સ્કૂલ યુનિફોર્મ, બેગ, શૂઝ-મોજાના ભાવમાં 10% સુધીનો વધારો:રાજકોટમાં શાળાઓ શરૂ થાય તે પૂર્વે ખરીદી માટે વાલીઓ ઉમટ્યા, શિક્ષણ પર યુદ્ધ-મોંઘા ઇંધણની અસર
અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન સાથે ચાલી રહેલા યુદ્ધ તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સીધી અસર હવે વિદ્યાર્થીઓના સ્કૂલ યુનિફોર્મ, સ્કૂલ બેગ અને શૂઝ-મોજા પર પણ જોવા મળી રહી છે. આગામી 8 જૂનના રોજ ઉનાળુ વેકેશન પૂર્ણ થવાની સાથે જ નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પૂર્વે રાજકોટમાં બાળકોના શાળાના યુનિફોર્મ તેમજ પાઠ્યપુસ્તકોની ખરીદી માટે વાલીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે વિદ્યાર્થીઓની સ્કૂલ યુનિફોર્મ સહિતની ચીજવસ્તુઓ 7%થી 10% જેટલી મોંઘી થઈ છે, જેથી આ મોંઘવારી વચ્ચે બાળકોને શિક્ષણ આપવું વાલીઓ માટે ઘણું આકરૂં બન્યું છે. 65 વર્ષ જૂના સ્ટોરના સંચાલકે કહ્યું- સિઝન હવે માત્ર 10 દિવસની જ રહી
રાજકોટના દિપક રેડિમેઇડ સ્ટોરના ભાગ્યેશ વોરાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 65 વર્ષથી યુનિફોર્મના વેચાણનું કામ કરીએ છીએ. આજથી 10 વર્ષ પહેલા પરિસ્થિતિ એવી હતી કે યુનિફોર્મ સહિતની ખરીદીની સિઝન બે મહિના સુધી ચાલતી હતી, પરંતુ હવે આ સિઝનનો પીરિયડ ટૂંકો થઈને માત્ર 8થી 10 દિવસનો જ રહ્યો છે. વાલીઓ છેલ્લી ઘડીએ જ ખરીદી માટે ધસારો કરે છે. તેમણે ઉમેર્યું કે, વૈશ્વિક યુદ્ધની અસરને કારણે રો-મટીરિયલ (કાચો માલ) મોંઘો થતાં દરેક પ્રોડક્ટમાં 7%થી 10%નો ભાવવધારો થયો છે. મહારાષ્ટ્ર, ભિવંડી, ભીલવાડા અને લુધિયાણાથી તમામ ચીજવસ્તુઓ મંગાવવામાં આવે છે. ત્યાં રો-મટીરિયલ મોંઘું થતાં સ્વાભાવિક રીતે જ અહીં કોસ્ટિંગ ઊંચું આવ્યું છે. હાલમાં કે.જી.ના બાળકનો સ્કૂલ યુનિફોર્મ, સ્કૂલ શૂઝ અને મોજાનો સેટ રૂ.1,100થી રૂ.1,500 સુધી પહોંચ્યો છે. બાળકોના શિક્ષણ માટે જેમ-તેમ એડજસ્ટ કરીએ છીએઃ વાલી
ખરીદી કરવા આવેલા વાલી ભાવેશ દેત્રોજાએ જણાવ્યું હતું કે, મારો બાળક ધોરણ 3 માં અભ્યાસ કરે છે. હાલ મોંઘવારી ખૂબ જ હોવાથી મધ્યમવર્ગીય સેલેરીમાં આ બધો ખર્ચો કવર કરવો અઘરો બન્યો છે, પરંતુ બાળકોના શિક્ષણ માટે અમારે જેમ-તેમ કરીને એડજસ્ટ કરવું પડી રહ્યું છે. ટેક્સ્ટ બુક GST ફ્રી હોવાથી ગવર્મેન્ટ પાઠ્યપુસ્તકોના ભાવ સ્થિર
સ્ટુડન્ટ બૂક સ્ટોરના સંચાલક અતુલ મજેઠીયાએ જણાવ્યું હતું કે, આ વખતે પાઠ્યપુસ્તકોનો સ્ટોક ખૂબ જ વ્યવસ્થિત રીતે મળ્યો છે, જેથી દર વખતની જેમ વાલીઓએ હેરાન થવું નહીં પડે. હાલ ગવર્મેન્ટના એક પાઠ્યપુસ્તકનો વધુમાં વધુ ભાવ રૂ.65 છે. ટેક્સ્ટ બુક GST ફ્રી હોવાના કારણે આ વખતે સરકારી પુસ્તકોના ભાવમાં કોઈ વધારો ઝીંકાયો નથી. રાજકોટ માર્કેટમાં કઈ ચીજવસ્તુના કેટલા ભાવ? CBSE ધોરણ-2 ના પુસ્તકોનો આકરો આંકડો
CBSE બોર્ડમાં અભ્યાસ કરતા ધોરણ-2 ના વિદ્યાર્થીના પાઠ્યપુસ્તકો અને નોટબુક્સનો કુલ સેટ રૂ.4,965 માં પડી રહ્યો છે. જેમાં રૂ.4,141 માત્ર પાઠ્યપુસ્તકોના અને રૂ.824 નોટબુક્સના ચૂકવવા પડી રહ્યા છે.
Read Original Article →