જન્મ-મરણનાં દાખલાની કામગીરી ખોરવાઈ:મનપામાં CRS પોર્ટલમાં ખામીને લઈ લોકોને પારાવાર હાલાકી, અધિકારીએ કહ્યું- રાજ્ય સરકારમાં રજૂઆત કરી
રાજકોટ મનપાનાં સિવિક સેન્ટરોમાં જન્મ અને મરણનાં દાખલાની કામગીરી ખોરવાઈ જતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એટલે કે CRS પોર્ટલમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે સર્વર ડાઉન થઈ ગયું છે. જેના લીધે સિવિક સેન્ટરોમાં જન્મ અને મરણના દાખલા મેળવવાની તેમજ નવી નોંધણી કરાવવાની કામગીરી અતિશય ધીમી થઈ છે. થોડા સમય પહેલા આ તમામ પ્રક્રિયાને કેન્દ્ર સરકારના સિંગલ પોર્ટલ સીઆરએસ સાથે સાંકળી લેવામાં આવી છે. આથી આ સર્વર ડાઉન થવાની સીધી અસર માત્ર રાજકોટ નહીં પરંતુ, સમગ્ર ગુજરાતના તમામ મહાનગરોમાં થઈ હોવાની શક્યતા છે. જોકે જન્મ-મરણ વિભાગના અધિકારીએ આ મામલે રાજ્ય સરકાર સુધી રજૂઆત કર્યાનો બચાવ કર્યો હતો. કોમ્પ્યુટરની સ્ક્રીન પર માત્ર એરરના મેસેજ જ ફ્લેશ થતા હતા
પ્રાપ્ત વિગત મુજબ આજરોજ મનપાનાં સિવિક સેન્ટર બહાર જરૂરી સરકારી કામો માટે દાખલા કઢાવા આવેલા અરજદારોની ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ લોકોને ખબર પડી કે સર્વર ઉપરથી જ ડાઉન છે. સિવિક સેન્ટરની અંદર પણ ઓપરેટરો વારંવાર સિસ્ટમ રીસ્ટાર્ટ કરીને પ્રયાસો કરતા હતા પરંતુ, કોમ્પ્યુટરની સ્ક્રીન પર માત્ર એરરના મેસેજ જ ફ્લેશ થતા હતા. કલાકોના લાંબા સમયગાળા બાદ માંડ એકાદ-બે એન્ટ્રી પોર્ટલ પર સ્વીકારાતી હતી. તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષની લાગણી જોવા મળી
આ અસહ્ય ધીમી ગતિ અને ટેકનિકલ ખામીના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને શાળા-કોલેજોમાં એડમિશનની સીઝન નજીક આવી રહી હોય, વાલીઓ પોતાના બાળકોના જન્મના દાખલાઓ અને તેમાં નામ સુધારાની કામગીરી માટે ભારે ચિંતાતુર બન્યા છે. જેને લઈને છેક બપોર સુધી લોકો કામ થઈ જવાની રાહમાં કાળઝાળ ગરમીમાં શેકાતા જોવા મળ્યા હતા. ફક્ત એટલું જ નહીં આ સમસ્યા બાબતે તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષની લાગણી જોવા મળી હતી. ઓફિસમાં સોફ્ટવેરની ખામીના કારણે કામગીરી અટકી પડી
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામના વતની નાથાભાઈ રણમલભાઈ નંદાણીયાએ બાળકના જન્મ મરણના દાખલામાં નામ સુધારવા માટેની કામગીરી અંગે પોતાની વ્યથા ઠાલવી હતી. અને જણાવ્યું હતું કે, તે લોએજ ગામથી આશરે 300 કિલોમીટર દૂરથી ધક્કા ખાઈ રહ્યા છે. અહીંની ઓફિસમાં સોફ્ટવેરની ખામીના કારણે કામગીરી અટકી પડી હોવાથી, આ કાળઝાળ ગરમી અને તડકામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આટલા લાંબા અંતરેથી આવવા-જવાને કારણે તેમનો મોટો આર્થિક ખર્ચ પણ થઈ રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ સોફ્ટવેરની સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવામાં આવે અને ઓફિસ તરફથી યોગ્ય માર્ગદર્શન કે વૈકલ્પિક સુવિધા પૂરી પાડવામાં આવે, જેથી ધક્કા બંધ થાય. અરજદારોનાં કામ ઝડપથી થાય તે માટે વ્યવસ્થા ગોઠવવાની માંગ પણ તેમણે કરી છે. વહેલામાં વહેલી તકે સિસ્ટમ ફરી શરૂ કરવા માટેની રજૂઆત કરી
