‘મારી પર મેલીવિદ્યા કે તંત્ર-મંત્ર અજમાવી જુએ’:આવા તત્વોના કારણે જ કમળ પૂજા વધી રહી છે, રાજકોટના પુરષોત્તમ પીપળીયાએ બાગેશ્વર ધામના કાર્યક્રમને અંધશ્રદ્ધાનો મહાકુંભ ગણાવ્યો

Gujarat5/27/2026, 7:02:17 AM
‘મારી પર મેલીવિદ્યા કે તંત્ર-મંત્ર અજમાવી જુએ’:આવા તત્વોના કારણે જ કમળ પૂજા વધી રહી છે, રાજકોટના પુરષોત્તમ પીપળીયાએ બાગેશ્વર ધામના કાર્યક્રમને અંધશ્રદ્ધાનો મહાકુંભ ગણાવ્યો
રાજકોટમાં યોજાનારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને સામાજિક અગ્રણી અને એડવોકેટ પુરષોત્તમ પીપળીયાએ ‘અંધશ્રદ્ધાનો મહાકુંભ’ ગણાવી વિરોધ કરતા જણાવ્યું કે ધાર્મિક કાર્યો સામે કોઈ વાંધો નથી, પરંતુ ચમત્કારોના નામે ફેલાવાતી અંધશ્રદ્ધા અને ભયનો લાભ લઈ લોકોનું આર્થિક-શારીરિક શોષણ કરવું ગેરકાયદેસર છે. વિજ્ઞાનના યુગમાં મેલીવિદ્યા કે તાંત્રિક જેવું કંઈ હોતું નથી તેવો દાવો કરીને તેમણે કોઈ પણ ચમત્કારિક બાબાને પોતાની ઉપર તાંત્રિક વિદ્યા અજમાવવાનો ખુલ્લો પડકાર ફેંક્યો છે. રાજ્યમાં કાયદો હોવા છતાં પ્રશાસન 'વોટ'ના રાજકારણ અને રાજકીય દબાણ હેઠળ કડક અમલવારી કરતું નથી. સરકાર આવા કાર્યક્રમો સામે મૌન રહીને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનો વિરોધ રાજકોટ શહેરમાં આગામી સમયમાં યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને હવે ભારે વિવાદ અને વિરોધની સ્થિતિ જોવા મળી રહી છે. આ આગામી આયોજનને પગલે પંથકમાં વૈચારિક લડાઈ શરૂ થઈ છે. રાજકોટના જાણીતા સામાજિક અગ્રણી અને એડવોકેટ પુરષોત્તમ પીપળીયાએ આ કાર્યક્રમ સામે અત્યંત આકરા પ્રહારો કર્યા છે અને સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ‘ધર્મના નામે અંધશ્રદ્ધા, વહેમ અને ચમત્કારોના ખોટા દાવા’ પુરષોત્તમ પીપળીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રી સમાજમાં સનાતન ધર્મનો પ્રચાર કરે કે અન્ય કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્યો કે અનુષ્ઠાનો કરે તેની સામે અમને કોઈ જ વાંધો કે વિરોધ નથી. દરેક વ્યક્તિને પોતાના ધર્મનો પ્રચાર કરવાની સ્વતંત્રતા છે, પરંતુ ધર્મના નામે તેમના દ્વારા અંધશ્રદ્ધા, વહેમ અને ચમત્કારોના ખોટા દાવાઓ ફેલાવવામાં આવી રહ્યા છે, તેની સામે અમારો સ્પષ્ટ અને આકરો વિરોધ છે. ભોળી જનતાને ચમત્કારોની માયાજાળમાં ફસાવીને, લોકોને અંધશ્રદ્ધાના અંધકારમાં રાખીને તેમનો ગેરલાભ લેવો એ માનવતાની વિરુદ્ધ છે અને કાયદાની દ્રષ્ટિએ પણ તે સંપૂર્ણપણે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે. કાયદાના રક્ષક તરીકે આવી ગેરકાયદેસર બાબતો સામે અવાજ ઉઠાવવો એ આપણી સામાજિક ફરજ બને છે. ‘ચમત્કાર, તાંત્રિક વિદ્યા કે મેલીવિદ્યા જેવું કશું હોતું નથી’ વધુમાં તેમણે વૈજ્ઞાનિક અભિગમ સાથે મોટો દાવો કરતા કહ્યું છે કે, આ આધુનિક દુનિયામાં ચમત્કાર, તાંત્રિક વિદ્યા કે મેલીવિદ્યા જેવું કશું જ અસ્તિત્વ ધરાવતું નથી. વિજ્ઞાનના આ યુગમાં આ બધું માત્ર એક મોટું ડિંડક અને લોકોને ગુમરાહ કરવાનો કારસો છે. સમાજમાં ભયનો માહોલ ઊભો કરવા માટે આ પ્રકારના તત્વો સક્રિય થતા હોય છે. દુનિયાનો કોઈ પણ ભુવા, અઘોરી કે પોતાને ચમત્કારિક ગણાવતા બાબા હોય, તે ક્યારેય કોઈ પણ વ્યક્તિનું કોઈ જ પ્રકારનું નુકસાન કરી શકતા નથી, કારણ કે તેમની પાસે એવી કોઈ દૈવી કે નકારાત્મક શક્તિ હોતી જ નથી. મારી પર મેલીવિદ્યા કે તંત્ર-મંત્ર અજમાવી જુએ આ વિવાદ વચ્ચે તેમણે ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું કે, જો કોઈ પણ ચમત્કારિક બાબા પોતાની પાસે આવી શક્તિઓ હોવાનો દાવો કરતા હોય, તો તે ખુલ્લેઆમ મારી પાસે આવે અને મારા પર પોતાની તમામ મેલીવિદ્યા કે તંત્ર-મંત્ર અજમાવી જુએ. હું આવા કોઈપણ પડકારનો સામનો કરવા માટે અને તેમની સામે આવવા