રાજકોટનાં ગોલા-આઈસ્ક્રીમ રસીકો ચેતજો:માધાપર ચોકડી નજીકથી 2000 કિલો સડેલી બદામનો જથ્થો ઝડપાયો, આરોગવાથી પેટ અને આંતરડાનાં રોગ થવાની શક્યતા

Gujarat5/21/2026, 9:48:31 AM
રાજકોટનાં ગોલા-આઈસ્ક્રીમ રસીકો ચેતજો:માધાપર ચોકડી નજીકથી 2000 કિલો સડેલી બદામનો જથ્થો ઝડપાયો, આરોગવાથી પેટ અને આંતરડાનાં રોગ થવાની શક્યતા
રાજકોટમાં ગોલાનાં શોખીન નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલા ચેકીંગમાં માધાપર ચોકડી નજીકથી અંદાજિત 2000 કિલોગ્રામ (2 ટન) જેટલો સડેલો અને અખાદ્ય બદામનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઉનાળાની સિઝનમાં લોકો જે હોંશે હોંશે આરોગે છે તે આઈસક્રીમ, ગોલા અને મીઠાઈ જેવી ચીજવસ્તુઓમાં સડેલી બદામની કતરણ (સ્લાઈસ) કરીને તેનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો પર્દાફાશ થતાં તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. ફૂડ વિભાગે આ સમગ્ર અખાદ્ય જથ્થો માનવ વપરાશ માટે તદ્દન અયોગ્ય ગણાવીને સ્થળ પર જ તેનો નાશ કરી દીધો છે. અને નમુના લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે આવેલા યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્યાં આવેલી "હીર એન્ટરપ્રાઇઝ" નામની બદામનું પ્રોસેસિંગ કરતી ઉત્પાદક પેઢીમાં તપાસ કરતા અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. આ ફેક્ટરીની અંદર સંગ્રહ કરવામાં આવેલો બદામનો અંદાજિત 2000 કિલોગ્રામ જેટલો મોટો જથ્થો સડેલી હાલતમાં અને જીવાતોથી ખદબદતો મળી આવ્યો હતો. ફેક્ટરીમાં આ અખાદ્ય બદામ પર પ્રોસેસ કરીને તેની કતરણ તૈયાર કરવામાં આવતી હતી. આ ફેક્ટરીનું સંચાલન પ્રદીપ દૂધાત્રા નામના ભાગીદાર દ્વારા કરવામાં આવી રહ્યું હતું. ફૂડ વિભાગની ટીમે જ્યારે સ્થળ પર તેમની સઘન પૂછપરછ કરી અને કાયદેસરના દસ્તાવેજો માંગ્યા, ત્યારે આટલો મોટો વેપાર કરતા હોવા છતાં તેમની પાસે કોઈ ફૂડ લાઇસન્સ કે GST સર્ટિફિકેટ પણ નહીં હોવાનું સામે આવ્યું હતું. ગેરકાયદેસર અને આરોગ્યના નિયમોના લીરેલીરા ઉડાડીને ચાલતી આ પેઢીને ફૂડ વિભાગ દ્વારા યોગ્ય સ્ટોરેજ રાખવા તેમજ તાકીદે લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, વેચાણ માટે રાખવામાં આવેલા આ જથ્થામાંથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ બદામ (લૂઝ)નો નમૂનો લઈ આગળની લેબોરેટરી તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, આ બદામનો જથ્થો માનવ વપરાશ માટે બિનઉપયોગી અને ઝેરી સાબિત થઈ શકે તેમ હોવાથી, મનપાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) શાખાના ખાસ વાહનને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવ્યું હતું. આશરે 2000 કિલોગ્રામ સડેલી બદામના આ આખા જથ્થાને સ્થળ પર કચરાના વાહનમાં નાખીને કાયદાકીય જોગવાઈઓ હેઠળ સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો, જેથી આ જોખમી માલ બજારમાં જતો અટકી શકે. ડેઝિગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, અમારી ટીમ દ્વારા માધાપર ચોકડી પાસે યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી