'મારી દીકરી સામે કપડાં કાઢી આવતો, મારી સાથે અડપલાં કરતો':'ઇમરાને ટી-શર્ટથી મારા મોઢામાં ડૂચો મારી દુષ્કર્મ કર્યું, હું રડતી રહી', રાજકોટની પીડિતાના મુખે પોલીસકર્મીની હેવાનિયત
રાજકોટમાં ખાખી વર્દીની આડમાં પોલીસકર્મીએ પાડોશમાં રહેતી એક પરિણીતા પર દોઢ વર્ષથી દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પીડિતાએ દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. આરોપી ઇમરાન હબીબભાઈ રાઉમા નામના શખ્સે ખાખીનો રોફ જમાવી પીડિતા અને તેની માસૂમ દીકરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નરકાગાર જેવી સ્થિતિમાં ધકેલી દીધી હતી. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રાજકોટ પોલીસની ત્વરિત મદદથી અંતે આ મામલે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ‘મારા ઘરે મારા પિતા અને દીકરી જ હોવાનું જાણી લીધું’
પીડિતાએ સમગ્ર હૃદયદ્રાવક ઘટના દિવ્યભાસ્કર સમક્ષ વર્ણવતા કહ્યું કે, ઇમરાન હબીબ રાઉમા અમારો વર્ષો જૂનો પાડોશી જ હતો અને પાછળની શેરીમાં રહેતો હતો. સામાન્ય રીતે પાડોશી હોવાના નાતે ક્યારેક 'કેમ છો? કેમ નહીં?' જેવી ઔપચારિક વાતચીત થતી હતી, મારી પાસે આરોપીનો કોઈ ફોન નંબર પણ નહોતો. એક રાત્રે હું મારા મમ્મીના ઘરે રોકાયેલી હતી. તે સમયે તેના ઘરથી ત્રીજી ડેલીમાં આવેલા ટેલર પાસે બ્લાઉઝ સિવડાવવા બેઠી હતી. ત્યાં વાતચીત દરમિયાન આરોપી ઇમરાને ચાલાકીપૂર્વક જાણી લીધું હતું કે મારા ઘરે માત્ર મારા પિતા અને મારી નાની દીકરી જ છે, જે ઘોડિયામાં સૂતી છે. ‘મારું મોં દબાવીને સીધી રૂમમાં ખેંચી લીધી’
મારા મમ્મી તે સમયે ગામડે મસાલા કરવા માટે ગયા હતા. જેવું બ્લાઉઝ સિવાયું એટલે હું મારા ઘરે ગઈ. પરંતુ ઘરે પહોંચી કે તુરંત જ ઇમરાન પાછળ પાછળ ઘરમાં ઘૂસી ગયો હતો. ઘરની ડેલી બંધ કરવાનો પણ સમય મળ્યો નહોતો. મારું મોં દબાવીને સીધી રૂમમાં ખેંચી લીધી હતી. 'આ હેવાનિયત બાદ હું રૂમમાં ખૂબ રડતી રહી હતી'
વધુમાં રૂમમાં બનેલી ઘટના અંગે જણાવ્યું કે, ઇમરાને રૂમમાં લઈ જઈને સૌપ્રથમ મારું ટોપ કાઢી નાખ્યું હતું. પોતાના બચાવમાં ભારે ઝઝૂમતા મેં ઇમરાનનું ટી-શર્ટ ફાડી નાખ્યું હતું, પરંતુ તેણે એ જ ફાટેલા ટી-શર્ટથી મોઢામાં ડૂચો મારી દીધો અને મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ હેવાનિયત બાદ હું રૂમમાં ખૂબ રડતી રહી હતી. તે જ હાલતમાં આરોપીએ પોતાના મોબાઈલમાં મારા વાંધાજનક ફોટો અને વીડિયો ઉતારી લીધા હતા. ‘હું પોલીસ છું એટલે પોલીસ મારું કાંઈ બગાડી નહીં શકે’
આરોપી મને એવી ધમકી આપતો હતો કે, ‘ડેરીએથી અમારા માણસો આવશે અને તને પ્રાઇવેટ પાર્ટ પર છરી મારી દેશે, હું પોલીસ છું એટલે પોલીસ મારું કાંઈ બગાડી નહીં શકે, બધા મોટા મોટા અધિકારીઓ સાથે મારી ઉઠક-બેઠક છે, તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે, એના કરતાં હું જેમ કહું એમ કરીશ તો જ તું ફાયદામાં રહીશ.’ પીડિતાએ કહ્યું કે તે સમયે મને ખબર નહોતી કે આ ‘ડેરી’ શું છે, પરંતુ પોલીસ સ્ટેશન ગયા પછી અને લોકોના પરિચયમાં આવ્યા બાદ ખબર પડી કે ડેરી એવો ચોક્કસ વિસ્તાર છે. જ્યાંથી આવા અસામાજિક તત્વો આવે છે. ખાખી વર્દીના આ ભય અને પોલીસ તેનું કાંઈ નહીં બગાડી શકે એ બીકના કારણે પીડિતા આજ સુધી બધું જ મુંગા મોઢે સહન કરતી રહી અને ચૂપ રહી હતી. ‘મારી દીકરી સામે કપડાં કાઢીને આવી જઈ મારી સાથે અડપલાં કરતો’
