રાજકોટમાં 17 કરોડથી વધુના ખર્ચે 3 MRF સેન્ટર શરૂ થશે:કચરામાંથી ખાતર સહિતની વસ્તુઓ બનશે, નાકરાવાડીમાં કચરાનાં ઢગલા ઓછા કર્યાનો મનપાનો દાવો
કેન્દ્ર સરકાર દ્વારા દરવર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવે છે. જેમાં જુદા-જુદા શહેરોને નંબર આપવામાં આવે છે. ગત વર્ષે યોજાયેલી સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધામાં રાજકોટે જોરદાર હનુમાન કુદકો લગાવીને 39માં નંબરમાંથી સીધો 19મો નંબર મેળવ્યો હતો. હવે આગામી મહિનાઓમાં આ સર્વેક્ષણનું પરિણામ જાહેર થવાનું છે, ત્યારે રાજકોટને દેશના ટોપ-10 શહેરોમાં સ્થાન મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં 17 કરોડથી વધુના ખર્ચે 3 MRF(મટીરીયલ રિકવરી ફેસિલિટી) સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. આ પૈકી 2 સેન્ટરો તો કાર્યરત થઈ ચૂક્યા છે. અને ત્રીજા સેન્ટરની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેમાં કચરાનું વર્ગીકરણ કરી તેમાંથી ખાતર સહિતની ઉપયોગી વસ્તુઓ બનાવવામાં આવશે. કચરાનું યોગ્ય પ્રોસેસિંગ કરીને લેન્ડફિલ સાઇટ પર ઝીરો વેસ્ટ
રાજકોટ મનપાના પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016ના કડક અમલીકરણ માટે સતત મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે. ભારત અને ગુજરાત સરકારની માર્ગદર્શિકા હેઠળ કચરાનું સેગ્રીગેશન (અલગ) કરવું, BwG (બલ્ક વેસ્ટ જનરેટર)નું રજીસ્ટ્રેશન કરવું અને કચરાનું યોગ્ય પ્રોસેસિંગ કરીને લેન્ડફિલ સાઇટ પર ઝીરો વેસ્ટ જાય તે દિશામાં નક્કર કામગીરી હાથ ધરવામાં આવી છે. મટીરીયલ રિકવરી ફેસિલિટી સેન્ટરમાં 450 મેટ્રિક ટનની ક્ષમતા
આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેરમાં કુલ 450 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા 3 MRF (મટીરીયલ રિકવરી ફેસિલિટી) સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. આ ત્રણેય સેન્ટરોના કન્સ્ટ્રક્શન અને મશીનરી સહિતનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 17 કરોડ 70 લાખ (એક સેન્ટરનો આશરે ખર્ચ રૂ. 5 કરોડ 90 લાખ) થશે. આ સેન્ટરોમાં કન્સ્ટ્રક્શન અને મશીનરીની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે અને આગામી ટૂંક સમયમાં જ તેને સત્તાવાર રીતે કાર્યરત કરવામાં આવશે. બે સેન્ટરો તૈયાર, એકની કામગીરી ચાલી રહી છે
