પ્રથમવાર પ્રિ-મોન્સુન સફાઈમાં કોર્પોરેટરો મેદાને:મેયરના આદેશથી 18 વોર્ડમાં જાત-નિરીક્ષણ શરૂ, દિલ્હીની ટીમને બતાવવા દેખાડો, ગ્રાઉન્ડ પર 'લોલમ લોલ': વિપક્ષ
રાજકોટ શહેરમાં આગામી ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાઓથી નાગરિકોને બચાવવા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. મેયર ડો. નેહલ શુક્લએ તમામ વહીવટી અધિકારીઓને આ કામગીરીને પ્રાથમિકતા આપી સમયસર પૂર્ણ કરવા આદેશ આપ્યા છે. આ વખતે મનપાના ઇતિહાસમાં પ્રથમવાર, સોલીડ વેસ્ટ વિભાગની કામગીરીનું વાસ્તવિક 'વેરિફિકેશન' કરવા માટે તમામ 18 વોર્ડના સ્થાનિક કોર્પોરેટરોને પણ પ્રત્યક્ષ હાજર રહી જાત-નિરીક્ષણ કરવાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. વોંકળા અને મેનહોલ સફાઈના સત્તાવાર આંકડા અને ડેડલાઇનમાં મોટો ફેરફાર
મેયર ડો. નેહલ શુક્લએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું કે, રાજકોટ શહેરમાં આશરે 54,000 જેટલા મેનહોલ અને 63 જેટલા મુખ્ય વોંકળા આવેલા છે. તંત્રના રિપોર્ટ અનુસાર, અત્યાર સુધીમાં 50,000 જેટલા મેનહોલ અને 49 વોંકળાની સફાઈ સંપૂર્ણપણે પૂર્ણ કરી લેવામાં આવી છે, જ્યારે બાકીના વિસ્તારોમાં કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. મેયરે વધુમાં ઉમેર્યું કે, સામાન્ય રીતે દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ કરવા માટે 15 જૂનની ડેડલાઇન રાખવામાં આવતી હોય છે. પરંતુ હવે ચોમાસાની બદલાતી સ્થિતિ અને વહેલા આગમનની સ્થિતિને ધ્યાનમાં રાખીને, આગામી વર્ષોથી આ સત્તાવાર ડેડલાઇન 15 જૂનને બદલે 20 મે રાખવા માટેની કડક વહીવટી સૂચના આપી દેવામાં આવી છે. વોર્ડ-13માં રાત્રિ સફાઈનું આયોજન, શાસક પક્ષનો દાવો
બીજી તરફ, વોર્ડ નંબર 13માં ચાલી રહેલી કામગીરી અંગે ભાજપના કોર્પોરેટર મોહિતસિંહ જાડેજાએ જણાવ્યું કે, મેયરના વિઝન મુજબ વોર્ડના ચારેય કોર્પોરેટરો (પંકજ લુણાગરીયા, સોનલબેન સેલારા, માધવીબેન બદ્રકિયા અને તેઓ પોતે) સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓને સાથે રાખીને ગોંડલ રોડના મુખ્ય વોંકળાનું રૂબરૂ સુપરવિઝન કરી રહ્યા છે. આ ઉપરાંત, મવડી રોડ, કૃષ્ણનગર મેઈન રોડ અને દોશી મેઈન રોડ પર આવેલી ભૂગર્ભ લાઈનો તેમજ પાણીના નિકાલની વ્યવસ્થા માટે રાત્રિ દરમિયાન સફાઈનું ખાસ આયોજન કરાયું છે, જેથી નાગરિકોને મુશ્કેલી ન પડે. આગામી 5 વર્ષ સુધી વોર્ડના સર્વાંગી વિકાસ માટે આખી ટીમ કટિબદ્ધ છે. દિલ્હીની ટીમ શહેરમાં સર્વે કરવા આવી છેઃ વિપક્ષ
મનપાની આ કામગીરી સામે વિપક્ષે તીખા સવાલો ઉઠાવ્યા છે. વોર્ડ નંબર 13ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે આક્ષેપ કર્યો છે કે, હાલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કેન્દ્રીય દિલ્હીની ટીમ શહેરમાં સર્વે કરવા આવી છે. મનપાના શાસકો આ ટીમને માત્ર એવા જ વિસ્તારોમાં લઈ જઈ રહ્યા છે, જ્યાં થોડી ઘણી સફાઈ થઈ છે, બાકીના વિસ્તારોમાં તંત્રની કામગીરી માત્ર 'લોલમ લોલ' છે. તેમણે સોશિયલ મીડિયા અને ગ્રાઉન્ડ રિયાલિટીનો હવાલો આપતા જણાવ્યું કે, આ કોઈ એઆઈ (AI) દ્વારા બનાવેલા ફોટા કે વીડિયો નથી, પરંતુ વાસ્તવિકતા છે. ગોકુલધામ આવાસ, સમ્રાટ આવાસ, નવલનગર અને ખોડિયાર નગર જેવા અનેક શ્રમિક વિસ્તારો આજે પણ ગંદગીના સામ્રાજ્યથી પરેશાન છે. આ વિસ્તારોના સાર્વજનિક શૌચાલયો વર્ષમાં માત્ર એક જ વાર (તપાસ ટીમ આવવાની હોય ત્યારે) સાફ થાય છે. જો તંત્ર કાગળ પર વાઘ બનવાનું છોડીને સાચા દિલથી ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે, તો રાજકોટ સ્વચ્છતામાં ઈન્દોરને પણ પાછળ છોડી શકે છે; પરંતુ વર્તમાન સ્થિતિમાં મનપાના તમામ દાવાઓ પોકળ છે. પ્રિ-મોન્સુન કામગીરીનો રિપોર્ટ (એક નજરે)
Read Original Article →