માટે મનથી બિલકુલ તૈયાર છું. આ પડકાર આપવા પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે જનતા સમક્ષ સત્ય ઉજાગર થઈ શકે. આવા અસામાજિક તત્વો ભોળા અને મધ્યમવર્ગીય લોકોના મનમાં માત્ર ભય ફેલાવવાનું કામ કરે છે. એકવાર માણસના મનમાં ભય પેસી જાય, એટલે તે ભય અને લાચારીનો ખોટો લાભ લઈને લોકોનું મોટા પાયે આર્થિક તેમજ શારીરિક શોષણ કરવામાં આવે છે, જે બંધ થવું જોઈએ. ‘આવા તત્વોના કારણે જ કમળ પૂજા, કૂપ્રથાઓ સમાજમાં વધી રહી છે’ આ અંધશ્રદ્ધાના કારણે સમાજમાં બની રહેલી ગંભીર ઘટનાઓ તરફ ધ્યાન દોરતા તેમણે જણાવ્યું કે, આવા તત્વોના કારણે જ કમળ પૂજા (બલિદાન) જેવી અત્યંત ખતરનાક આડઅસરો અને કૂપ્રથાઓ પણ સમાજમાં દિન-પ્રતિદિન વધી રહી છે. લોકો અંધશ્રદ્ધામાં અંધ બનીને પોતાના જીવનું જોખમ ખેડી રહ્યા છે, જે સમગ્ર સુધરેલા સમાજ માટે અત્યંત ચિંતાનો અને ચિંતનનો વિષય છે. ‘વોટબેંક સાચવી રાખવા સરકાર કાયદાની કડક અમલવારી કરતી નથી’ પુરષોત્તમ પીપળીયાએ આ મુદ્દે પ્રશાસન અને સરકારની કામગીરી સામે પણ આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, રાજ્યમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો અસ્તિત્વમાં હોવા છતાં, સ્થાનિક પ્રશાસન અને તંત્ર રાજકીય દબાણ હેઠળ દબાયેલું છે. માત્ર અને માત્ર 'વોટ'ના રાજકારણના કારણે અને પોતાની વોટબેંક સાચવી રાખવા માટે સરકાર આ કાયદાની કડક અમલવારી કરતી નથી. જો સરકાર સમયસર જાગશે નહીં તો સમાજમાં અંધશ્રદ્ધાનું દૂષણ હજુ પણ વધુ વકરી જશે. ‘ધીરેન્દ્ર શાસ્ત્રી દેશ-દુનિયામાં સનાતન ધર્મના જાગરણનું કામ કરી રહ્યા છે’ બાબા બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આગામી રાજકોટ દરબારને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે સૌરાષ્ટ્ર સનાતન સમિતિના આગેવાન મંગેશ દેસાઈએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર જે વિરોધ જોવા મળી રહ્યો છે તે કોઈ જનરલ વિરોધ નથી. પુરષોત્તમ પીપળીયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે તેમનું તદ્દન વ્યક્તિગત નિવેદન છે. કોઈપણ વ્યક્તિ પોતાના વ્યક્તિગત વિચારો રજૂ કરવા માટે સ્વતંત્ર છે. રેસકોર્સ મેદાન ખાતે 'સનાતન સેતુ હનુમંત કથા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દેશ અને દુનિયામાં સનાતન ધર્મના જાગરણનું મોટું કામ કરી રહ્યા છે. લાખો લોકો તેમને સાંભળવા આવે છે અને ધર્મ સાથે જોડાઈ રહ્યા છે. ‘બાબાના મુખેથી નામ નીકળશે તે જ પ્રશ્ન રજૂ કરી શકશે’ વધુમાં મંગેશ દેસાઈએ જણાવ્યું હતું કે, આ સમગ્ર આયોજનમાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો કોઈ વિષય જ નથી, કારણ કે આ માત્ર હનુમાનજીની કથાનો વિષય છે. અંધશ્રદ્ધા તેને કહી શકાય જ્યાં દોરા-ધાગા થતા હોય, લોકોની છેતરપિંડી થતી હોય કે આર્થિક લાભ મેળવવા માટે ફંડ ઉઘરાવવામાં આવતું હોય. જો વિરોધ કરનારા લોકો પણ ઘરેથી હનુમાનજીને પ્રાર્થના કરીને આવશે, તો કદાચ તેમને પણ કથામાં પોતાનો પ્રશ્ન રજૂ કરવાની તક મળી શકે છે. રાજકોટમાં 5થી 7 જૂન બાબા બાગેશ્વરની સનાતન સેતુ હનુમંત કથા-દિવ્ય દરબાર બાગેશ્વર ધામ (છતરપુર, એમપી) ના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી (બાબા બાગેશ્વર) આગામી મહિનાની તા.5, 6 અને 7 જૂનના રોજ બીજીવાર રાજકોટ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં રોજ સાંજે 7:30 વાગ્યે સનાતન સેતુ હનુમંત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના આંગણે ત્રણ વર્ષ બાદ યોજાઈ રહેલા આ ઐતિહાસિક આયોજન માટે અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બાબા બાગેશ્વરની સનાતન હનુમંત કથાની સાથે સાથે અહીં ભવ્ય દિવ્ય દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Read Original Article →