સાંઢીયા પુલના લોકાર્પણની તારીખ ટૂંકમાં જાહેર થશે:મનપાના પદાધિકારીઓએ સીએમ અને ડેપ્યુટી સીએમને આમંત્રણ આપ્યું, મનપાની સમિતિઓમાં ચેરમેન બનવા કોર્પોરેટરોનું લોબિંગ

Gujarat6/2/2026, 1:09:21 PM
સાંઢીયા પુલના લોકાર્પણની તારીખ ટૂંકમાં જાહેર થશે:મનપાના પદાધિકારીઓએ સીએમ અને ડેપ્યુટી સીએમને આમંત્રણ આપ્યું, મનપાની સમિતિઓમાં ચેરમેન બનવા કોર્પોરેટરોનું લોબિંગ
રાજકોટના જામનગર રોડ પર સાંઢીયા પુલની જગ્યાએ રૂ. 74 કરોડના ખર્ચે નવો ફોરલેન બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે.આ બ્રિજના ઉદઘાટન માટે ગાંધીનગર ગયેલા ભાજપના નવા પદાધિકારીઓએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવ્યું છે.મેયર નેહલ શુકલની આગેવાનીમાં ડે.મેયર દક્ષાબેન વસાણી,સ્ટે.ચેરમેન પરેશ પીપળીયા,શાસક નેતા હિરેન ખીમાણીયા અને દંડક સંજયસિંહ રાણા સહિતની ટીમે આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ માધવ દવે પણ જોડાયા હતા.મુલાકાત દરમિયાન વિકાસ કામો અને લોકઉપયોગી કાર્યો પર ચર્ચા કરવામાં આવી હતી.જોકે સરકાર અને મનપા દ્વારા મોટા કાર્યક્રમો પર કરકસરના ભાગરૂપે નિયંત્રણો મુકાયા હોવાથી મુખ્યમંત્રી રૂબરૂ આવે તેવી શક્યતા ઓછી છે.આથી, મોટા સમારોહ વગર સરકાર દ્વારા આ બ્રિજનું ઈ-લોકાર્પણ કરવામાં આવે તેવી સંભાવના છે.જો મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમય ન આપી શકે, તો રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીના હસ્તે આ બ્રિજ ખુલ્લો મુકાઈ શકે છે.આગામી 1થી 2 દિવસમાં ઉદઘાટનની તારીખ જાહેર થવાની આશા છે. મનપા કચેરીએ સ્ટે. કમિટીનાં પાર્કિંગમાં ખાનગી કાર ઘુસી ગઈ રાજકોટ મનપાના પાર્કિંગમાં આજે પદાધિકારીઓની ગેરહાજરી વચ્ચે એક હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.ભાજપની નવી ટીમના પદાધિકારીઓ એક મહત્વની મુલાકાત માટે કાર શેરિંગ કરીને ગાંધીનગર ગયા હતા.આજે મનપાના 5 પદાધિકારીઓ કુલ 3 વાહનોમાં એકસાથે ગાંધીનગર પહોંચ્યા હોવાથી મનપા કચેરી ખાતે પદાધિકારીઓના સરકારી પાર્કિંગના પ્લોટ ખાલી પડ્યા હતા.જેનો લાભ ઉઠાવીને મનપાના સત્તાવાર પાર્કિંગમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે નક્કી કરાયેલી આરક્ષિત જગ્યામાં એક ખાનગી કાર ઘુસી ગઈ હતી અને ત્યાં જ પાર્ક થઈ ગઈ હતી. ડ્રાઈવરે દાદાગીરીથી કાર પાર્કિંગ કરી હતી આ સમયે ત્યાં ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડની નજર પડતાં તેણે તાત્કાલિક કારને રોકી હતી. સિક્યુરિટી ગાર્ડે ડ્રાઈવરને ટોક્યો હતો અને આ પદાધિકારીઓ માટેનું ખાસ સરકારી પાર્કિંગ હોવાનું જણાવી અહીં ગાડી રાખવાની મનાઈ કરી હતી. આમ છતાં, ડ્રાઈવરે સિક્યુરિટી ગાર્ડની ચેતવણીને બિલકુલ ગણકારી ન હતી અને દાદાગીરી કરીને ગાડી ત્યાં જ મૂકી દીધી હતી. જોકે બાદમાં ડ્રાઈવરને નિયમોનું ભાન થતાં અને મામલો વણસે તે પહેલાં જ અંતે તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. આખરે ડ્રાઈવરે ચેરમેનની આરક્ષિત જગ્યામાંથી પોતાની ખાનગી ગાડી પાછી ઉતારી લેતા મામલો થાળે પડ્યો હતો. જિ. પંચાયતમાં સમિતિઓની રચના આગામી સપ્તાહમાં થવાની શક્યતા રાજકોટ જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની 11 તાલુકા પંચાયતો સહિત સમગ્ર ગુજરાતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયાના એક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે.જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે જસ્મીન પીપળીયા અને ઉપપ્રમુખ તરીકે સામત બાંભવા સત્તારૂઢ થઈ ચૂક્યા છે.જો કે,કારોબારી ચેરમેનનું નામ અગાઉ જાહેર થઈ ગયું હોવા છતાં, બાંધકામ, શિક્ષણ, આરોગ્ય અને મહિલા બાળ કલ્યાણ જેવી અન્ય અડધો ડઝન સમિતિઓની રચનામાં વિલંબ થતાં સભ્યોમાં ગણગણાટ શરૂ થયો છે. સમિતિમાં સ્થાન મેળવવા કોર્પોરેટરોનું લોબિંગ ટોપ-3 પોસ્ટમાં સ્થાન ન મેળવી શકેલા અનેક સિનિયર તેમજ નવા સભ્યો સમિતિઓના ચેરમેન બનવા માટે લોબીંગ કરી રહ્યા છે. જોકે સમગ્ર મામલે ભાજપના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યની કોર્પોરેશન અને પંચાયતોમાં એકસાથે સમિતિઓ રચવા પક્ષની રણનીતિ છે. પ્રદેશ નેતાગીરી તરફથી જરૂરી સૂચના કે માર્ગદર્શન મળ્યા બાદ જ આ પ્રક્રિયા હાથ ધરાશે. પંચાયતમાં સમિતિની રચના માટે સામાન્ય બોર્ડ બોલાવવા 7 દિવસ અગાઉ એજન્ડા બહાર પાડવો અનિવાર્ય હોવાથી, ચાલુ સપ્તાહમાં આ પ્રક્રિયા શક્ય નથી. ત્યારે હવે આગામી સપ્તાહમાં સમિતિઓની રચના થવાની શક્યતા છે. સખી વન સ્ટોપ સેન્ટરની ભૂમિકા પર Ph.D. મૂળ સિદસરના વતની અને હાલ જામજોધપુર ખાતે નિવાસ કરતા જેવીના માણાવદરિયાએ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ હાસલ કરીને સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે.તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ તરફથી સમાજકાર્ય વિષયમાં "ડૉક્ટર ઓફ ફિલોસોફી" (Ph.D.) ની સર્વોચ્ચ પદવી પ્રાપ્ત કરી છે.આ મહાશોધનિબંધ શાંતિનિકેતન કોલેજના પ્રિન્સિપાલ અને જાણીતા શિક્ષણવિદ ડૉ. મહેશ ડી. ગોગરા સાહેબના કુશળ માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યો હતો.ડૉ. જેવીનાના Ph.D.ના સંશોધનનો વિષય "હિંસાથી પીડિત મહિલાઓની મદદ માટે 'સખી' વન સ્ટોપ સેન્ટરની ભૂમિકાનો એક સામાજિક અભ્યાસ" હતો. મહિલા સુરક્ષા અને સશક્તિકરણના સંદર્ભમાં આ વિષય વર્તમાન સમયમાં ખૂબ જ મહત્વનો અને સંવેદનશીલ ગણાય છે. સરકાર દ્વારા સંચાલિત 'સખી' વન સ્ટોપ સેન્ટરની કામગીરી અને પીડિત મહિલાઓને મળતી સહાય અંગેનો આ સામાજિક અભ્યાસ આગામી સમયમાં વહીવટી સ્તરે અને સામાજિક સંસ્થાઓ માટે ખૂબ જ માર્ગદર્શક અને ઉપયોગી સાબિત થશે. અમરેલીના યુવા ક્રિકેટર જેસલ બગડાની ધમાકેદાર ઇનિંગ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અંડર-19 ઇન્ટર ડિસ્ટ્રીક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આજે બીજી મેચ અમરેલી અને કચ્છ રૂરલ વચ્ચે રમાઇ હતી.આ મેચમાં અમરેલીએ 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો.જે ટાર્ગેટ સામે કચ્છ રૂરલ 101 રન બનાવી શકી હતી.આ મેચમાં અમરેલીના યુવા ક્રિકેટર જેસલ બગડાએ સતત બીજા દિવસે 70 રનની ધમાકેદાર બેટિંગે સૌ કોઇનું ઘ્યાન આકર્ષિત કર્યું હતું.આ ઉપરાંત હેત રોકડે 66 રનની બેટીંગ અને ત્રણ વિકેટ લઈ મેન ઓફ ધ મેચનુ બીરુદ મેળવ્યુ હતુ. જેસલ બગડા રાઇટ હેન્ડ ઓપનીંગ બેસ્ટમેન છે અને લેફ્ટ હેન્ડ બોલર છે. આજે અમરેલી ટીમ વતી જેસલ બગડાં ઓપનીંગ બેટ્સમેન તરીકે મેદાને ઉતર્યો હતો જેમાં તેમણ 2 છગ્ગા અને 10 ચોગ્ગા મારીને 70 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજિત આ ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્રભરના અંડર-19 ખેલાડીઓ રમવા માટે આવે છે અને એસોસિએશનના હોદ્દેદારો અને સિલેક્ટરોની પણ યુવા ખેલાડીઓ પર નજર હોય છે.
Read Original Article →