5 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં બીજો વધારો:રાજકોટમાં લોકોએ કહ્યું- ભાજપની સરકાર હોવી જ ન જોઈએ, આ કરતા કોંગ્રેસ સારી હતી, આવી રીતે ભાવ વધે તો જીવવું કેમ ?
વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડનાં ભાવમાં મોટો વધારો થયો છે. જેને લઈને દેશમાં પણ આજે 5 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં બીજો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. અગાઉ 3 રૂપિયા જ્યારે આજે વધુ 90 પૈસાનો વધારો કરવામાં આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. ભાવમાં આજે થયેલા વધારાને લઈને દિવ્યભાસ્કર દ્વારા લોકો સાથે વાત કરાઈ હતી. જેમાં એક નાગરિકે જણાવ્યું હતું કે, ભાજપની સરકાર હોવી જ ન જોઈએ, આ કરતા કોંગ્રેસ સારી હતી, આવી રીતે ભાવ વધે તો જીવવું કેમ ? જોકે અન્ય એક નાગરિકે આ ભાવવધારો પરિસ્થિતિ મુજબ કરાયો હોવાનું જણાવ્યું છે. ડીઝલ 93.99
જુના ભાવ 93.06
વધારો 0.93 પૈસા પેટ્રોલ 98.13
જુના ભાવ 97.27
વધારો 0.86 પૈસા ગેસ 83.01
જુના ભાવ 80.26
વધારો 2.75 રૂપિયા દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં નરેશભાઈ નામના એક નાગરિકે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને મોંઘવારી અંગે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. અને જણાવ્યું હતું કે, 5 દિવસમાં બીજી વાર પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. પહેલાં 3 રૂપિયાનો વધારો થયો અને આજે ફરી 90 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ મોંઘવારીમાં નાના માણસો તો મરી જ જાય. જો કોઈનો પગાર ઓછો હોય અને તેની પાસે મોટરસાયકલ હોય, તો તે શું કરે? 12000 પગાર હોય તો તે પોતાના છોકરાઓને ભણાવે, મકાનનું ભાડું આપે કે પેટ્રોલમાં પૈસા વાપરે? શું લોકોએ ખાધા-પીધા વગર રહેવાનું? આ બધું હવે સહન થતું નથી. નરેન્દ્ર મોદી અને ભાજપની સરકાર હોવી જ ન જોઈએ. કોંગ્રેસના શાસનમાં એ રૂપિયા કિલો ઘઉં મળતા, તેલના ડબ્બાનો ભાવ 1300 રૂપિયા હતો જે અત્યારે 3200 રૂપિયા થઈ ગયો છે. ગોળ પહેલાં 10 રૂપિયા કિલો મળતો હતો, જે અત્યારે 50 રૂપિયા કિલો છે. ભલે કોંગ્રેસમાં ગુંડારાજનું તત્વ હતું, પણ અત્યારે ભાજપ સરકાર તો હદ વટાવી રહી છે. ખરેખર તો કોંગ્રેસની સરકાર જ હોવી જોઈએ. આવી રીતે ભાવ વધારો થયા કરે તો નાના માણસોનાં બજેટ ખોરવાઈ જાય છે. આ અંગે દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા અન્ય એક નાગરિક જયભાઈએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયની પરિસ્થિતિ અને માહોલને જોતાં સરકારને જે યોગ્ય લાગ્યું હશે તે પ્રમાણે ભાવવધારો કરવામાં આવ્યો છે. પરંતુ એક નાગરિક તરીકે અમારી એવી અપેક્ષા છે કે આગામી સમયમાં જ્યારે પણ દેશ અને દુનિયાની સ્થિતિમાં સુધારો થાય, ત્યારે સરકાર ભાવમાં ઘટાડો કરે તે જરૂરી છે. જોકે, અંતે તો આ સરકારનો જ નિર્ણય છે અને પ્રજા તરીકે આપણે તેને સ્વીકારવો જ રહ્યો, કારણ કે પ્રજા આવા નિર્ણયોમાં ખાસ કંઈ કરી શકતી નથી. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે સામાન્ય જનતા પર આર્થિક બોજ વધી રહ્યો છે. તાજેતરમાં જ પેટ્રોલમાં ટૂંકા સમયગાળામાં બીજી વખત ભાવવધારો ઝીંકવામાં આવતા લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આ મોંઘવારીથી કેટલાક નાગરિકો ત્રાહિમામ પોકારી સરકાર પર રોષ ઠાલવી રહ્યા છે. તો કેટલાક આંતરરાષ્ટ્રીય સ્તરે જે સ્થિતિ છે તેને લઈ ભાવ વધારો થયો હોવાનું સ્વીકારી સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે વૈશ્વિક પરિસ્થિતિ થાળે પડતાં જ સરકાર તુરંત જ ઇંધણના ભાવમાં ઘટાડો કરીને રાહત આપશે.
Read Original Article →