રાજકોટમાં કચરાની સ્થિતિ અંગેની જાણકારી આપતા સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં દૈનિક આશરે 800 મેટ્રિક ટન જેટલો કચરો ઉત્પન્ન થાય છે. આ કચરાના વૈજ્ઞાનિક અને યોગ્ય નિકાલ માટે શહેરમાં 3 જુદા-જુદા સ્થળોએ MRF સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં કોઠારિયા રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન અને કેએસડી રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન ખાતે બે સેન્ટરો સંપૂર્ણ તૈયાર થઈ ગયા છે, જ્યારે રૈયાધાર રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન ખાતે હાલ જમીન લેવલિંગ સહિતની આનુષંગિક કામગીરી કરવામાં આવી રહી છે. આ ત્રણેય MRF સેન્ટરની વ્યક્તિગત ક્ષમતા 150-150 મેટ્રિક ટનની રહેશે, જેના કારણે દૈનિક 450 મેટ્રિક ટન ડ્રાય વેસ્ટ (સૂકો કચરો) પ્રોસેસ કરી શકાશે. પ્લાસ્ટિક, કાચ, પૂંઠાં વગેરે જેવી સામગ્રીને અલગ તારવાશે
MRF એટલે કે મટીરીયલ રિકવરી ફેસિલિટી સેન્ટરનો મુખ્ય ફાયદો એ થશે કે શહેરમાંથી એકઠા થતા કચરામાંથી વેચી શકાય તેવી તેમજ રિસાયકલ અને રીયુઝ થઈ શકે તેવી વસ્તુઓને અલગ કરીને રિકવર કરવામાં આવશે. આ સેન્ટરો પર પ્લાસ્ટિક, કાચ, પૂંઠાં વગેરે જેવી સામગ્રીને અલગ તારવવામાં આવશે, જેનો ઉપયોગ ફરીથી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં કરીને નવી ચીજવસ્તુઓ બનાવી શકાશે. ત્રણ પ્રકારના ટ્રોમેલ મશીનો ને ડ્રાય વેસ્ટનું પ્રોસેસિંગ
આ કામગીરી માટે સેન્ટરો પર અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા ત્રણ પ્રકારના ટ્રોમેલ મશીનો વસાવવામાં આવ્યા છે. આ મશીનો કચરામાં રહેલી અલગ-અલગ સાઇઝની વસ્તુઓને સેપરેટ કરશે. મશીનરીમાં 60 mm અને 100 mm જેવા જુદી-જુદી સાઈઝના ફિલ્ટર્સની વ્યવસ્થા હોવાથી તે કચરાનું ચોક્કસ વર્ગીકરણ કરશે. મશીનરી ફક્ત ડ્રાય વેસ્ટનું પ્રોસેસિંગ કરીને કિંમતી સ્ક્રેપ સામગ્રીને રિકવર કરશે, જેના કારણે નાકરાવાડી લેન્ડફિલ સાઇટ ખાતે કચરાનું ભારણ ખૂબ જ ઘટી જશે. નાકરાવાડીમાં 'વેસ્ટ ટુ કમ્પોસ્ટ' પ્લાન્ટ બની રહ્યો છે
આ એમઆરએફ સેન્ટરો ખાતેથી સૂકો કચરો અલગ થઈ ગયા બાદ જે વેટ વેસ્ટ (ભીનો કચરો) બચશે, તેનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરવામાં આવશે. ભીનો કચરો સરળતાથી કોહવાઈ શકે તેવો હોવાથી તેને સીધો જ નાકરાવાડી ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે. હાલમાં નાકરાવાડી ખાતે 250 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતો 'વેસ્ટ ટુ કમ્પોસ્ટ' પ્લાન્ટ બની રહ્યો છે, જેનું કન્સ્ટ્રક્શન કામ અત્યારે પૂરજોશમાં ચાલુ છે. શહેરમાં જનરેટ થતા 800 મેટ્રિક ટન કચરામાંથી 450 મેટ્રિક ટન ડ્રાય વેસ્ટ MRF સેન્ટર ખાતે જશે અને બાકી રહેતા 400 ટન કચરામાંથી 250 મેટ્રિક ટન કચરાનો ઉપયોગ આ વેસ્ટ ટુ કમ્પોસ્ટ પ્લાન્ટમાં ખાતર બનાવવા માટે કરવામાં આવશે. 250 મેટ્રિક ટન વેસ્ટ પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતો સીબીજી પ્લાન્ટ
