ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે:રાજકોટનાં નવનિર્મિત સાંઢીયા પુલને ટૂંક સમયમાં ખુલ્લો મુકવા તૈયારી, સીએમ કે ડે. સીએમનાં હસ્તે લોકાર્પણ કરાશે : સ્ટે. ચેરમેન

Gujarat6/10/2026, 10:14:27 AM
ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે:રાજકોટનાં નવનિર્મિત સાંઢીયા પુલને ટૂંક સમયમાં ખુલ્લો મુકવા તૈયારી, સીએમ કે ડે. સીએમનાં હસ્તે લોકાર્પણ કરાશે : સ્ટે. ચેરમેન
રાજકોટ મનપાએ જામનગર રોડનાં નવનિર્મિત ફોરલેન સાંઢિયા પુલનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવા તૈયારીઓ શરૂ કરી છે. વડાપ્રધાન મોદીના સફળ કાર્યકાળને 12 વર્ષ પુરા થવાના ઉપલક્ષમાં યોજાનારા વિવિધ વિકાસલક્ષી અને સેવાકીય કાર્યક્રમોની સાથે જ આ ઓવરબ્રિજના લોકાર્પણ કાર્યક્રમને આવરી લેવાની તડામાર તૈયારીઓ હાલ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટની જનતા જેની લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી તે ઈંતઝારીનો હવે અંત આવે તેવી શક્યતા છે. આ બ્રીજને આગામી એકાદ સપ્તાહમાં જ સીએમ અથવા ડેપ્યુટી સીએમનાં હાથે ખુલ્લો મુકવામાં આવનાર હોવાનું સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું. જેને લઈને હજારો નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, જામનગર રોડ અને હોસ્પિટલ ચોક તરફથી આવતા ટ્રાફિકનાં ભારણને હળવો કરવા માટે મહાનગરપાલિકા દ્વારા આશરે રૂ. 74 કરોડથી વધુના માતબર ખર્ચે સાંઢિયાપુલનું નવનિર્માણ કરીને તેને અદ્યતન ફોરલેન બનાવવામાં આવ્યો છે. હાલ આ પુલ મહદઅંશે તૈયાર થઈ ગયો છે. કામગીરી પૂર્ણ થઈ હોવાનો રિપોર્ટ મળતા અમારા દ્વારા ઓવરબ્રિજની રૂબરૂ મુલાકાત લેવાશે. અને ત્યારબાદ એકાદ-બે દિવસ એટલે આગામી એક સપ્તાહ કરતા પણ ઓછા સમયમાં આ નવનિર્મિત સાંઢિયાપુલ રાજકોટની જનતાના ઉપયોગ માટે ખુલ્લો મુકી દેવામાં આવશે. જોકે લોકાર્પણની ચોક્કસ અને ફાઇનલ તારીખ આગામી એક-બે દિવસમાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. આ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા અને રાજ્યના મોભીઓને આમંત્રિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુકલ સહિતના પાંચ મુખ્ય પદાધિકારીઓ તાજેતરમાં જ ગાંધીનગરની મુલાકાતે ગયા હતા. જ્યાં તેઓએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળીને રાજકોટના નવનિર્મિત સાંઢિયાપુલના લોકાર્પણ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. જો કે, હાલમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સ્તરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના સફળ 12 વર્ષ પુરા થતા હોય તે સંદર્ભે કચેરીઓ અને સંગઠન દ્વારા અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યાપક કાર્યક્રમોની શ્રેણીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અત્યંત વ્યસ્ત હોવાના કારણે સંભવતઃ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટના આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી પ્રબળ સંભાવનાં છે. હર્ષ સંઘવીએ પણ પ્રાથમિક ધોરણે આગામી તા. 12 અને 13 જૂનની તારીખ ફાળવી આપી છે, જેથી આ બે દિવસો દરમિયાન જ કોઈ એક સમયે લોકાર્પણ વિધિ સંપન્ન કરવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, સાંઢિયા પુલનું મુખ્ય સિવિલ કામકાજ પૂર્ણ થઈ ગયા બાદ થોડા સમય પહેલા મેયર ડો. નેહલ શુકલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા સહિત અન્ય પદાધિકારીઓ તેમજ સિટી ઈજનેરોની ટીમ દ્વારા બ્રિજની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને બ્રિજ પર વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થાનો અભાવ હોવાનું તેમજ ફિનિશિંગ કામમાં કેટલીક તકનીકી ક્ષતિ હોવાનું સત્તાધીશોના ધ્યાને આવ્યું હતું. આ બાબતને ગંભીરતાથી લઈને મેયર ડો. નેહલ શુકલે જે તે સમયે જ કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓનો ઉધડો લીધો હતો અને તમામ ક્ષતિઓ સત્વરે દુર કરવા તેમજ પુલનું ફિનીશીંગ કામ એકદમ આખરી ઓપ આપીને બરોબર કરવા માટે કડક આદેશો જાહેર કર્યા હતા. મહાનગરપાલિકાના શાસકોના સતત સુપરવિઝનને કારણે આ તમામ બાકી રહેલી ક્ષતિઓ સુધારવાની અને ફિનિશિંગની કામગીરી હવે યુદ્ધના ધોરણે પુર્ણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા બ્રિજને આખરી ઓપ આપી દેવાયો હોવા છતાં, જનતાની સુરક્ષા અને સુવિધામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે લોકાર્પણના સત્તાવાર કાર્યક્રમ પૂર્વે ફરી એક વખત મેયર સહિતના પદાધિકારીઓ બ્રીજની મુલાકાત લેશે. અને સમગ્ર કામગીરીનું આખરી નિરીક્ષણ કર્યા બાદ વાહનવ્યવહાર શરૂ કરવા મંજૂરી અપાશે. જો કે, આગામી તા. 14 જૂન સુધીમાં રાજકોટની જનતાને નવ નિર્મિત અને અત્યંત ભવ્ય ફોરલેન સાંઢિયાપુલની ભેંટ મળી જવાની શક્યતા છે.
Read Original Article →