'NEETનું પેપર ફરી નહીં ફૂટે, તેની શું ગેરંટી?':'આ જધન્ય કૃત્ય, વિદ્યાર્થીઓ આપઘાત કરશે તો જવાબદારી કોની?', રાજકોટના વિદ્યાર્થી-વાલીઓમાં ભારે આક્રોશ, સુપ્રીમ સુધી લડશે
3 મેના UG-NEETની લેવાયેલી પરીક્ષાનું પેપર રાજસ્થાનથી લીક થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશભરમાં આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય જાહેર કરતા જ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા 'NO Re-NEET' ના નારા લગાવવામાં આવ્યા હતા. આ સાથે Re-NEETના નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન રોળાઈ જશે. આ સાથે ફરી વખત NEET પરીક્ષા ન લેવાની માંગ કરી હતી. જ્યારે વાલીઓએ NTA સામે સવાલો ઉઠાવતા અમૂક ખરાબ તત્વોના કારણે NEET પરીક્ષા રદ કરવી તેને જધન્ય કૃત્ય ગણાવ્યું હતું. આ સાથે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી દર્શાવી હતી. આ પણ વાંચો: 'જેનો દોષ નથી એની ફરી એક્ઝામ ન લેવી જોઈએ',VIDEO 'અમારા પર મેન્ટલ સ્ટ્રેસ કેટલો બધો હોય છે'
NEETની પરીક્ષા ફરીથી લેવાના વિરોધમાં વિદ્યાર્થિની યશ્વી મેહતાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 24 લાખ વિદ્યાર્થીઓના હૃદય ઉપર આટલો બોજ NTA મૂકી શકે નહીં. જો આવું જ હોય તો NTA દ્વારા પહેલાથી જ કહી દેવું જોઇએ કે NEETની પરીક્ષા બે કે ત્રણ વખત લેવામાં આવશે. JEE જેવું કરી નાખો કે બેસ્ટ ઓફ થી ગણવામાં આવશે. થોડાક માણસોના કારણે અમને શા માટે હેરાન-પરેશાન કરવામાં આવે છે? અમારા પર મેન્ટલ સ્ટ્રેસ કેટલો બધો હોય છે. 'અમે Re-NEETના વિરોધમાં છીએ'
ભારત સરકારે સમજવું જોઇએ કે, 24 લાખ વિદ્યાર્થીઓની જિંદગીનો સવાલ છે. ઘણા વિદ્યાર્થીઓ સુસાઇડ કરે છે. તેની શું ગેરેન્ટી છે કે પરીક્ષા ફરી લેવાશે અને પેપર નહીં ફૂટે. અમે ફરીથી 3 કલાક સ્ટેબલી અને મેન્ટલી પરીક્ષા આપી શકીશું તેની શું ગેરેન્ટી છે. અમે અઢી વર્ષની મહેનત બાદ હવે તમે એમ કહો છો કે એક મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની રહેશે તો કઈ રીતે પોશીબલ છે? આ વખતનું પેપર એવરેજ હતું અને વિદ્યાર્થીઓને માર્ક્સ પણ સારા આવ્યા હતા. જેથી અમે Re-NEETના વિરોધમાં છીએ. '10 ખરાબ તત્વોને કારણે 24 લાખ વિદ્યાર્થીઓ સાથે અન્યાય'
વાલી હેમલ મેહતાએ જણાવ્યું હતું કે, NEETની પરીક્ષા ફરી લેવાનો નિર્ણય સમગ્ર દેશ માટે અત્યંત દુ:ખદ અને આઘાતજનક છે. વિદ્યાર્થીઓએ અઢી વર્ષ સુધી રાત દિવસ મહેનત કરી અને સરકાર એક ઝટકે આ નિર્ણય કેવી રીતે લઈ શકે. 5થી 10 ખરાબ તત્વોને કારણે 24 લાખ વિદ્યાર્થીઓને દંડવા અને તેમની સાથે અન્યાય કરવાનો. રાજકોટમાં જ અનેક વિદ્યાર્થીઓ માતા-પિતા સામે આપઘાત કરવા માટે રડી રહ્યા છે. વિદ્યાર્થીઓ ફરીથી NEETની પરીક્ષા આપવા માટે કોઈ રીતે સક્ષમ નથી. 'રાજસ્થાનમાં પેપર લીક થયું તો ત્યાં તમે Re-NEET લો'
સરકારના કોઈ નેતાના દીકરા હોય તો ખ્યાલ આવે કે મેડિકલમાં એડમિશન લેવા માટે કેટલી મોટી તકલીફ પડે છે. સરકારે 100% આ નિર્ણયને ફેરબદર કરવો રહ્યો. જો રાજસ્થાનમાં પેપર લીક થયું છે તો ત્યાં તમે Re-NEET લો. પગમાં વાગ્યું હોય તો તેની દવા કરવાની હોય ના કે આખા શરીરની. જે જગ્યાએ સડો થયો હોય તે દૂર કરવનો હોય. વિદ્યાર્થીઓની અઢી વર્ષની મહેનત પાછળ માતા-પિતા અને શિક્ષકોએ રાત દિવસ ઉજાગરા કર્યા હતા. 'વિદ્યાર્થીઓ આપઘાત કરશે તો શું સરકાર જવાબદારી લેશે?'
