએસ એકટ હેઠળ એક ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વ્યાજખોરોના ત્રાસથી પોપટપરાના રીક્ષા ચાલકએ આપઘાતનો પ્રયાસ કર્યો આસિફ હુસેનભાઈ જેડા (ઉં.વ.34) આજે સવારે 8 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો તેમને તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તે સારવાર હેઠળ છે. આસિફ ઓટોરિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં છ મહિનાની એક દીકરી છે અને પોતે ત્રણ ભાઈમાં નાનો છે. આજે સવારે તેની પત્નીને ઘર પાસે આવેલી દુકાને ગાંઠીયા લેવા માટે મોકલી હતી અને પાછળથી પોતે રસોડામાં પતરાના લોખંડના એંગલમાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. પત્નીએ પરત આવીને જોયું તો પતિ ગળાફસો ખાધેલી હાલતમાં ટીંગાતો હતો જેથી તુરંત જ છરી વડે ચુંદડી કાપી નાખી હતી અને આસપાસથી અન્ય લોકોને બોલાવતા 108 મારફત તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસને જાણ થતા આસિફનું નિવેદન લેવા માટે તજવીજ કરી હતી. પ્રાથમિક તપાસમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. હેલ્થ વર્કરના ત્રાસથી રાજીનામું આપનાર નર્સે RMCમાં ફિનાઈલ પી લીધું ભાવનગર રોડ પર મહિકા ગામની પાટીયા પાસે રહેતી આરતી વશરામભાઈ પરમાર (ઉ.વ.24) નામના મહિલા નર્સે આજે બપોરે 12 વાગ્યા આસપાસ મહાનગર પાલિકાના ગેઈટ પાસે જ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં દોડધામ મચી જવા પામી હતી. મહિલાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ-ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે પહોંચી નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં તેણી બે ભાઈ એક બહેનમાં મોટી અને વિજય પ્લોટમાં આવેલા RMCના આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રાકટ બેઈઝ પર સ્ટાફ નર્સ તરીકે નોકરી કરતી હતી. તે આરોગ્ય કેન્દ્રમાં સાથે જ નોકરી કરતી ફિમેઈલ હેલ્થ વર્કર કિરણબેન ચૌહાણ તેને અવારનવાર જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં હોય અને કામ બાબતે હેરાન કરતાં હોય જે બાબતે તેણે કિરણબેન વિરૂધ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ત્યારબાદ પોલીસ કમિશનરને પણ અરજી કરી હતી પરંતુ કોઈ જવાબ ન આવતાં તેણે સમાજ કલ્યાણ વિભાગમાં અરજી કરી હતી. આમ છતાં કિરણબેન વિરૂધ્ધ કોઈ પગલાં લેવાયા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને તેમણે મહિલા હેલ્થ વર્કર કિરણબેનના ત્રાસથી ગત તા.11.03.2026નાં રોજ રાજીનામું આપી દીધું હતું. આજે તેઓ ફેબ્રુઆરી મહિનાનો પગાર લેવા માટે ગયા ત્યારે નિતાબેને કહેલું કે ‘સાહેબે પગાર આપવાની ના પાડી છે’ જેથી તેણીએ કોર્પોરેશનમાં દરવાજા પાસે જ આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. ડિજિટલ અરેસ્ટ કરી 1.14 કરોડનું ફ્રોડ કર્યાંના ગુનામાં આરોપીના વચગાળાના જામીન મંજુર ફરીયાદીએ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી જે ગુનામાં તા.04.12.2025 ના રોજ આરોપી શાફીન કુરેશીની અટકાયત કર્યા બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આરોપીના પિતા બિમાર હોવાથી વચગાળાની જામીન અરજી સેસન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં આરોપીના વકીલે દલીલ કરી હતી કે, આરોપીના પિતા સિનિયર સિટીઝન છે. તેમની બંને કીડનીઓ ખરાબ થઈ ગઈ છે. ફેફસામાં પણ પાણી ભરાઈ છે. પિતાની હાલત ખુબ જ ગંભીર છે. આરોપી તેના ઘરનો મોટો દીકરો હોવાથી ઘરની તમામ જવાબદારી તેના ઉપર છે. પિતાની દેખરેખ કરવા અને સારવાર કરાવવા અર્થે આરોપીને માનવતાના ધોરણે વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવે. જે દલીલ અને દસ્તાવેજોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી શાફીન કુરેશીને 15 દિવસના વચગાળાના જામીન ઉપર મુક્ત કરવા હુકમ કર્યો હતો.
Read Original Article →