રાજકોટ - વડોદરાની 2 વોલ્વોનો પ્રારંભ:સ્ટેચ્યુ ઓફ યુનિટી, ભુજ, જામનગર, મોરબી, દાહોદ જવા માટે 11 પ્રીમિયમ બસ શરૂ કરાશે
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ એસટી વિભાગને 13 પ્રીમિયમ બસની ફાળવણી કરવામાં આવેલી છે જેમાં હાલ આજથી રાજકોટથી વડોદરાની 2 નવી વોલ્વો બસ શરૂ થઈ ચૂકી છે. આગામી દિવસોમાં રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના રૂટ પર પ્રીમિયમ બસો શરૂ કરવામાં આવતા મુસાફરોને ફાયદો થશે. તાજેતરમાં એસટી વિભાગની ડબલ એક્સેલ બસ શરૂ કરવાની વિચારણા છે ત્યારે આ માટે ખાનગી બસ ટ્રાયલ માટે એસટી બસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી. જોકે તે સમયે બસપોર્ટમાં એન્ટ્રી લેવામાં તકલીફ પડી હતી. રાજકોટ એસટી વિભાગના વોલ્વો વિભાગના ડેપો મેનેજર એન.વી.ઠુમ્મરે જણાવ્યું હતું કે, રાજકોટ એસટી વિભાગ દ્વારા મુસાફરોની વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખી આજે તા. 28 મે થી રાજકોટથી વડોદરા રુટ પર 2 નવી વોલ્વો બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યુ છે. જેનો રાજકોટથી ઉપડવાનો સમય 09.30 અને 17.00 વાગ્યાનો રહેશે. હાલ રાજકોટથી વડોદરા રૂટ પર 3 પ્રીમિયમ બસ દોડી રહી છે. જે 6 કલાકમાં રાજકોટ થી વડોદરા પહોંચાડે છે. આગામી ટૂંક સમયમાં આ ઉપરાંત 5 નવીન વોલ્વો બસો રાજકોટ–વડોદરા અને રાજકોટ-ભુજ રૂટ પર મુકવામાં આવનાર છે. તેમજ 6 નવીન એ.સી. સીટર બસ રાજકોટ–સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ-મોરબી-જામનગર તથા રાજકોટ-દાહોદ રૂટ પર શરૂ કરવામાં આવશે.આમ કુલ 13 નવી પ્રીમિયમ બસ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે. આ નવીન સેવાઓ શરૂ થતાં રાજ્યની મુસાફર જનતાને વધુ સુવિધાજનક, સલામત, આરામદાયક અને આધુનિક મુસાફરીનો લાભ મળશે.
Read Original Article →