રાજકોટમાં NEET પેપર લીકનો અનોખો વિરોધ:AAP ના કાર્યકર્તાઓએ ઝાલમૂડી ખવડાવી કહ્યું - હવે વિદ્યાર્થીઓ પાસે મમરા વેચવા સિવાય કોઈ વિકલ્પ નથી
ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની NEET પરીક્ષાનું પેપર રાજસ્થાનથી ફૂટ્યા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષા રદ કરવામાં આવતા સમગ્ર દેશમાં 22 લાખ જેટલા વિદ્યાર્થીઓમાં ઊહાપોહ મચી ગયો છે. પેપર લીકના વિરોધમાં આજે 14 મે ના રાજકોટના કિશાનપરા ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં એકબીજાને ઝાલમૂડી ખવડાવવામાં આવી હતી અને મેડિકલમાં પ્રવેશ માટેની નીટ જેવી સૌથી મોટી પરીક્ષાનું પેપર પણ જો લીક થતું હોય તો હવે વિદ્યાર્થીઓ પાસે ઝાલમૂડી વેચવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી તેવું કહી પેપર લીકની ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન હાય રે ભાજપ, હાય રે NTA ના નારા લગાવતા કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. રાજકોટ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 11 ના પ્રમુખ દિલીપ વોરાએ જણાવ્યું હતું કે, જે NEET નું પેપર ફૂટી જવાની ઘટના સામે આવી છે વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે તેમ છતાં પણ સરકાર દ્વારા પગલાં લેવામાં આવતા નથી. તેઓ કહે છે કે અમને ગુનેગારોને છોડશું નહીં પરંતુ પકડવામાં પણ નથી આવતા અને છાવરવામાં આવે છે. જે પૈસા લઈ અને પેપર ફોડે છે તે ભાજપ પક્ષનો જ કાર્યકર્તા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પટનાના ખાન સરે એક નિવેદન આપ્યું છે કે પેપર સેટ થયા બાદ જ્યાં સુધી વિદ્યાર્થીઓના હાથમાં ન આવે ત્યાં સુધી પેપર કાઢનારા લોકો એક પેક જગ્યામાં રહે. તેની સાથે કોઈનો સંપર્ક ન રહે જેથી કરીને આવી ઘટનાઓ ન બને પરંતુ સરકારને ખબર છે કે આ મહત્વપૂર્ણ પેપર છે અને 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ આની સાથે સંકળાયેલા છે ત્યારે આ પરીક્ષામાં આ પ્રકારની બેદરકારી ચલાવી ન શકાય. પરંતુ હાલ લોકોને પણ આ પોસાય છે કારણ કે મારો દીકરો આટલી તૈયારી કરતા હોય તો તેઓની માનસિક હાલત શું હોય. આવી ઘટનાઓ આપણા ઘરમાં બને ત્યારે તેનું ભાન આવે પરંતુ આ તેનું પરિણામ છે કે આપણે અજ્ઞાન અને અભણ નેતાઓને પસંદ કરીએ છીએ. જેને કારણે જ આવું થાય છે. હું આ સરકારનો દોસ્ત દેતો નથી પબ્લિકને દોષ દઉં છું. શિક્ષણ એ મહત્વનો મુદ્દો છે પરંતુ સરકારના મેન્યુફેસ્ટોમાં ક્યારેય હોતો જ નથી. NEET જેવી મહત્વપૂર્ણ પરીક્ષામાં આ પ્રકારની બેદરકારી હોય તો સમજી શકાય કે સરકારની કેવી દાનત છે. જેથી હું સરકારને વિનંતી કરું છું કે આ વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનો અન્યાય ન કરો. તમે મહત્વની વસ્તુ છે તેના ઉપર ધ્યાન આપો. તેમણે અંતમાં જણાવ્યું કે, ઝાલમૂડી વેચવાનું કારણ એ છે કે હવે વિદ્યાર્થીઓને શું કરવાનું ? NEET જેવી મહત્વની પરીક્ષાનું પેપર ફૂટી જતુ હોય તો વિદ્યાર્થીઓ પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી કારણકે વિદ્યાર્થીઓએ તૈયારી પાછળ પોતાની અડધી જિંદગી ખરાબ કરી નાખી હોય. તમે વિચારો તેઓને માનસિક હાલત કેવી હોય. હવે એ બીજો ધંધો શું કરશે? હવે આટલું બધું એજ્યુકેશન જેની પાસે હોય તો તે ધંધો તો કંઈ કરી શકવાનો નથી. જેથી બજારમાં બેસીને મમરા વેચવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ રહેતો નથી કારણકે તે આર્થિક રીતે પણ ભાંગી પડ્યા હોય અને સરકારને કંઈ પડી નથી અને લોકો પણ મન ફાવે તેમ મત આપી દે છે તો આવા નેતાઓ આવવાના. એજ્યુકેટેડ નેતાઓ હોય, એજ્યુકેટેડ લોકો હોય તો એજ્યુકેશન વિશે વિચારે. હવે તો કાંઈ વિચારતા જ ન હોય તો પછી મમરા વેચો અને મમરાનું નામ મોદી સાહેબે સારું આપ્યું છે - ઝાલમૂડી. આપણે ગુજરાતમાં મમરા કહેવાય તેને બંગાળમાં ઝાલમૂડી કીધું. ખાઓ, વેચો અને મજા કરો.
Read Original Article →