આરોપી ઇમરાન મારી દીકરીને વેચી નાખવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. એટલું જ નહીં, તે મારી દીકરીની સામે કપડાં કાઢીને આવી જતો હતો અને દીકરીની સામે અત્યંત અશોભનીય હરકતો અને અડપલાં કરતો હતો. આ ભયાનક વર્તનથી બાળકી અત્યંત ડરી ગઈ હતી. હું મજબૂરીવશ કાંઈ કરી શકતી ન હોવાથી દીકરી તેનાથી પણ ડરવા લાગી હતી. અંતે ડરી ગયેલી માસૂમ દીકરીએ આ સમગ્ર બાબત પોતાના પિતાને (પીડિતાના પતિને) જણાવી હતી, જેના કારણે આખો મામલો બહાર આવ્યો હતો. 'મારો મોબાઈલ હેક કરી ગમે તેને ગંદા મેસેજ મોકલતો'
પીડિતાએ વધુમાં એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, આરોપી ઇમરાને મારો મોબાઈલ ફોન પણ સ્કેન (હેક) કરી લીધો હતો. પીડિતાના ફોનમાંથી તે તેના તમામ કોન્ટેક્ટ્સનો દુરુપયોગ કરતો હતો અને ગમે તેને ગંદા મેસેજ મોકલી આપતો હતો. આરોપીને અગાઉથી જ અંદાજ હતો કે ક્યારેક તેનો ભાંડો ફૂટશે, તેથી તેણે બચાવ માટે પહેલેથી જ મારા ફોનમાંથી મારી બહેનપણીઓને પણ ના મોકલવાના મેસેજો મોકલીને ફસાવવાની તૈયારી કરી રાખી હતી. ‘મારો ભાઈ આવશે ત્યારે તને પ્રાઇવેટ પાર્ટ પર છરીઓ મારી દેશે'
જોકે ધમકીઓનો સિલસિલો અહીં જ નહોતો અટક્યો, આરોપીની પત્ની પણ પીડિતાને ધમકાવતી હતી. આરોપીનો ભાઈ પણ કોઈ મોટો ડોન હોય તેમ ધમકી આપતો હતો કે ‘મારો ભાઈ આવશે ત્યારે તને પ્રાઇવેટ પાર્ટ પર છરીઓ મારી દેશે, આ વાત જો કોઈને પણ ક્યાંય જાહેર કરી છે તો યાદ રાખજે.’ આ માનસિક અને શારીરિક ત્રાસના કારણે આજે દીકરી એટલી હદે ડરી ગઈ છે કે તે પોતાની માતા પાસે આવવા પણ તૈયાર નથી અને તેના દાદાના ઘરે રહે છે. તે રોજ તેના દાદાને રડતા રડતા પૂછે છે કે, ‘દાદા, મમ્મીને ફોન કરો, ઓલા માણસોએ મારી મમ્મીને મારી તો નથી નાખી ને?’ આ મામલે પીડિતાએ અત્યંત આક્રોશ અને દર્દ સાથે માગ કરી છે કે, ખાખી વર્દીનો દુરુપયોગ કરનારા આવા દુષ્કર્મી સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. જેવી પીડા મેં અને મારી દીકરીએ ભોગવી છે, તેવી કોઈ પણ માતા કે દીકરીએ ન ભોગવવી પડે. મારે ન્યાય જોઈએ છે અને મને પૂરો વિશ્વાસ છે કે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાજકોટ પોલીસ મને અને મારી દીકરીને ન્યાય અપાવશે. પરિવાર પર હુમલાનો પ્રયાસ, પોલીસ-સંગઠનોની મદદ
બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ની હેલ્પલાઇન દ્વારા વૈશાલીબેન અને જયદીપભાઈ પીડિતાના ઘરે આવ્યા હતા. તેમણે પીડિતાને સાંત્વના આપી નિસ્વાર્થ ભાવે મદદની ખાતરી આપી, જેનાથી પીડિતામાં હિંમત આવી હતી. પીડિતાએ જ્યારે નક્કી કર્યું કે તે આ અન્યાય સામે લડશે, ત્યારે બીજે જ દિવસે સંગઠનોનો સંપર્ક કરી ત્રીજા દિવસે તેઓ સીપી ઓફિસે પહોંચ્યા હતા. પીડિતા જ્યારે સીપી ઓફિસે ગઈ ત્યારે આરોપી ઇમરાનનો આખો પરિવાર હાથમાં ધોકા અને હથિયારો લઈને પીડિતાના ઘરે હુમલો કરવા પહોંચી ગયો હતો. પાડોશમાં રહેતા એક વ્યક્તિએ પીડિતાના મમ્મી અને ભાભીને બચાવી લીધા હતા. ત્યારબાદ સીપી ઓફિસેથી ફોન આવતા જ આ વિધર્મીઓ ગાળાગાળી કરતા કરતા પોતાના ઘરે પરત ફર્યા હતા. પોતાની પાપલીલા છતી થતાં આરોપીએ પીડિતાને ચરિત્રહીન સાબિત કરવાના પણ અનેક હવાતિયાં માર્યા હતા.
Read Original Article →