મેયરના વોર્ડમાં દૂષિત પાણીનું વિતરણ !:રાજકોટ મહાપાલિકાએ લીધેલા 8214 માંથી 6 સેમ્પલ ફેલ થતા તંત્ર એક્શનમાં, મેયરે કહ્યું- લોકોની ફરિયાદોનો ઝડપથી નિકાલ કરવા અધિકારીઓને સૂચના અપાઈ

Gujarat6/9/2026, 3:06:27 PM
મેયરના વોર્ડમાં દૂષિત પાણીનું વિતરણ !:રાજકોટ મહાપાલિકાએ લીધેલા 8214 માંથી 6 સેમ્પલ ફેલ થતા તંત્ર એક્શનમાં, મેયરે કહ્યું- લોકોની ફરિયાદોનો ઝડપથી નિકાલ કરવા અધિકારીઓને સૂચના અપાઈ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અને વોટર વર્ક્સ વિભાગ દ્વારા લેવાયેલા પાણીના નમૂનાના રિપોર્ટમાં મોટો ભાંડો ફૂટ્યો છે. મનપાએ શહેરના તમામ 18 વોર્ડમાંથી 8214 પાણીના સેમ્પલ લીધા હતા, જેમાંથી લેબોરેટરી તપાસ દરમિયાન 6 પાણીના નમૂનાઓમાં બેક્ટેરિયાની હાજરી મળી આવી હતી. સરકારી લેબના રિપોર્ટ મુજબ મેયરના વોર્ડ નંબર 7,4,8 અને 6માં વિતરણ કરવામાં આવતા પાણીમાં જોખમી બેક્ટેરિયાની હાજરી જોવા મળી છે. જેના કારણે હજારો પરિવારો પર રોગચાળાનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. મનપાની ડ્રેનેજ સિસ્ટમની નાકામીના કારણે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી લીકેજ થઈને પીવાના પાણીની સપ્લાય લાઈનમાં ભળી ગયું હોવાનું બહાર આવ્યું હતું. આ અતિ ગંભીર પરિસ્થિતિને પગલે મનપાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી બચાવ કામગીરી કરવામાં આવી હતી. રાજકોટમાં દૂષિત પાણીના વિતરણ અંગે મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, જે સ્થળોએથી બેક્ટેરિયા મળી આવ્યા છે ત્યાં તાત્કાલિક જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અને અધિકારીઓને કારણ જાણવા આદેશ અપાયો છે. જોકે હાલ જૂની સિસ્ટમમાંથી નવી સિસ્ટમમાં ટ્રાન્સફર થવામાં થોડો સમય લાગી રહ્યો છે. છતાં લોકોની પાણીની ફરિયાદોનો ઝડપી નિકાલ કરવા અધિકારીઓને સૂચના અપાઈ છે. અને પાણી વિતરણ તેમજ દૂષિત પાણીની સમસ્યા ઉકેલવા ત્રણેય ઝોનની બેઠક યોજી, ચોમાસા દરમિયાન આવી મુશ્કેલી સર્જાય નહીં તે માટે મ્યુનિસિપલ કમિશનર સાથે એક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રાજકોટનો નવનિર્મિત સાંઢિયા પુલ 14 જૂન પહેલા જ જનતા માટે ખુલ્લો મુકાશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર હાઇવેને જોડતાં સાંઢિયાપુલનું રૂ. 74 કરોડથી વધુના ખર્ચે નવનિર્માણ કરીને તેને ફોરલેન બનાવવામાં આવ્યો છે. રાજકોટની પ્રજાની લાંબા સમયની ઈંતઝારીનો અંત લાવતા આ પુલ આગામી તા. 14 જૂન પહેલા ખુલ્લો મુકવામાં આવશે. વડાપ્રધાન મોદીના કાર્યકાળને 12 વર્ષ પુરા થવાના પ્રસંગે યોજાનારા વિવિધ કાર્યક્રમોની સાથે જ આ પુલના લોકાર્પણને પણ આવરી લેવામાં આવે તેવી પૂરી સંભાવના છે. મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુકલ સહિતના પદાધિકારીઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લોકાર્પણ માટે આમંત્રણ આપ્યું છે, જેમાં નાયબ મુખ્યમંત્રીએ પ્રાથમિક રીતે તા. 12 કે 13 જૂનની તારીખ આપી છે. અગાઉ પુલની મુલાકાત દરમિયાન વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જેવી કેટલીક ક્ષતિઓ સામે આવી હતી, જેને મેયરના આદેશ બાદ હવે દુર કરીને ફિનીશીંગ કામગીરી પુર્ણ કરી દેવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઇ પીપળીયાના જણાવ્યા મુજબ લોકાર્પણની ફાઇનલ તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. રાજકોટ–દ્વારકા વચ્ચે 10 જૂનથી સ્પેશિયલ ટ્રેન દોડશે, વધારાની રેલ સુવિધા મળતા મુસાફરોને મોટી રાહત પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ અને દ્વારકા વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેન 10 જૂન, 2026થી 10 જુલાઈ, 2026 સુધી એક મહિના માટે સપ્તાહમાં 5 દિવસ ચાલશે, જેના બંને દિશામાં 22-22 ફેરા થશે. ટ્રેન નં 09533 રાજકોટ–દ્વારકા સ્પેશિયલ દર મંગળવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે રાજકોટથી રાત્રે 20.00 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 01.20 કલાકે દ્વારકા પહોંચશે. બીજીતરફ ટ્રેન નંબર 09534 દ્વારકા–રાજકોટ સ્પેશિયલ દર સોમવાર, બુધવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે દ્વારકાથી વહેલી સવારે 01.50 કલાકે ઉપડી સવારે 06.25 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં હાપા, જામનગર, કાનાલુસ, ખંભાળિયા અને ભાટિયા સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં કુલ 11 કોચ રહેશે, જેમાં 9 જનરલ અને 2 લગેજ વાન સામેલ છે.
Read Original Article →