300 પરિવારો બેકાર બનતા રોષ:સંતકબીર રોડની ધરાહર માર્કેટનાં 4 હોકર્સ ઝોન રીનોવેશન માટે તોડી પડાયા, નાના વેપારીઓની વૈકલ્પિક જગ્યા માટે ઉગ્ર રજુઆત
રાજકોટ શહેરના સંતકબીર રોડ પર આવેલા સંજયનગર નજીક દુધેશ્વર મહાદેવ મંદિર પાસે વર્ષોથી રોજગારી મેળવતા ગરીબ અને મધ્યમ વર્ગના શાકભાજી તેમજ અન્ય ચીજવસ્તુઓના ધંધાર્થીઓ પર અચાનક આભ તૂટી પડ્યું છે. અહીંના ધરાહર શાકમાર્કેટના 4 જેટલા હોકર્સ ઝોનનું તંત્ર દ્વારા અચાનક જ ડિમોલિશન કરી દેવામાં આવતા સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 21 મેનાં રોજ આ ડિમોલિશન કરાયું હતું. જેની સીધી અસર અંદાજે 300 જેટલા નાના-મોટા ધંધાર્થીઓ અને તેમના પરિવારો પર પડી છે. આ તમામ વેપારીઓ રાતોરાત બેકાર બની જતા આજે મોટી સંખ્યામાં મનપાની સેન્ટ્રલ કચેરી ખાતે દોડી આવ્યા હતા. અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે માંગ કરી છે. વેપારીઓએ આવેદનમાં વિગતવાર રજૂઆત કરી
આવેદનપત્રમાં વેપારીઓએ તેમની વર્ષો જૂની રોજગારી અને વર્તમાન પરિસ્થિતિ અંગે વિગતવાર રજૂઆત કરી અને જણાવ્યું છે કે, સંતકબીર રોડ પર આવેલા સંજયનગર હોકર્સ ઝોનમાં દુધેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આશરે 20 વર્ષ કરતાં વધુ સમયથી આ તમામ નાના વેપારીઓ સરકારના નિયત ધારાધોરણો મુજબ પોતાની રોજીરોટી કમાય છે અને નિયમિતપણે વહીવટી પ્રક્રિયાઓનું પાલન કરે છે. મહાપાલિકા દ્વારા અગાઉ વેપારીઓને એવું આશ્વાસન અને ખાતરી આપવામાં આવી હતી કે, માર્કેટના રિનોવેશન અને આધુનીકરણના હેતુસર આ જગ્યા હાલ પૂરતી ખાલી કરાવવાની જરૂર છે. હોકર્સ ઝોનમાં અંદાજે 300થી વધુ વેપારીઓ મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરે
તંત્ર દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે આ જગ્યાએ નવું માર્કેટ ઊભું કરવામાં આવશે અને તમામ હોકર્સને નવા થડા તથા સુવિધાઓ બનાવી આપવામાં આવશે. તંત્રના આ વચન અને વિશ્વાસ પર ભરોસો રાખીને તમામ 4 હોકર્સ ઝોનના વેપારીએ સ્વૈચ્છિક રીતે અને કોઈપણ પ્રકારના વિરોધ વિના શાંતિપૂર્વક જગ્યા ખાલી કરી આપી હતી પરંતુ, જગ્યા ખાલી થઈ ગયા બાદ તંત્ર દ્વારા આ ગરીબ ધંધાર્થીઓને વૈકલ્પિક વેપાર માટે કોઈપણ હંગામી જગ્યા કે પ્લેટફોર્મ ફાળવવામાં આવ્યું નથી, જેના કારણે વેપારીઓ રઝડી પડ્યા છે. આવેદનપત્રમાં વેપારીઓએ પોતાની આર્થિક કટોકટી અને લાચારી વ્યક્ત કરતા લખ્યું છે કે, આ હોકર્સ ઝોનમાં અંદાજે 300થી વધુ નાના વેપારીઓ આખો દિવસ મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. વેપારીઓએ માનવીય અભિગમ અપનાવીને નિર્ણય લેવા માગ કરી
