સાંઢીયા પુલનો એક ભાગ બેસી ગયો હોવાની વાત માત્ર અફવા:'પુલનું લોડ ટેસ્ટિંગ પણ સંપૂર્ણ સફળ રહ્યું છે', મનપાના સીટી એન્જિનિયર અતુલ રાવલે સ્પષ્ટતા કરી
રાજકોટમાં જામનગર રોડ પર મહાપાલિકા દ્વારા રૂ. 74 કરોડના ખર્ચે નવનિર્મિત ફોરલેન સાંઢિયા પુલની તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તેમજ હવે તેના લોકાર્પણ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. આ દરમિયાન અચાનક સોશિયલ મીડિયા પર પુલનો એક ભાગ અથવા નાળાનો ભાગ બેસી ગયો હોવાની વાતો વહેતી થઈ હતી. જેને લઈ મહાનગરપાલિકા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ગંભીર બાબતે સેન્ટ્રલ ઝોનના એડી. સીટી એન્જિનિયર અતુલ રાવલ તુરંત સ્થળ પર દોડી ગયા હતા. તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ આ વાત માત્ર અફવા હોવાનું અને પુલ સંપૂર્ણપણે સલામત હોવાનું જાહેર કર્યું હતું. મનપાનાં સેન્ટ્રલ ઝોનનાં સીટી એન્જિનિયર અતુલ રાવલે આ બાબતે વિગતવાર ટેકનિકલ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, સાંઢિયા પુલનો એરપોર્ટ સાઈડ તરફ જુના એરપોર્ટ તથા તેને લગતા વિસ્તારના વરસાદી પાણીના નિકાલ માટે જુના પુલમાં પાઈપ નાખવામાં આવ્યા હતા. જોકે પાણીના વહેણમાં કોઈ તકલીફ કે અવરોધ આવે નહીં તે હેતુથી નવા પુલમાં આ જગ્યાએ બોક્સ કલવર્ટ (નાળું) બનાવવામાં આવ્યું છે. નવનિર્મિત બોક્સ કલવર્ટનો સ્લેબ પોર્શન ફ્લેટ એટલે કે એકદમ સીધો રાખવામાં આવેલ છે, જ્યારે બ્રિજના ઉપરના પોર્શનમાં આવેલું મીડીયન સ્લોપ (ઢાળ)માં તૈયાર કરાયું છે. આ ચોક્કસ ભૌમિતિક તેમજ ટેકનિકલ ડિઝાઇનમાં દેખાતા તફાવત તથા ઢાળના કારણે લોકોને જોવામાં ભ્રમ ઊભો થયો છે અને તેના લીધે જ પુલ નમી ગયો હોવાની ખોટી અફવા સોશિયલ મીડિયા પર ફેલાઈ ગઈ છે. વાસ્તવિકતામાં પુલ કોઈ પણ જગ્યાએથી નમ્યો કે બેસી ગયો નથી. કોન્ટ્રાક્ટર દ્વારા મહાનગરપાલિકાને પુલ સુપરત કરવામાં આવે તે પહેલાં નિયમ અનુસાર બ્રિજનું લોડ ટેસ્ટિંગ (મજબૂતાઈની ચકાસણી) પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવી છે. આ લોડ ટેસ્ટિંગ કરવા માટે પુલ ઉપર એક ટન વજન ભરેલા કુલ 15 ડમ્પર ઊભા રાખવામાં આવ્યા હતા. આ રીતે કુલ 15 ટન વજન બ્રિજ પર રાખવા છતાં પણ પુલમાં કોઈ પણ પ્રકારનું વાઈબ્રેશન કે ક્ષતિ જોવા મળી નહોતી અને આ લોડ ટેસ્ટનું પરિણામ પણ બરાબર અને સંતોષકારક આવ્યું છે. તમામ પ્રકારની ટેકનિકલ ચકાસણીના અંતે સાબિત થયું છે કે આ બ્રિજ વાહન વ્યવહાર માટે ભવિષ્યમાં પણ સંપૂર્ણ સેફ અને સાઉન્ડ એટલે કે સુરક્ષિત અને મજબૂત છે. ત્યારે લોકોને કોઈ અફવામાં નહીં દોરાવા અપીલ પણ તેમણે કરી છે.
Read Original Article →