રાજકોટમાં આધ્યાત્મિક શક્તિનું ઘોડાપૂર:દેશ-વિદેશના લાખો ભાવિકોની ઉપસ્થિતિમાં આત્મજ્ઞાની મહાપુરુષને અપાઈ ભાવભીની સ્મરણાંજલિ

Gujarat4/6/2026, 1:13:13 PM
રાજકોટમાં આધ્યાત્મિક શક્તિનું ઘોડાપૂર:દેશ-વિદેશના લાખો ભાવિકોની ઉપસ્થિતિમાં આત્મજ્ઞાની મહાપુરુષને અપાઈ ભાવભીની સ્મરણાંજલિ
અધ્યાત્મ જગતના તેજસ્વી નક્ષત્ર અને પરમકૃપાળુદેવ તરીકે પૂજિત રાજચંદ્રજીનો આજે 125 મો સમાધિદિન છે. વિક્રમ સંવત 1957 ના ચૈત્ર વદ પાંચમના દિવસે રાજકોટની ભૂમિ પર તેમણે દેહત્યાગ કરી સમાધિસ્થપણે મહાપ્રયાણ કર્યું હતું. આ અવસરે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે 4 એપ્રિલ થી 7 એપ્રિલ 2026 દરમિયાન ભવ્ય ‘પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ’ ઉજવાઈ રહ્યું છે. રાજકોટમાં આધ્યાત્મિક શક્તિનું ઘોડાપૂર રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ અને વિવિધ આશ્રમોના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવમાં હજારો ભાવિકો રૂબરૂ અને લાખો મુમુક્ષુઓ ઓનલાઇન જોડાઈને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કરી રહ્યા છે. આ પર્વમાં રાજપરિવારના અગ્રણી સંતો જેવા કે, રાજચંદ્ર મિશન ધરમપુરના સ્થાપક ગુરુદેવ રાકેશજી, સાયલાના નલીનભાઈ, દિલ્હીના રત્નાપ્રભુ અને કોબા આશ્રમના સુરેશજીની પાવન નિશ્રામાં વાતાવરણ ભક્તિમય બની ગયું છે. ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક અને ‘આત્મસિદ્ધિ’ના રચયિતા રાજચંદ્રજી માત્ર એક સંત નહોતા, પરંતુ આર્ષ દ્રષ્ટા હતા. તેમણે માત્ર 28 વર્ષની વયે ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’ની રચના કરી હતી, જે આજે 140 થી વધુ ભાષાઓમાં અનૂદિત થઈ વિશ્વભરના જિજ્ઞાસુઓને માર્ગ બતાવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીમાં સત્ય અને અહિંસાના બીજ રોપનાર અને તેમના ચારિત્ર્યનું ઘડતર કરનાર રાજચંદ્રજી જ હતા. ગાંધીજીએ તેમને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા હતા. વૈશ્વિક સ્તરે પ્રસ્તુત અને પ્રાસંગિક વિચારધારા રાજચંદ્રજીનું જીવન અને ‘વચનામૃત’ ગ્રંથ આજે પણ એટલા જ પ્રાસંગિક છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ યુવાનોને તેમના જીવન પર સંશોધન કરવા અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પર્વમાં હાજરી આપી જણાવ્યું હતું કે, આ અવસર માત્ર સ્મરણનો નથી પણ આત્મમંથન અને આધ્યાત્મિક ઉન્નતિનો છે. આજે વિશ્વભરમાં તેમના નામે હોસ્પિટલો, શાળાઓ, એનિમલ સેન્ટર્સ અને યુનિવર્સિટી ચેર કાર્યરત છે, જે તેમના ‘સર્વજીવ હિત’ના સંદેશને સાર્થક કરે છે. મહોત્સવનું ભવ્ય સમાપન આ ચાર દિવસીય પર્વમાં નાટ્ય પ્રસ્તુતિ, શોભાયાત્રા અને અનુષ્ઠાનોનું આયોજન કરાયું હતું. આજે સમાધિદિનના અંતિમ દિવસે સવારે 10.30 થી 12.30 દરમિયાન ગુરૂદેવ રાકેશજી અને ત્યારબાદ નલિનભાઈના પ્રેરક પ્રવચનો યોજાશે. બપોરે 2.00 થી 3.00 ના સમયે, જે ક્ષણે તેમણે મહાપ્રયાણ કર્યું હતું, તે સમયે ભાવવાહી ભક્તિ અને મહાઆરતી સાથે આ દિવ્ય પર્વનું સમાપન થશે.
Read Original Article →