આ ઉપરાંત, વેસ્ટ મેનેજમેન્ટની પ્રક્રિયાને વધુ સદ્રઢ બનાવવા માટે પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડેલના બેઝ ઉપર નાકરાવાડી ખાતે એક અદ્યતન સીબીજી (કમ્પ્રેસ્ડ બાયો ગેસ) પ્લાન્ટ સ્થાપવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ અદાણી ગ્રીન્સ કંપનીને સોંપવામાં આવ્યો છે. હાલમાં આ પ્રોજેક્ટ એગ્રીમેન્ટ સ્ટેજ પર છે અને કંપની સાથેના સત્તાવાર કરાર પૂર્ણ થયા બાદ ત્યાં અન્ય 250 મેટ્રિક ટન વેસ્ટ પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતો સીબીજી પ્લાન્ટ આકાર લેશે. એક વર્ષની અંદર રાજકોટને 100% 'ઝીરો લેન્ડફિલ' શહેર બનાવાનું લક્ષ્ય
પર્યાવરણ ઈજનેરે વધુમાં ઉમેર્યું હતું કે, નાકરાવાડી ખાતે લાંબા સમયથી જમા થયેલા લેગસી વેસ્ટ (જૂનો કચરો)ના નિકાલ માટે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આશરે 6 લાખ મેટ્રિક ટન જેટલા જૂના લેગસી વેસ્ટનું સફળતાપૂર્વક પ્રોસેસિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના કચરાના વ્યવસ્થાપન અને નિકાલ માટે વ્યાપક સ્તરે મલ્ટીપલ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. આ તમામ પ્રોજેક્ટ્સ આગામી સમયમાં પૂર્ણ થતાં જ સમગ્ર દેશમાં સ્વચ્છતા બાબતે રાજકોટ અગ્રેસર સ્થાન પ્રાપ્ત કરશે. પર્યાવરણ વિભાગનો મુખ્ય ટાર્ગેટ આગામી એકાદ વર્ષની અંદર જ રાજકોટને 100% 'ઝીરો લેન્ડફિલ' શહેર બનાવવાનો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. કેન્દ્રની સર્વેક્ષણ ટીમ ટૂંક સમયમાં ઓચિંતા રાજકોટ આવશે
કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે દેશભરમાં યોજાતી સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધા સંદર્ભે કેન્દ્રની સર્વેક્ષણ ટીમ ટૂંક સમયમાં રાજકોટ આવી રહી છે. સામાન્ય રીતે દર વર્ષે જૂન માસ દરમિયાન આ ટીમ રાજકોટ આવતી હોય છે. આ ટીમ દ્વારા મહાપાલિકાને કોઈ પણ જાતની જાણ ર્ક્યા વગર શહેરના અલગ અલગ વિસ્તારોની આકસ્મિક મુલાકાત લેવામાં આવશે, જેના કારણે ટીમનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. કેન્દ્રની આ ટીમ શહેરના છેવાડાના વિસ્તારો સહિત ખાસ કરીને જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન બાદ ખુલ્લામાં પડેલા બિલ્ડિંગ વેસ્ટ સંદર્ભે જંગલેશ્વર વિસ્તારની મુલાકાત લે તેવી પ્રબળ સંભાવના સેવાઈ રહી છે. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન, ડ્રાય અને વેસ્ટ સેગ્રીગેશન સહિતની ચકાસણી
