નામો જાહેર કરવામાં ઐતિહાસિક વિલંબ:રાજકોટ મહાપાલિકાની ચૂંટણી પૂર્ણ થયાને મહિનો થવા આવ્યો છતાં પદાધિકારીઓનાં નામની જાહેરાત બાકી ! આગામી સપ્તાહે જાહેરાતની શક્યતા

Gujarat5/19/2026, 5:39:18 AM
નામો જાહેર કરવામાં ઐતિહાસિક વિલંબ:રાજકોટ મહાપાલિકાની ચૂંટણી પૂર્ણ થયાને મહિનો થવા આવ્યો છતાં પદાધિકારીઓનાં નામની જાહેરાત બાકી ! આગામી સપ્તાહે જાહેરાતની શક્યતા
રાજકોટ મહાપાલિકાની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, મનપાના ઈતિહાસમાં ક્યારેય ન જોવા મળ્યો હોય તેવો લાંબો સમય પદાધિકારીઓના નામ જાહેર કરવામાં લાગી રહ્યો છે. ચૂંટણી પૂર્ણ થયાને આજે અંદાજે 1 મહિના જેટલો સમય પસાર થવા આવ્યો છે, છતાં હજી સુધી પ્રદેશ કક્ષાએથી મેયર અને સ્ટે. કમિટીના ચેરમેન સહિતના મુખ્ય 5 પદાધિકારીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ વહીવટી અને રાજકીય વિલંબને કારણે મહાપાલિકાનું સ્થાનિક શાસન સંપૂર્ણપણે અટકી પડ્યું છે. જો ચાલુ સપ્તાહના બુધવાર કે ગુરૂવાર સુધીમાં પ્રદેશ કક્ષાએથી લીલી ઝંડી નહીં મળે, તો હવે પદાધિકારીઓની નિમણુંક અને જનરલ બોર્ડની કામગીરી આગામી સપ્તાહ એટલે કે મે મહિનાના અંતિમ દિવસો સુધી લંબાય તેવી સ્પષ્ટ સંભાવનાઓ દેખાઈ રહી છે. પ્રદેશ કક્ષાએથી નામો જાહેર કરવામાં વિલંબનાં કારણો રાજકોટ મહાપાલિકાની ચૂંટણી ગત તા.26 એપ્રિલના રોજ યોજાઈ હતી. સામાન્ય રીતે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તુરંત જ શાસક પક્ષ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવીને પદાધિકારીઓના નામ નક્કી કરી લેવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે સ્થિતિ અલગ જોવા મળી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તુરંત જ વડાપ્રધાનની ગુજરાત મુલાકાત ગોઠવાઈ હતી. આ હાઈપ્રોફાઈલ વિઝિટના કારણે રાજ્ય સરકાર, પ્રદેશ કક્ષાની નેતાગીરી અને સમગ્ર વહીવટી તંત્ર વડાપ્રધાનના કાર્યક્રમોના આયોજન અને વ્યવસ્થામાં વ્યસ્ત થઈ ગયું હતું. જેના કારણે પદાધિકારીઓના નામ આખરી કરવા માટે મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ઘણી મોડી યોજાઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે, વિલંબથી કેમ નહી પણ હવે જ્યારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી ગઈ છે અને તેમાં વિસ્તૃત ચર્ચા થઈ ચૂકી છે, તેમ છતાં પ્રદેશ કક્ષાએથી હજી સુધી કોઈ સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે નામો નક્કી કરવામાં પ્રદેશ નેતાગીરી દ્વારા અત્યંત સાવચેતી રાખવામાં આવી રહી છે, જેને કારણે આ ઐતિહાસિક વિલંબ સર્જાયો છે. પદાધિકારીઓની પસંદગીમાં વિધાનસભા બેઠકોનું સંતુલન જાળવવા પ્રયાસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, પ્રદેશ કક્ષાએથી પદાધિકારીઓના નામ જાહેર કરવામાં થઈ રહેલા વિલંબ પાછળનું એક મુખ્ય કારણ રાજકીય સમીકરણોની ગોઠવણ પણ હોઈ શકે છે. રાજકોટ શહેરની ચારેય વિધાનસભા બેઠકોના ભૌગોલિક અને જ્ઞાતિગત સમીકરણોને સાચવી લેવા માટે નેતાગીરી મથામણ કરી રહી છે. આ નવા શાસક પક્ષના