રેસકોર્સ રીંગ રોડ પર કાયમ દિવાળી કાર્નિવલનો માહોલ:મનપા દ્વારા 2.30 કરોડના ખર્ચે આકર્ષક રોશનીથી ઝળહળતો કરાશે, નવા ફાયર સ્ટેશન તેમજ કોમ્યુનિટી હોલ સહિત કરોડોના વિકાસ કાર્યો
રાજકોટ મહાનગરપાલિકામાં નવનિયુક્ત શાસકોની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે યોજાનાર છે. જેમાં શહેરના વિકાસની 20 જેટલી દરખાસ્તો પર ચર્ચા વિચારણા કરીને મંજૂરીની મહોર મારવામાં આવશે. આ બેઠકમાં ખાસ કરીને રાજકોટના હાર્દસમા રેસકોર્સ રીંગ રોડને આકર્ષક રોશનીથી ઝળહળતો કરવા માટે રૂ. 2.30 કરોડનો ખર્ચ કરવાની દરખાસ્ત કમિશ્નર દ્વારા મુકવામાં આવી છે. જેનાથી રેસકોર્સ રીંગ રોડ પર કાયમ દિવાળી કાર્નિવલનો માહોલ જોવા મળશે. ઉપરાંત પારડી રોડ પર નવો અત્યાધુનિક કોમ્યુનિટી હોલ બનાવવા તેમજ સ્ટાફ ક્વાર્ટર્સ સાથેનું નવું ફાયર સ્ટેશન ઊભું કરવા સહિતના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ અંગે નિર્ણય લેવામાં આવશે. તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી
રાજકોટનું હૃદય ગણાતા અને હજારો શહેરીજનોની અવરજવરથી ધમધમતા રેસકોર્સ રીંગ રોડને વધુ સુંદર અને આકર્ષક બનાવવાનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. રેસકોર્સ રીંગ રોડ પર ફરવા આવતા નાગરિકોને કાયમ માટે દિવાળી કાર્નિવલ જેવો જ ભવ્ય અને ઉત્સાહજનક અનુભવ થાય તે માટે રીંગ રોડની ફરતે કાયમી ધોરણે ડેકોરેટીવ લાઇટીંગ સિસ્ટમ ગોઠવવાનું નક્કી કરાયું છે. આ આખી સિસ્ટમની એસઆઇટીસી (સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગ) કામગીરી માટે તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 4 એજન્સીઓએ રસ દાખવીને પોતાની બીડ સબમિટ કરી હતી
પ્રથમ તબક્કે યોજાયેલી ટેન્ડર પ્રક્રિયામાં કુલ 4 એજન્સીઓએ રસ દાખવીને પોતાની બીડ સબમિટ કરી હતી. જોકે, ટેકનિકલ સ્ક્રુટિની દરમિયાન આ તમામ એજન્સીઓ ટેકનિકલ બીડ ઇવેલ્યુએશનમાં ડિસ્કવોલિફાઇ એટલે કે ગેરલાયક ઠરી હતી. આ પરિસ્થિતિને કારણે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે શોર્ટ ટર્મ રીટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રીટેન્ડરમાં મુખ્ય બે એજન્સીઓએ પોતાના ભાવો રજૂ કર્યા છે. જે અંતર્ગત અમદાવાદની ફોકસ લાઇટીંગ્ ફીચર્સ દ્વારા રૂ. 2,88,48,953 અંદાજિત ખર્ચ સામે 2,45,75,900ની બીડ રજૂ કરવામાં આવી હતી. સુરતની વોટર વર્લ્ડ પ્રા. લી.ને કામ સોંપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મૂકાઈ
જ્યારે આ કામ માટે સુરતની વોટર વર્લ્ડ પ્રા. લી. દ્વારા રૂ. 2,30,82,700ની સૌથી નીચી બીડ રજૂ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના કમિશનર અને ટેન્ડર કમિટીને સુરતની વોટર વર્લ્ડ પ્રા. લી. દ્વારા રજૂ કરવામાં આવેલા ભાવો વધુ વ્યાજબી અને નિયમાનુસાર જણાતા, આ આકર્ષક ડેકોરેટીવ લાઇટીંગ પ્રોજેક્ટનું કામ એજન્સીને સોંપવા માટેની દરખાસ્ત મંજૂરી અર્થે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે. જેના અંગે આવતીકાલે જ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે. આ માટે મંજૂરી મળતાની સાથે જ કામગીરી શરૂ કરવામાં આવશે. વોર્ડ નં. 14માં સોરઠીયાવાડી ગાર્ડનનું રૂ. 3.10 કરોડના ખર્ચે નવિનીકરણ