હીર એન્ટરપ્રાઇઝ પેઢીમાં તપાસ કરવામાં આવી હતી. ત્યાં ડ્રાયફ્રૂટનો વેપાર થતો હતો અને અંદર તપાસ કરતા આશરે 2000 કિલો એટલે કે 2 ટન જેટલો અખાદ્ય બદામનો જથ્થો મળી આવ્યો છે. હાલ ઉનાળાની સિઝન હોવાથી આઈસક્રીમ, શ્રીખંડ, લચ્છી, ડ્રાયફ્રૂટ આઈસ ડીશ અને ગોલા જેવી વસ્તુઓમાં ડ્રાયફ્રૂટનો બહોળો ઉપયોગ થાય છે. આ પેઢી દ્વારા આ અખાદ્ય બદામની કતરણ કરીને વેચાણ કરવામાં આવતું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે, પેઢી દ્વારા રાજકોટ સિટી અને આજુબાજુના જિલ્લા-તાલુકાઓમાં સપ્લાય કરવામાં આવતી હતી. અમે આ જથ્થાના સેમ્પલ લીધા છે અને બાકીના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવાની કાર્યવાહી કરી છે. રાજકોટ શહેરમાં જ્યાં પણ આ માલ સપ્લાય થયો હશે ત્યાંથી પણ આગામી દિવસોમાં સેમ્પલ લેવાશે આવો અખાદ્ય જથ્થો આરોગવાથી પેટમાં દુખાવો એટલે કે (એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ), ડાયેરિયા, વોમિટિંગ, ઝાડા- ઉલ્ટી તેમજ આંતરડાને લગતા ગંભીર રોગો થવાની શક્યતાઓ રહેલી છે. વેપારી પ્રદીપ દૂધાત્રાએ લુલો બચાવ કરતા જણાવ્યું કે, અમે છેલ્લા 6 થી 8 મહિનાથી જ અહીં આ કામગીરી કરીએ છીએ. અમે આ માલ રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના બહારના વિસ્તારોમાં પણ વેચીએ છીએ. રાજકોટમાં પણ અમારા બે-ત્રણ નિયમિત ગ્રાહકો છે જેઓ 5 થી 10 કિલો જેવી તેમની જરૂરિયાત મુજબ ઓર્ડર આપે છે. જે માલ સારો હોય છે તેની અમે સ્લાઈસ (કતરણ) કરીએ છીએ. જે માલ ખરાબ કે ફૂગવાળો હોય છે તેને હું રીટર્ન મોકલી આપું છું અથવા ફેંકી દઉં છું. આ જથ્થો પણ રીટર્ન કરવાનો જ હતો. મને ખબર જ છે કે આવો માલ ખાવાથી નુકસાન થાય, એટલે જ હું આવો ખરાબ માલ વેચતો નથી. આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ (FSW) વાન સાથે શહેરના અન્ય વિસ્તારોમાં ત્રાટકી હતી. મવડી મેઇન રોડ, જીવરાજ પાર્ક અને અંબિકા ટાઉનશિપ જેવા ધમધમતા વિસ્તારોમાં આઈસક્રીમ, ગોલા અને ઠંડા પીણાંનું વેચાણ કરતા કુલ 16 જેટલા ધંધાર્થીઓને ત્યાં આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન 3 ધંધાર્થીઓ પાસે યોગ્ય લાઇસન્સ ન હોવાથી તેમને તાકીદે લાઇસન્સ મેળવવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. આ સાથે અલગ-અલગ દુકાનો પરથી ખાદ્યચીજોના કુલ 13 નમૂનાઓની સ્થળ પર જ પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી. આઈસક્રીમની ફેક્ટરીઓમાંથી અન્ય નમૂનાઓ લેવાયા રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે કુલ 3 શંકાસ્પદ નમૂનાઓ લઈને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. જેમાં હીર એન્ટરપ્રાઇઝ, યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, માધાપર ચોકડી પાસેથી લુઝ બદામ ઉપરાંત ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાંથી રેડ વેલ્વેટ આઈસ્ક્રીમ અને માવામલાઈ કેન્ડીનાં નમુના લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ વેપારીઓ સામે એજ્યુડીકેશનની કાર્યવાહી કરવામાં આવશે.
Read Original Article →