સિવિલના પૂર્વ RMO ડો.મહેન્દ્ર ચાવડાએ ઢોલ વગડાવી વિરોધ કર્યો વિરોધ:નિવૃતિના સાત મહિના બાદ પણ ઓનલાઈન પોર્ટલ પરથી નંબર ન હટાવતા પરેશાન

Gujarat5/20/2026, 2:06:17 PM
સિવિલના પૂર્વ RMO ડો.મહેન્દ્ર ચાવડાએ ઢોલ વગડાવી વિરોધ કર્યો વિરોધ:નિવૃતિના સાત મહિના બાદ પણ ઓનલાઈન પોર્ટલ પરથી નંબર ન હટાવતા પરેશાન
રાજકોટની PDU હોસ્પિટલના વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાંથી નિવૃત્ત થયેલા તબીબ ડો. મહેન્દ્ર ચાવડાનું નામ અને મોબાઈલ નંબર સાત મહિના બાદ પણ સરકારી ઓનલાઈન પોર્ટલ પરથી દૂર ન કરાતા તેઓ માનસિક ત્રાસ ભોગવી રહ્યા છે. આ વહીવટી છબરડાના વિરોધમાં તેમણે હોસ્પિટલ કેમ્પસમાં ઢોલ વગાડી તબીબી અધિક્ષકને લેખિત રજૂઆત કરી અનોખી રીતે આક્રોશ ઠાલવ્યો હતો. ડો. ચાવડા ગત તારીખ 31-10-2025 ના રોજ વયનિવૃત્ત થઈ ચૂક્યા છે. આમ છતાં, PMJAY, IRED એપ્લિકેશન અને GEM વેબસાઈટ પર હજુ તેમનો જ નંબર દર્શાવે છે. જેને લઈ અકસ્માતના કેસોની ઓનલાઈન કામગીરી માટે પોલીસ કર્મચારીઓ અને દર્દીઓના સગા-વહાલાઓ રાત-દિવસ તેમને ફોન કરીને હેરાન કરે છે. ફરજ પર નહીં હોવાથી તેઓ માહિતી આપી શકતા નથી, જેના કારણે વારંવાર ઘર્ષણ થાય છે. તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. તેમણે આ ટેકનિકલ ખામી તાત્કાલિક સુધારવા માંગ કરી છે. BSNLના કર્મચારીઓ-પેન્શનરો દ્વારા મોંઘવારી ભથ્થા મુદ્દે ઉગ્ર વિરોધ રાજકોટ સહિત દેશભરમાં સરકારી દૂરસંચાર કંપની BSNLના કર્મચારીઓ અને પેન્શનરોને કેન્દ્ર સરકારના ધોરણે આઈડીએ (મોંઘવારી ભથ્થું) ન ચૂકવાતા આજે ઉગ્ર સૂત્રોચ્ચાર અને દેખાવો કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન અંતર્ગત અમદાવાદમાં ખાનપુર સ્થિત પેન્શનર ઓફિસ ખાતે મોટી સંખ્યામાં પેન્શનરોએ એકત્રિત થઈને ધરણા કર્યા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ, ન્યૂ દિલ્હી દ્વારા 1-1-2026થી 31-3-2026 સુધીના 3.5 ટકા આઈડીએ એરિયર્સ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં ન આવતા કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ મોંઘવારી ભથ્થું રોકી શકાતું નથી, છતાં કર્મચારીઓને આ લાભથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. ઓલ ઈન્ડિયા બીએસએનએલ-ડીઓટી પેન્શનર્સ એસોસિએશનના જિલ્લા સેક્રેટરી અશોક હિન્ડોચાએ સરકારની ભેદભાવભરી અને બેવડી નીતિ સામે સખત વિરોધ નોંધાવ્યો છે. તેઓએ જણાવ્યું કે અન્ય કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગારપંચની તૈયારીઓ થઈ રહી છે, જ્યારે બીએસએનએલના કર્મચારીઓને થર્ડ પેઈઝ રિવિઝનનો લાભ પણ મળ્યો નથી. કંપનીના આઈટીએસ અધિકારીઓને 7મું પગારપંચ અને રેગ્યુલર ડીએ તાત્કાલિક ચૂકવાય છે, જ્યારે સામાન્ય કર્મચારીઓ અને પેન્શનરોને પોતાના હકનું મોંઘવારી ભથ્થું મેળવવા ઉનાળાના ધોમધખતા તડકામાં ધરણા કરવા પડે છે, જે અત્યંત દુઃખદાયક છે. આ બાબતે વહેલી તકે યોગ્ય પગલાં ભરી પ્રશ્ન હલ કરવા માંગ કરવામાં આવી છે. મનપાના ઝુ વિભાગમાં એનીમલ કીપરની 10 જગ્યા માટે 42 ઉમેદવારના ઇન્ટરવ્યુ રાજકોટ મહાપાલિકા સંચાલિત ઝૂ ખાતે એનિમલ કીપરની 10 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે. આ જગ્યાઓ માટે લાયકાતના આધારે કુલ 200 અરજદારોએ અરજી કરી હતી. જેમાંથી નિયમ મુજબ ડોક્યુમેન્ટ ચકાસણી કર્યા બાદ ચાર ગણા એટલે કે 42 ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. આજે બપોરે ઝૂ સુપ્રિટેન્ડન્ટ સહિતના અધિકારીઓની હાજરીમાં આ તમામ 42 ઉમેદવારોના તબક્કાવાર ઇન્ટરવ્યુ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઇન્ટરવ્યુ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાયકાતના ધોરણે ફિક્સ પગારના આધારે નવી નિમણૂક આપવામાં આવશે. ઝૂની સાથે હવે નજીકમાં સફારી પાર્કનું નિર્માણ કાર્ય પણ અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. ઝૂમાં નવા પ્રાણીઓના આગમન અને વન્યજીવોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખતા વધુ સ્ટાફની જરૂરિયાત ઊભી થઈ છે, જેના કારણે આ ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં ટેકનિકલ કેડરમાં અધિકારીઓની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
Read Original Article →