રાજકોટના સેન્ટ્રલ ઝોન હેઠળ આવતા વોર્ડ નં. 14માં સ્થિત ઐતિહાસિક સોરઠીયાવાડી ગાર્ડનની કાયાપલટ કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ બગીચાને આધુનિક અને તમામ સુવિધાઓથી સજ્જ બનાવવા માટે તંત્ર દ્વારા અંદાજે રૂ. 3,13,46,400નું એસ્ટીમેટ મંજૂર કરવામાં આવ્યું હતું. અંદાજે 5945 ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ હૈયાત ગાર્ડનને નવું રૂપ આપવા માટેના પ્રોજેક્ટમાં અનેક આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે, જેમાં ગાર્ડનની સુરક્ષા માટે આધુનિક ચોકીદાર રૂમનું નિર્માણ, હરિયાળી જાળવી રાખવા માટે અન્ડરગ્રાઉન્ડ વોટર ટેન્ક અને નવી લોન તેમજ આકર્ષક પ્લાન્ટસનું પ્લેન્ટેશન, મુલાકાતીની સુરક્ષા માટે સમગ્ર બગીચામાં સીસીટીવી કેમેરા નેટવર્કની સુવિધા ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત સવાર-સાંજ ફરવા આવતા લોકો માટે આહલાદક સાઉન્ડ સીસ્ટમની ગોઠવણ, રાત્રિના સમયે આકર્ષણનું કેન્દ્ર બને તેવું વિશેષ ગ્લો ગાર્ડન, બગીચાની ફરતે પ્લીન્થ પ્રોટેક્શન કરીને મજબૂત ગ્રીલ લગાવવાની કામગીરી કરવામાં આવશે. આ ભવ્ય પ્રોજેક્ટ માટે હાથ ધરવામાં આવેલી પ્રથમ ટેન્ડર પ્રક્રિયામાં નિયત સમય મર્યાદામાં માત્ર બે જ એજન્સીઓએ ભાગ લીધો હતો. જેમાંથી એક એજન્સી ટેક્નિકલ ગ્રાઉન્ડ પર ગેરલાયક ઠરતાં વહીવટી તંત્ર દ્વારા રી-ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું. બીજી વખતના રી-ટેન્ડરમાં ત્રણ એજન્સીઓએ ભાગ લીધો હતો. જેમાં ચિત્રા કન્સ્ટ્રક્શન કંપની દ્વારા અંદાજિત કિંમત કરતાં 0.88 ટકા ઓછા ભાવ રજૂ કરવામાં આવ્યા હતા. સૌથી નીચા ભાવ હોવાના કારણે આ એજન્સીનું ટેન્ડર મંજૂર રાખીને રૂ. 3,10,70,509ના ખર્ચે સોરઠીયાવાડી બગીચાના નવીનીકરણનું કામ સોંપવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. પારડી રોડ પર રૂ. 20.53 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ
વોર્ડ નં. 14ના નાગરિકોને સામાજિક અને સાંસ્કૃતિક પ્રસંગો ઉજવવા માટે સ્થાનિક સ્તરે જ ઉત્તમ સુવિધા મળી રહે તે માટે પારડી રોડ પર શેઠ હાઈસ્કૂલની બિલકુલ સામે આવેલી ટી.પી. સ્કીમ નં. 5, એફ.પી. નં. 230 વાળી જમીન પર એક નવો ભવ્ય કોમ્યુનિટી હોલ બનાવવાનું નક્કી કરાયું છે. આ પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકા દ્વારા રૂ. 20,53,60,000નું ટેન્ડર એસ્ટીમેટ મંજૂર કરીને વહીવટી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ પ્રસ્તાવિત કોમ્યુનિટી હોલની વિશેષતાઓ અને બાંધકામની વિગતોની વાત કરીએ તો હોલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વાહનોના પાર્કિંગ માટે વિશાળ જગ્યા રાખવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય. પ્રથમ માળે અંદાજીત 1900 ચોરસ મીટરના સ્લેબ એરિયામાં એક મોટો નોન-એસી હોલ બનાવવામાં આવશે. બીજા માળ પર તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ એવો મોટો સેન્ટ્રલી એર કન્ડીશન્ડ (એસી) હોલ તૈયાર કરાશે. તેમજ પાણીના નિકાલ અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને રાખીને 550 ચોરસ મીટર એરિયામાં બોક્સ કલવર્ટ બનાવવાનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ થાય છે. આ કામ માટે જાહેર કરાયેલા ટેન્ડરમાં બે એજન્સીઓએ પોતાની બીડ સબમિટ કરી હતી. જેમાં ચિત્રા કન્સ્ટ્રક્શન કંપની દ્વારા નિયત એસ્ટીમેટ પર 2.55 ટકા ઓન (વધુ) સાથેનું ટેન્ડર રજૂ કરવામાં આવ્યું હતું. પ્રવર્તમાન બજાર સ્થિતિ અને કામની જટિલતા જોતાં આ ભાવ યોગ્ય જણાતા કમિશનર દ્વારા આ એજન્સીને કામ સોંપવાની ભલામણ કરતી દરખાસ્ત કમિટી સમક્ષ રજૂ કરાઈ છે. ગ્રાઉન્ડ પ્લસ 7 માળનું નવું ફાયર સ્ટેશન અને 50 સ્ટાફ ક્વાર્ટર્સ
રાજકોટનાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ફાયર સેફ્ટીની કામગીરી વધુ સુદ્રઢ બનાવવા અને કટોકટીના સમયે ત્વરિત કામગીરી થઈ શકે તે હેતુથી પારડી રોડ પર જ શેઠ હાઈસ્કૂલની સામે, ટી.પી. સ્કીમ નં. 5, એફ.પી. નં. 231 વાળી જગ્યા પર એક નવું અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ માટેના રહેણાંક ક્વાર્ટર્સ બનાવવાની દરખાસ્ત લાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે રૂ. 23,30,00,000નું એસ્ટીમેટ તૈયાર કરીને ઓનલાઈન ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ હેઠળ અંદાજીત 7480 ચોરસ મીટર જેટલા વિશાળ એરિયામાં ગ્રાઉન્ડ પ્લસ 7 માળનું (G+7) ભવ્ય બિલ્ડિંગ બનાવવામાં આવશે. આ બિલ્ડિંગની મુખ્ય વિશેષતાઓમાં ભોંયતળિયે ફાયર ફાઈટર વાહનોની અવરજવર અને કંટ્રોલ રૂમ સહિત ફાયર સ્ટેશનને લગતી તમામ અદ્યતન સગવડતાઓ ઊભી કરાશે. તો કટોકટીના સમયે ફાયરનો સ્ટાફ 24 કલાક ઘટનાસ્થળે પહોંચવા માટે તત્પર રહી શકે તે માટે આ જ બિલ્ડિંગમાં ઉપરના માળે 2 બીએચકે (2 BHK) ના કુલ 50 સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવામાં આવશે. આ આકાશી પ્રોજેક્ટના બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવતા બે અગ્રણી એજન્સીઓએ ભાગ લીધો હતો. જેમાં આશિષ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા નિયત એસ્ટીમેટ કરતા 8 ટકા ઓછા ભાવ રજૂ કરવામાં આવ્યા હતા. આ ભાવથી મહાનગરપાલિકાને મોટી બચત થતી હોવાથી કમિશનર દ્વારા આશિષ કન્સ્ટ્રક્શનનું ટેન્ડર મંજૂર કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આખરી મહોર માટે મૂકવામાં આવી છે. પર્યાવરણની જાળવણી માટે મનપા તૈયાર કરશે ‘અર્બન ગ્રીનીંગ પોલિસી’
રાજકોટ સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે શહેરમાં ગ્રીન કવર વધારવા અને પર્યાવરણની સમતુલા જાળવવા માટે મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ 'અર્બન ગ્રીનીંગ પોલિસી' તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પોલીસી અંતર્ગત શહેરમાં કયા વિસ્તારોમાં વૃક્ષારોપણ વધારવું, ગ્રીન ઝોન કેવી રીતે વિકસાવવા અને ભવિષ્યના આયોજનમાં પર્યાવરણને કેવી રીતે વણી લેવું તેની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. આ અર્બન ગ્રીનીંગ પોલિસી તૈયાર કરવા માટે મનપા દ્વારા ઇ-ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં બે એજન્સીઓએ પોતાની બીડ રજૂ કરી હતી. ટેક્નિકલ મૂલ્યાંકન દરમિયાન એક એજન્સી ગેરલાયક ઠરી હતી, જ્યારે લાયક ઠરેલી એકમાત્ર એજન્સીના ઓનલાઈન પ્રાઈસબીડ ખોલવામાં આવ્યા હતા. આ એજન્સી દ્વારા રૂ. 16 લાખનો ભાવ રજૂ કરવામાં આવ્યો હતો. ભાવો ટેન્ડર મૂલ્યાંકન કમિટી સમક્ષ તા. 13-02-2026 ના રોજ રજૂ કરવામાં આવ્યા હતા, જેને કમિટીએ મંજૂરી આપી દીધી છે. હવે આ પોલીસી તૈયાર કરવા માટે પ્રવર્તમાન 18 ટકા જી.એસ.ટી. ની રકમ ઉમેરીને કુલ રૂ. 18,88,000 નો કુલ ખર્ચ મંજૂર કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સત્તાવાર દરખાસ્ત મોકલી આપી છે. આ ઉપરાંત પણ જુદા-જુદા સ્થળે બોક્સ કલવર્ટ બનાવવા, જિમ માટેના સાધનો ખરીદવા સહિતની 20 દરખાસ્તોની આવતીકાલની બેઠકમાં ચેરમેન પરેશ પીપળીયા અને કમિટીના સભ્યો ચર્ચા કરીને તેને વહીવટી મંજૂરી આપશે, જેનાથી રાજકોટના વિકાસને એક નવી દિશા મળશે.
Read Original Article →