આ તમામ શ્રમજીવીઓ માત્ર અને માત્ર પોતાના આ એક જ પરંપરાગત વ્યવસાય પર નિર્ભર છે. તેમની પાસે આવકનો અન્ય કોઈ સ્રોત નથી કે તેઓ અન્ય કોઈ નવો ધંધો કે વ્યાપાર શરૂ કરી શકે તેમ નથી. ડિમોલિશનના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ધંધો સંપૂર્ણપણે બંધ થતાં તમામ રોજમદારો અને નાના વેપારીઓ અત્યારે આર્થિક સંકટના ઘેરા કૂવામાં ધકેલાઈ ગયા છે. રોજનું લાવીને રોજ ખાતા આ પરિવારો સામે હવે ભૂખે મરવાનો નોબત આવી ગઈ છે. વેપારીઓએ તંત્રને સણસણતો સવાલ કર્યો છે કે, જો સરકારે માર્કેટ બનાવવાનું વચન આપ્યું હતું, તો અત્યારે અચાનક આ જગ્યા કોઈ ખાનગી માલિકીની હોવાનું કહીને હાથ અધ્ધર કેમ કરી લેવામાં આવી રહ્યા છે? વેપારીઓએ માંગ કરી છે કે, મનપા આ બાબતે સકારાત્મક અને માનવીય અભિગમ અપનાવીને તાત્કાલિક યોગ્ય નિર્ણય લે અને વેપારીઓને રોજગારી માટે વૈકલ્પિક પ્લેટફોર્મ પૂરું પાડવા માંગ કરાઈ છે. અમે સરકાર સાથે કોઈ લડાઈ કરવા નથી માંગતા
શાકમાર્કેટના ડિમોલિશન બાદ મનપા કચેરીએ ન્યાય માંગવા પહોંચેલા મહિલા વેપારી સરોજબેને જણાવ્યું હતું કે, અમે સરકારને એક જ નમ્ર અપીલ કરવા આવ્યા છીએ કે અમને જ્યાં અમે બેસતા હતા ત્યાં જ હોકર્સ ઝોન અથવા માર્કેટ બનાવી આપવામાં આવે. અમે સરકાર સાથે કોઈ લડાઈ કરવા નથી માંગતા, અમે સરકારને સહકાર આપવા તૈયાર છીએ. અમે અગાઉ પણ સરકારને ટેક્સ અને પાસની પહોંચના પૈસા ચૂકવતા હતા અને ભવિષ્યમાં પણ જે કંઈ ચાર્જ નક્કી થશે તે નિયમિત ભરવા તૈયાર છીએ. આ અમારી આજીવિકાનો સવાલ છે. અમે છેલ્લા 20 વર્ષથી એ જ જગ્યા પર બેસીને વેપાર કરીએ છીએ. જ્યારે પાસની કિંમત માત્ર રૂ. 25 હતી ત્યારથી અમે સરકારને નિયમિત પૈસા ચૂકવીએ છીએ. ત્યારપછી ભાડું વધીને રૂ. 300 થયું, રૂ. 1,000 થયું અને અત્યારે રૂ. 1,200 થયું તો પણ અમે ક્યારેય સરકારને ના નથી પાડી કે અમારે પૈસા નથી ભરવા. અમે તંત્રનો કોઈ વિરોધ નથી કર્યો. અમે સરકાર પાસે માત્ર એટલી જ માંગણી કરીએ છીએ કે તમે જે રીતે કહો તે રીતે અમે કાયદેસરની લારીઓ રાખવા કે થડા બનાવવા તૈયાર છીએ, પણ અમને અમારી જૂની જગ્યા પર જ સ્થાપિત કરવામાં આવે. ડિમોલિશન થઈ ગયા પછી તંત્રએ કહ્યું- જગ્યા ખાનગી માલિકની નીકળી