માળખામાં જે મુખ્ય 5 પદાધિકારીઓની નિમણુંક કરવાની થાય છે, તેમાં રાજકોટની ચારેય વિધાનસભા બેઠકોના પ્રતિનિધિઓનો સમાવેશ કરી લેવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક જેવા મહત્વના હોદ્દાની વહેંચણી એવી રીતે કરવામાં આવશે જેથી કોઈ પણ વિધાનસભા વિસ્તાર અન્યાયની લાગણી ન અનુભવે અને આગામી સમયમાં સંગઠન તેમજ વહીવટ વચ્ચે યોગ્ય તાલમેલ જળવાઈ રહે. વહીવટી પ્રક્રિયાની ગૂંચ: કમિશનર મસુરી હોવાથી DDO પાસે ચાર્જ રાજકોટ મનપામાં પદાધિકારીઓની સત્તાવાર ઘોષણા કરવા માટેની કાનૂની અને વહીવટી પ્રક્રિયા પણ અત્યારે વિશેષ વળાંક પર છે. નવા નિયમો અને જોગવાઈઓ અનુસાર, પ્રદેશ કક્ષાએથી પદાધિકારીઓના નામોની જાહેરાત થઈ ગયા બાદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જનરલ બોર્ડનો એજન્ડા બહાર પાડવો પડે છે. આ એજન્ડા બહાર પાડીને મનપાના તમામ ચૂંટાયેલા સભ્યોને બોર્ડની બેઠક અંગે સત્તાવાર જાણ કરવાની રહે છે. પરંતુ, વર્તમાન સમયમાં રાજકોટ મનપાના કમિશનર મસુરી ખાતે હોવાથી તેઓ સ્થાનિક સ્તરે હાજર નથી. આ વહીવટી શૂન્યાવકાશને પૂરવા માટે બે દિવસ અગાઉ કમિશનરનો વધારાનો ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને સુપરત કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં, હવે જ્યારે પણ નામો જાહેર થશે ત્યારે ઇન્ચાર્જ કમિશનર (DDO) દ્વારા જ જનરલ બોર્ડ બોલાવવાની અને પદાધિકારીઓના નામોની સત્તાવાર ઘોષણા કરવાની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી પૂરતી શક્યતા છે. આ સપ્તાહે શાસકો પદ સંભાળશે કે આગામી સપ્તાહ સુધી જોવી પડશે રાહ? નિયમ મુજબ પ્રદેશ તરફથી નામો જાહેર થયા બાદ પણ જનરલ બોર્ડ બોલાવવા ઓછામાં ઓછો 3 દિવસનો સમયગાળો રાખવો જરૂરી બને છે. વહીવટી તંત્ર જ્યાં સુધી સત્તાવાર એજન્ડા જાહેર ન કરે ત્યાં સુધી જનરલ બોર્ડ મળી શકે નહીં અને પ્રદેશના આદેશ વિના એજન્ડા બહાર પાડી શકાય તેમ નથી. જો ચાલુ સપ્તાહના મધ્ય સુધીમાં એટલે કે બુધવાર કે ગુરૂવાર સુધીમાં નામો આવી જાય, તો ઇન્ચાર્જ કમિશનર તુરંત એજન્ડા બહાર પાડી શકે છે. આ સ્થિતિમાં 3 દિવસની સમયમર્યાદા સચવાઈ જતાં ચાલુ સપ્તાહના અંત સુધીમાં જનરલ બોર્ડ મળી શકે છે અને પદાધિકારીઓ પોતાનો કાર્યભાર સંભાળી શકે છે. જો કે, બીજી બાજુ ચાલુ સપ્તાહના અંતમાં શનિવાર અને રવિવારની જાહેર રજાઓ આવી રહી છે. આથી જો બુધવાર બાદ પણ નામો જાહેર ન થાય અને પ્રક્રિયા અટકેલી રહે, તો વહીવટી રીતે આ સપ્તાહે બોર્ડ મળવું બિલકુલ અશક્ય બની જશે. આવી સ્થિતિમાં આગામી સપ્તાહમાં એટલે કે ચાલુ મે મહિનાના અંતિમ દિવસોમાં જનરલ બોર્ડ બોલાવવામાં આવશે. આનો અર્થ એ થાય કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયાના 1 મહિના કરતાં પણ વધુ સમય બાદ રાજકોટ મહાનગરપાલિકાને તેના નવા લોકપ્રતિનિધિઓ અને શાસકો મળશે. હાલ તો શહેરના વિકાસ કાર્યો અને મનપાના નીતિવિષયક નિર્ણયો વહીવટદારો ભરોસે ચાલી રહ્યા છે, અને સૌ કોઈ પ્રદેશ કક્ષાના આખરી આદેશની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
Read Original Article →