જે વિદ્યાર્થીઓને 300 કે 400થી ઓછા માર્ક છે તેઓ તો સરકારના નિર્ણયની ફેવરમાં જ બોલવાના છે. વિદ્યાર્થીઓની Re-NEET લેવામાં આવ્યા બાદ શું સરકાર ખાતરી આપશે કે તેમના તે જ માર્ક્સ રહેશે? ફરી વખત પરીક્ષાને કારણે ઘણા વિદ્યાર્થીઓ આપઘાત કરશે તો શું તેના માટે સરકાર જવાબદારી લેશે? શું નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો આ ક્લાસ હોય શકે? જેથી સરકારે એવો નિર્ણય કરવો જોઇએ કે ત્રણ વખત NEETની પરીક્ષા લેવાની. જેમાં ચોરી ન થયા કે કોઈ પ્રોબ્લેમ ન થયા તે પરીક્ષા ગણવાની. વર્લ્ડની સૌથી મોટી પરીક્ષાનો ફિયાસ્કો છે. 'ફરી પરીક્ષા આપીએ અને પેપર લીક થાય તો અમારું શું?'
વિદ્યાર્થી શૌર્ય ભાવસારે જણાવ્યું હતું કે, સરકાર કોઈપણ જાતની ગેરેન્ટી લેવા માટે તૈયાર નથી. 30 લાખમાં ડોક્ટરની ડિગ્રી વેચાય છે. જે જરાય બરાબર નથી. પહેલેથી જ ખબર હોય કે ત્રણ વખત નીટની પરીક્ષા આપવાની હોય તો એ રીતે પરીક્ષા આપીએ અને ફરી વખત NEET પરીક્ષા લેવામાં આવે અને લીક થાય તો અમારું શું? આ વખતે પેપર સારા ગયા હતા અને સારા માર્ક આવે તેમ હતા અને હવે ફરીથી પરીક્ષા આપીએ તો કેટલા માર્ક આવશે તે ખબર ન પડે. 'લાખો વિદ્યાર્થીઓના ડોક્ટર બનવાના સ્વપ્ન તૂટી જશે'
વિદ્યાર્થી માધવ ત્રાડાએ જણાવ્યું હતું કે, રાજસ્થાન કે કેરાલામાં જ્યાં પેપર લીક થયા છે ત્યાં પરીક્ષા ફરી વખત લો પરંતુ ગુજરાતના વિદ્યાર્થીઓને હેરાન ન કરો. ત્રણ વર્ષની તૈયારી કર્યા બાદ મારે 650 માર્ક આવ્યા છે. કારણ કે, મને ખબર છે કે, આ પરીક્ષાને લઈ કેટલું ડિપ્રેશન હોય છે. હવે હું નથી ઇચ્છતો કે મારે ફરીથી પરીક્ષાની તૈયારી કરવી જોઇએ. લાખો વિદ્યાર્થીઓના ડોક્ટર બનવાના સ્વપ્ન તૂટી જશે. જે વિદ્યાર્થીઓને 500 થી વધુ માર્ક આવ્યા છે તેને ફરીથી તેટલા જ માર્ક આવશે કે નહીં તે નક્કી નથી. 'આ માટે કોણ જવાબદાર છે? શું પગલા લઈ રહ્યા છો?'
વાલી કિલોલ કારીયાએ જણાવ્યું હતું કે, NTA દ્વારા આ વખતે ટ્વીટર હેન્ડલ પર ખૂબ જ મોટા દબાવો કરી રહ્યા હતા કે આ વખતે ખૂબ જ કાળજી રાખવામાં આવી છે અને તેથી વર્ષ 2024 જેવો એપિસોડ રિપિટ નહીં થાય. આમ છતાં પણ પેપર લીક થયું છે. આને આ જ પ્રશ્ન અમારો નરેન્દ્ર મોદી સાહેબને છે. આ વસ્તુઓ ના થાય તે માટે શું પગલાઓ ભવિષ્યમાં લેશું? જે રીતે JEEની પરીક્ષા ઓનલાઇન લેવામાં આવે છે તે રીતે NEETની પરીક્ષા ઓનલાઇન શા માટે નથી? 23 લાખ વિદ્યાર્થીઓ માટે NTA પેપર કાઢી રહ્યું છે તે કોઈ જોક નથી. અમુક લોકો માટે 23 લાખ વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે એ તો ન જ થવું જોઈએ. જેથી અમે NTAને કહીએ છીએ કે ફરી વખત આ નિર્ણય બાબતે વિચારણા કરવામાં આવે. જે રાજ્યોમાં પ્રોબ્લેમ થયો છે ત્યાં જ પરીક્ષા ફરી વખત લેવામાં આવે. 'પરીક્ષા રદ થયાના મેસેજ મળતા ભૂખ મરી ગઈ'
વાલી દિવ્યેશ ત્રાડાએ જણાવ્યું હતું કે, NEETની પરીક્ષા રદ કરવામાં આવી તે NTA અને સરકારનો ટોટલ ફિયાસ્કો છે. 24 લાખમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ બ્રેક ડાઉન થઈ જશે. વિદ્યાર્થી ન કરવાનું કરી બેસે તો તેની જવાબદારી કોણ લેશે? અમે અત્યારે ઘરે જમવા બેસવા જતા હતા અને પરીક્ષા રદ થયાના મેસેજ મળતા ભૂખ મરી ગઈ અને જમવાનું બધું પડ્યું રહ્યું. વિદ્યાર્થીઓએ દિવસ રાત મહેનત કરી છે અને હવે ફરીથી પરીક્ષા લેવામાં આવે તો અગાઉ જેટલા જ માર્ક્સ આવશે કે નહીં તેની ગેરંટી કોણ લેશે? આ વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્ન નહીં તૂટે તેની જવાબદારી કોણ લેશે?
Read Original Article →