પ્રેરિત જોષીએ આ ગંભીર સમસ્યા અંગેની વિગતો આપતા જણાવ્યું કે, આ આખી ઓનલાઈન સિસ્ટમ કેન્દ્ર સરકાર હસ્તક છે અને તેનું મુખ્ય સંચાલન દિલ્હીથી ડાયરેક્ટ થાય છે. આથી, સર્વરમાં ખામી સર્જાતા જ સ્થાનિક કક્ષાએથી ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય આરોગ્ય વિભાગને તાત્કાલિક અસરથી લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી છે. ગાંધીનગરથી પણ દિલ્હી ખાતે આ ટેક્નિકલ ગ્લીચ અંગે રિપોર્ટ સબમિટ કરીને વહેલામાં વહેલી તકે સિસ્ટમ પુનઃ શરૂ કરવા માટેની રજૂઆત કરી દેવામાં આવી છે. ગઈકાલથી કેન્દ્ર સરકારના CSR પોર્ટલમાં એક અણધારી એરર શરૂ થઈ
પરંતુ, આ કામગીરી કેન્દ્ર સરકારના હસ્તક હોવાથી જ્યાં સુધી ત્યાંથી ટેકનિકલ ટીમ સર્વર રીપેર ન કરે ત્યાં સુધી સ્થાનિક સ્તરે રાજકોટ મહાનગરપાલિકા કે રાજ્યનો આરોગ્ય વિભાગ પણ ઈચ્છવા છતાં કોઈ ત્વરિત ઉકેલ લાવી શકે તેમ નથી. જેથી સિસ્ટમ કયા ચોક્કસ સમય સુધીમાં રેગ્યુલર કાર્યરત થઈ જશે તે અંગે સત્તાવાર રીતે કોઈ સમયમર્યાદા કહી શકાતી નથી. ગઈકાલથી કેન્દ્ર સરકારના CSR પોર્ટલમાં એક અણધારી એરર શરૂ થઈ છે, જેના કારણે કર્મચારીઓ લાંબો સમય સુધી લોગ-ઇન રહી શકતા નથી અને થોડી જ વારમાં સિસ્ટમ ઓટોમેટિક લોગ-આઉટ થઈ જાય છે. એક જ સમયે માત્ર એક જ કાઉન્ટર પર એક જ ઓપરેટર કામ કરી શકે
આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા પોર્ટલની સિક્યોરિટી અને રાઈટ્સમાં પણ કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે, જેના કારણે મલ્ટીપલ લોગ-ઇન સિસ્ટમ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. અગાઉ એક સાથે અનેક કોમ્પ્યુટરો ઉપર અલગ-અલગ કર્મચારીઓ લોગ-ઇન થઈને અરજદારોનું કામ ઝડપથી કરી શકતા હતા, પરંતુ નવી સિસ્ટમ મુજબ હવે એક જ સમયે માત્ર એક જ કાઉન્ટર પર એક જ ઓપરેટર કામ કરી શકે છે અને અન્ય તમામ કાઉન્ટરના કર્મચારીઓએ કામ વગર ફ્રી બેસી રહેવું પડે છે. અચાનક આ પોર્ટલનું સર્વર ખોરવાઈ જતાં આખી વ્યવસ્થા વેરવિખેર થઈ ગઈ
આ નવી મર્યાદાના કારણે હવે એક જ અરજદારના દાખલાની એન્ટ્રી કરવામાં અંદાજિત 10થી 12 મિનિટ જેટલો લાંબો સમય લાગી રહ્યો છે. આ જ મુખ્ય કારણ છે કે, સિવિક સેન્ટરોમાં અરજદારોની લાઈનો લાગી રહી છે. જોકે, અમે આ અંગે ગાંધીનગર સ્થિત જન્મ-મરણ શાખાનો વોટ્સએપ ગ્રૂપ તેમજ ફોન દ્વારા સંપર્ક કરીને વિગતવાર રજૂઆત કરી છે. ત્યાંથી પણ અમને આ ટેક્નિકલ પ્રશ્નની તપાસ કરીને વહેલામાં વહેલી તકે નિવારણ લાવવાની ખાતરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સ્થાનિક કક્ષાએ કોર્પોરેશન દ્વારા અલગ સોફ્ટવેરથી નોંધણી થતી હતી, ત્યારબાદ રાજ્ય સરકાર અને હવે કેન્દ્ર સરકારના CSR પોર્ટલ પર જન્મ-મરણના દાખલાની ઓનલાઈન નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. અત્યાર સુધીની તમામ જૂની એન્ટ્રીઓ નવા પોર્ટલ પર સક્સેસફુલી અપલોડ થઈ જતાં છેલ્લા થોડા દિવસોથી અરજદારોને ખૂબ જ મોટી રાહત થઈ ગઈ હતી અને સિંગલ પોર્ટલ હોવાના કારણે મનપાના વિભાગીય કર્મચારીઓની કામગીરી પણ ખૂબ જ ઝડપી બની હતી. જોકે અચાનક આ પોર્ટલનું સર્વર ખોરવાઈ જતાં આખી વ્યવસ્થા વેરવિખેર થઈ ગઈ છે અને નવી એન્ટ્રીઓ પડવાની પ્રક્રિયા સાવ ધીમી થઈ ગઈ છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, દિલ્હી ખાતેથી આ રાષ્ટ્રીય સ્તરના પોર્ટલની ખામી ક્યારે સુધારવામાં આવે છે અને લોકોને આ અગવડતામાંથી ક્યારે મુક્તિ મળે છે.
Read Original Article →