આ સર્વેક્ષણ દરમિયાન ટીમ દ્વારા માત્ર સ્થળ મુલાકાત જ નહીં, પરંતુ શહેરીજનોને રૂબરૂ અથવા ફોન કરીને સ્વચ્છતા સંદર્ભે સીધું ફીડબેક પણ મેળવવામાં આવશે. શહેરમાં જન જાગૃતિથી જન આંદોલન સુધીનું એક ખાસ અને વ્યાપક અભિયાન યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. આ સર્વેક્ષણ ટીમ દ્વારા વૈજ્ઞાનિક પ્લાન્ટ્સની સાથે સાથે સામાન્ય નાગરિકોના રોજિંદા જીવન સાથે જોડાયેલી બાબતો જેવી કે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન, ડ્રાય અને વેસ્ટ સેગ્રીગેશન, શહેરના જાહેર સ્થળોની સ્વચ્છતા, પબ્લિક પ્લેસમાં પાનની પિચકારી, વરસાદી પાણીના કુદરતી વહેણ જેવા વોંકળાની સફાઈ, શહેરના મુખ્ય રાજમાર્ગોની હાલત અને જાહેર શૌચાલયની સ્વચ્છતા તેમજ સગવડતાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. જૂના કચરાનું પ્રોસેસિંગ, શહેરનું બ્યુટિફિકેશન તેમજ આકર્ષક ચિત્રો
આ ઉપરાંત પ્રોસેસિંગ પ્લાન્ટની સુવિધા, સેગ્રીગેશનની ટકાવારી, શાળાઓની વિવિધ મુદ્દાઓ પર ચકાસણી, આર.આરે પ્લાન્ટની સંખ્યા, પ્રત્યેક ઘર મુજબ એસટીપી લાઇન સાથે કનેક્શન છે કે નહીં તેની ખાતરી, જૂના કચરાનું પ્રોસેસિંગ, શહેરનું બ્યુટિફિકેશન તેમજ જાહેર માર્ગો અને બ્રીજ પર દોરવામાં આવેલા આકર્ષક ચિત્રો જેવા વિવિધ 30થી વધુ મુદ્દાઓની આકરી ચકાસણી કરવામાં આવશે. 580 ટીપરવાનને પાંચ અલગ પ્રકારના કચરાના સંગ્રહ માટે સજ્જ કરાયા
મનપા દ્વારા આખી વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે શહેરની 580 ટીપરવાનને હવે પાંચ અલગ પ્રકારના કચરાના સંગ્રહ માટે વિશેષ રૂપે સજ્જ કરવામાં આવી છે. આ લોક-આંદોલનમાં ભવિષ્યની પેઢીને જોડવા માટે શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોમાં સેગ્રીગેશન ગેમ્સ, ડ્રોઇંગ કોમ્પિટીશન અને સ્વચ્છતાના 18 મહત્ત્વના પગલાં શીખવાડીને 35,894થી વધુ વિદ્યાર્થીઓને સ્વચ્છતાના સાચા દૂત બનાવવામાં આવ્યા છે. આ સાથે જ શહેરના 13 મુખ્ય માર્કેટ અને હોકર્સ ઝોનમાં વેપારીઓને કચરો યોગ્ય જગ્યાએ નાખવા માટે સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. નાકરાવાડીમાં કચરાનાં ઢગલાઓ ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે યોજાયેલી સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધામાં રાજકોટે હનુમાન કુદકો લગાવી 39 નંબરમાંથી સીધો 19મો નંબર મેળવ્યો હતો. જેમાં નાકરાવાડી ખાતે રહેલા કચરાનાં ઢગલાને કારણે રાજકોટ પાછળ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને આ વર્ષે 1થી 10 નંબરમાં સ્થાન મળે તેના માટે તંત્ર નાકરાવાડીનાં કચરાનો નિકાલ અને નવા કચરાનો તાત્કાલિક નિકાલ કરવા ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. જોકે શહેરના જાહેર સ્થળો જેવાકે બગીચાઓ, જાહેર શૌચાલયો તેમજ ફરવાના અન્ય સ્થળોની સ્વચ્છતા માટે જોઈએ તેવું ધ્યાન હજુ આપવામાં આવતું નથી. ઘણા લોકો પણ સ્વચ્છતાની બાબતને ગંભીરતાથી લેતા નથી. જેના કારણે અનેક વિસ્તારોમાં હજુપણ ગંદકીનો માહોલ જોવા મળે છે. ત્યારે તંત્રના પ્રયાસો ઉપરાંત લોકોમાં જાગૃતિ આવે તો જ રાજકોટ સ્વચ્છતામાં આગળનું સ્થાન મેળવી શકશે.
Read Original Article →