આ બાબતે અમે બધે જ રજૂઆતો કરી છે. કોર્પોરેટરે પણ અમને અગાઉ એવું જ કીધું હતું કે તમે બેફિકર રહો, તમને માર્કેટ ત્યાં જ બનાવી દેવામાં આવશે. અમે સાહેબો અને અધિકારીઓના વિશ્વાસે જ કોઈ પણ જાતના હોબાળા કે વિરોધ વગર રાજીખુશીથી જગ્યા ખાલી કરી આપી હતી. તંત્રએ અમને કીધું હતું કે 6 મહિનાની અંદર અમે તમને નવું માર્કેટ બનાવીને પાછું સોંપી દઈશું. આ વચનના કારણે જ અમે જગ્યા ખાલી કરી, પરંતુ હવે ડિમોલિશન થઈ ગયા પછી તંત્રના માણસો એમ કહે છે કે આ જગ્યા તો કોઈ ખાનગી માલિકની નીકળી છે! જો આ માલિકીની જગ્યા હોય તો અત્યાર સુધી સરકાર અમારી પાસેથી કયા હકથી પૈસા ઉઘરાવતી હતી? અમે ગરીબ માણસો છીએ, અને જ્યારે અમારી પાસે જગ્યા ખાલી કરાવી ત્યારે સરકારે અમને કેમ ન કીધું કે આ ખાનગી જગ્યા છે? સરકારે અમને ત્યારે જ સ્પષ્ટતા કરવી જોઈતી હતી. સરકારે અમને માત્ર એટલું જ કીધું હતું કે માર્કેટ બનાવવાનું છે એટલે ખાલી કરો, અને હવે અમને રઝળતા મૂકી દીધા છે. ત્યારે અમને તાત્કાલિક ત્યાં જ કાયમી વ્યવસ્થા કરી આપવામાં આવે તે અમારી એકમાત્ર માંગ છે. સત્તાધીશો સમક્ષ આજીવિકા માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે ઉગ્ર રજૂઆત
સ્થાનિક વેપારી ભોલાભાઈએ જણાવ્યું કે, સંતકબીર રોડ પર કુલ 4 હોકર ઝોન આવેલા છે, જેમાં અંદાજે 250થી વધુ નાના-મોટા ધંધાર્થીઓ પોતાની આજીવિકા મેળવે છે. મનપાએ રીનોવેશનની નોટિસ આપીને જગ્યા તો ખાલી કરાવી લીધી, પરંતુ લાંબો સમય વિતવા છતાં હજુ સુધી નવા થડા બનાવવાની કોઈ સંતોષકારક કામગીરી કરવામાં આવી નથી કે ન તો વેપારીઓને ધંધો કરવા માટે અન્ય કોઈ જગ્યા ફાળવવામાં આવી છે. વધુમાં તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ મોંઘવારીના કપરા સમયમાં મોટાભાગના ધંધાર્થીઓએ લોન લઈને પોતાના વેપાર ઉભા કર્યા છે. છેલ્લા 1.5 થી 2 મહિનાથી રોજગારી છીનવાઈ જતાં પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે. મજબૂરીવશ જ્યારે વેપારીઓ રોડની આજુબાજુ કે અન્ય ખુલ્લી જગ્યાએ ઉભા રહીને ધંધો કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે મનપાની દબાણ હટાવવાની ગાડીઓ આવીને તેમને ત્યાંથી પણ ભગાડી મૂકે છે. ચાલુ માર્કેટ બંધ કરાવીને તંત્રએ વેપારીઓને બેહાલ કરી દીધા હોવાથી, આજે તમામ ધંધાર્થીઓએ એકઠા થઈને સત્તાધીશો સમક્ષ આજીવિકા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા ઉગ્ર રજૂઆત કરી છે.
Read Original Article →