પોક્સો કેસના ભોગ બનનારના કાકાની હત્યામાં વધુ એક પકડાયો:પોલીસ પકડથી બચવા આરોપીઓ ઇન્સ્ટાગ્રામ માધ્યમથી કોલ પર સંપર્ક કરતા, હત્યાના દિવસે મૃતકની રેકી કરી માહિતી આપી'તી
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે પૂર્વ બાતમી અને આયોજનબદ્ધ કાવતરું રચીને એક યુવાનની છરીના આડેધડ 9 ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવાના કેસમાં પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. મુખ્ય બે શૂટર્સ-આરોપીઓની ધરપકડ કર્યા બાદ, પોલીસે આ ગુનામાં આખી રેકી કરનાર અને માહિતી સપ્લાય કરનાર ત્રીજા આરોપી પૃથ્વીરાજસિંહ જાડેજાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, લોકેશન ટ્રેસ થવાના ડરથી આરોપીઓ સામાન્ય સેલ્યુલર ફોન કોલનો ઉપયોગ કરવાને બદલે ઇન્સ્ટાગ્રામ (Instagram) કોલિંગના માધ્યમથી એકબીજાના સંપર્કમાં રહીને મૃતકની પળેપળની હિલચાલ પર નજર રાખતા હતા. હત્યા પાછળ વર્ષ 2024નો પોક્સો અને દુષ્કર્મનો કેસ મુખ્ય કારણ
રાજકોટ જિલ્લા પોલીસ વડા (SP) વિજયસિંહ ગુર્જરના જણાવ્યા અનુસાર, આ ઘાતકી હત્યા પાછળનું મૂળ કારણ વર્ષ 2024માં પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળની ફરિયાદ છે. આ કેસમાં મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ, યશપાલસિંહ, અજયસિંહ અને મૃતકની પત્ની વિરૂદ્ધ ગુનો નોંધાયા બાદ, છેલ્લા બે વર્ષથી મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ પોલીસ પકડથી ભાગતા ફરતા હતા. તેઓ કેસમાં સમાધાન કરવા માટે ભોગ બનનાર સગીરાના કાકા (મૃતક યુવાન) પર સતત દબાણ લાવતા હતા. આ બાબતે અગાઉ પણ અનેક વખત ઉગ્ર બોલાચાલી અને ઝઘડા થયા હતા. અંતે, સમાધાન ન થતાં ઉશ્કેરાઈને ગત 20 મેના રોજ યુવાનની હત્યાનો કારસો ઘડાયો હતો. પિતરાઈ ભાઈએ જ કરી હતી મૃતકની રેકી
પોલીસે અગાઉ રવિવારના રોજ મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજાને ઝડપી પાડીને ૬ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તેમની કડક પૂછપરછ દરમિયાન મહેન્દ્રસિંહના પિતરાઈ ભાઈ પૃથ્વીરાજસિંહ જાડેજાનું નામ ખુલ્યું હતું. પૃથ્વીરાજસિંહ મૃતક યુવાન પોતાના ઘર કે ઓફિસથી ક્યારે નીકળે છે, કઈ કારનો ઉપયોગ કરે છે અને તેની સાથે કોણ હાજર છે, તે તમામ ચોક્કસ વિગતો મુખ્ય આરોપીઓ સુધી પહોંચાડતો હતો. હત્યાના દિવસે કપડાંના કલર અને ગાડીના નંબરની માહિતી આપી
તપાસમાં ખુલાસો થયો છે કે, 20 મે એટલે કે હત્યાના દિવસે પણ પૃથ્વીરાજસિંહ દ્વારા જ મૃતકની આખરી રેકી કરવામાં આવી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર કોલ કરીને મહેન્દ્રસિંહને જણાવ્યું હતું કે, મૃતક કઈ ગાડી લઈને નીકળ્યો છે, તેનો નંબર શું છે, ગાડીમાં કોણ બેઠું છે અને યુવકે કયા રંગના કપડાં પહેર્યા છે. આ સચોટ લોકેશન મળતાની સાથે જ ખાખડાબેલા ગામ પાસે આરોપીઓએ મૃતકની ગાડી સાથે પોતાની ગાડી અથડાવીને અકસ્માત સર્જ્યો હતો અને કારમાંથી બહાર નીકળતા જ યુવાન પર છરી વડે ઉપરાછાપરી 9 ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર, મોબાઈલ FSLમાં મોકલાયો
પોલીસે પૃથ્વીરાજસિંહ જાડેજાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેના ૧ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે ગુનામાં વપરાયેલો મોબાઈલ ફોન કબ્જે કરી તેના ડિજિટલ પુરાવા અને ઇન્સ્ટાગ્રામ ચેટ-કોલ હિસ્ટ્રી રિકવર કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં મોકલી આપ્યો છે. જિલ્લા પોલીસ વડાએ ઉમેર્યું હતું કે, હત્યા કેસની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વણઉકેલાયેલા પોક્સો અને દુષ્કર્મના કેસમાં પણ આ આરોપીઓની સત્તાવાર ધરપકડ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Read Original Article →