દુષ્કર્મ પીડિતાના કાકાના હત્યારા ઝડપાયા:સમાધાન ન કરતા ફરિયાદીને આંતરી હત્યા કરી હતી, નિર્લિપ્ત રાયે ચાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરતા પોલીસ દોડતી થઈ

Gujarat5/24/2026, 11:27:42 AM
દુષ્કર્મ પીડિતાના કાકાના હત્યારા ઝડપાયા:સમાધાન ન કરતા ફરિયાદીને આંતરી હત્યા કરી હતી, નિર્લિપ્ત રાયે ચાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરતા પોલીસ દોડતી થઈ
રાજકોટના પડધરી તાલુકામાં દુષ્કર્મ અને પોક્સો કેસના ફરિયાદીની થયેલી હત્યા મામલે અંતે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. વર્ષ 2024માં દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓ ફરાર હતા. આરોપીઓ સામે જે તે સમયે દુષ્કર્મ પીડિતાના કાકા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. છેલ્લા બે વર્ષ દરમિયાન બંને આરોપીઓ નાસતા ફરતા હતા. પોલીસ તેના સુધી પહોંચે તે પહેલા જ બંને આરોપીઓએ મળી થોડા દિવસ પૂર્વે દુષ્કર્મ અને પોક્સો કેસના ફરિયાદી યુવાન પર છરીના 9 ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. મૃતક દ્વારા પોતાના જીવને જોખમ હોવાની પોલીસને અરજી કરાયા બાદ પણ ફરિયાદીની હત્યા થઈ ગઈ હતી. બે વર્ષ સુધી દુષ્કર્મ અને પોક્સો કેસમાં ફરાર આરોપીઓ દ્વારા હત્યાનો ગુનો આચરતા રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા ચાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. રેન્જ આઈજીના સપાટા બાદ દોડતી થયેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. દુષ્કર્મ અને પોક્સો કેસના ફરિયાદી યુવકની હત્યા થઈ હતી રાજકોટ શહેરમાં વાહન લે-વેંચ અને સીઝીંગના વ્યવસાય સાથે સંકળાયેલા 40 વર્ષીય યુવક મૈત્રી કરારથી તેની સાથે રહેતી સ્ત્રી મિત્ર સાથે પોતાની કાર લઈ પોતાના પડધરી તાલુકામાં પોતાના ગામ જતા હતા.ત્યારે રસ્તામાં આરોપી મહેન્દ્રસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજા નામના બે શખ્સોએ યુવકની હેરિયર કાર સાથે બ્રેઝા કાર અથડાવી છરીના આડેધડ 9 જેટલા ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યા હતા જેને ઝડપી પાડવા માટે રેન્જ IG દ્વારા સૂચના આપવામાં આવતા SP વિજયસિંહ ગુર્જર દ્વારા ASP સિમરન ભારદ્વાજના સુપરવિઝન હેઠળ 3 પીઆઇ, 3 પીએસઆઈ સહીત 100 લોકોની ટીમ બનાવી આરોપીઓને પકડવા કામે લાગી હતી દરમિયાન ચોક્કસ બાતમીના આધારે આજે સવારે 3 વાગ્યા આસપાસ બન્ને આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસે સબ ઇન્સ્પેકટર એ બી જાડેજા ટીમને સફળતા મળી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ દ્વારા હત્યાના ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલ બ્રેઝા કાર કચ્છના ગાંધીધામ ખાતેથી કાનાભાઇ આહીર પાસેથી લાવ્યા હોવાજું અને તે ગાડીની નંબર પ્લેટ કાઢી નાખી પોલીસને ગેરમાર્ગે દોરવા અન્ય બીજી ખોટી નંબર પ્લેટ લગાડી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે બ્રેઝા કાર અને હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલ છરી પણ કબ્જે કરી FSLમાં મોકલવામાં આવેલ છે. પોલીસ તપાસમાં આરોપી મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા વિરુદ્ધ અગાઉ ગુનાહિત કાવતરું રચી છેતરપિંડી આચરવા તેમજ દુષ્કર્મ અને પોક્સો હેઠળ અલગ અલગ 2 ફરિયાદ પડધરી પોલીસમાં નોંધાઈ ચુકી હોવાનું અને આરોપી યશપાલસિંહ જાડેજા વિરુધ્ધ દુષ્કર્મ અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ ચુકી હોવાનું સામે આવ્યું છે. દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદમાં સમાધાન ન થતા હત્યા કરી હત્યાનું મૂળ કારણ જાણવા પોલીસ પુછપરછ કરતા પ્રાથમિક પુછપરછમાં એવું સામે આવ્યું હતું કે, અગાઉ તેમના વિરુધ્ધ નોંધાયેલ દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદમાં સમાધાન કરવા માટે આરોપીઓ વારંવાર દબાણ કરતા હતા જો કે સમાધાન ન કરતા આવેશમાં આવી આરોપીઓએ ગાડી ભટકાડી બાદમાં છરીના ઉપરાછાપરી 9 ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધી હતો. આરોપીઓ વિરુદ્ધ 2024માં નોંધાયેલ ફરિયાદ બાદ આજ દિવસ સુધી સતત તેઓ નાસ્તા ફરતા હતા અને તેમ તે રાજસ્થાન, હરિયાણા, પંજાબ સહિત રાજ્યોની અંદર અલગ અલગ શહેરોમાં નાસ્તા ફરતા હતા. આ દરમિયાન પોલીસ પકડથી બચવા તેઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ન હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપી મહેન્દ્રસિંહ જાડેજા પોતાના સ્કૂલ તેમજ કોલેજ સમયના મિત્રોના મોબાઈલ નંબર રાખતો હતો જરૂર પડ્યે કોઈ હોટલ, પેટ્રોલપમ્પ, રિચાર્જ દુકાન કે અન્ય કોઈ જગ્યાએથી સંપર્ક કરી વાતચીત પણ કરતો અને જરૂર પડ્યે રૂપિયાની માંગણી પણ કરતો હતો. તો કોઈ વખત હોટલોમાં વેઈટર કે સફાઈ કર્મી બની નાનું મોટું કામ કરી રૂપિયા કમાઈ લેતા હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ આ ગુનામાં તેની સાથે અન્ય કોઈ હતું કે કેમ તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ પ્રથમ બન્ને આરોપીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરી રિમાન્ડ મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ દુષ્કર્મ અને પોક્સોનાં ગુનામાં બે વર્ષથી નાસ્તા ફરતા હોવાથી તે ગુનામાં પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દુષ્કર્મ કેસની તપાસમાં બેદરકાર ચાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા ઉલ્લેખનીય છે કે પોક્સો કેસમાં ફરિયાદ દાખલ થયાના 6 મહિના બાદ મૃતક યુવાને તેની જાનનું જોખમ હોવા અંગે પડધરી પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી આમ છતાં બે-બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી ન શકનાર તેમજ ભોગબનનારના પરિવારજનની હત્યા આરોપીઓ દ્વારા કરી નાખવામાં આવતા રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા આ કેસમાં બેદરકારી દાખવનાર બે તત્કાલીન PI, એક PSI અને એક ASIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Read Original Article →