ઉંદર પકડવાની જાળનો ઉપયોગ કરનારા ચેતી જજો:રાજકોટ મનપાની આંગણવાડીઓમાં 18,19 મે પ્રવેશોત્સવ: 16 થી 30 મે બાળકો માટે યોગ શિબિર
રાજકોટમાં હાલ ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જમીનમાં દરમાં રહેલા ઉંદરો બહાર નીકળી રહ્યા છે ત્યારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે જેમાં ઉંદર પકડવાની જાળ(ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા આદેશ થયો છે. આ બદલ પોલીસ ફરિયાદની પણ જોગવાઈનો ઉલ્લેખ કરાયો છે. દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની તમામ આંગણવાડીઓમાં 18 અને 19મી મેના રોજ પ્રવેશોત્સવ યોજવામાં આવશે આ ઉપરાંત 16 થી 30 મે બાળકો માટે નવ સ્થળોએ યોગ શિબિરનું આયોજન કરાયું છે. રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.મુછારે જાહેરનામા દ્વારા રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ઉંદર પકડવાની જાળ(ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા આદેશ કર્યો છે. ગ્લુટ્રેપ જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બિન-ઘાતક અથવા પ્રતિબંધિત પ્રકાર છે. જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર (ગ્લુટ્રેપ) વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે. તેઓ ગુંદરની જાળમાં પકડાયા પછી ઉંદર પોતાની રીતે મુક્ત થવામાં અસમર્થ હોય છે. જેના પરિણામે ડીહાઈડ્રેશન, ભૂખમરો ગૂંગળામણના કારણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે. ઉંદરોનું નિયંત્રણ ઈચ્છનીય છે પરંતુ તે માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓનો ભંગ કરતી ન હોવી જોઈએ જેથી ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે અત્યંત ક્રૂર પદ્ધતિ ના અપનાવવા તથા ઉંદર પકડવા માટે વિવિધ સાધન સામગ્રી વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુટ્રેપના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કાયદા મુજબ શિક્ષાને પાત્ર થશે તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા માટે ફરજ પરના પોલીસ હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તા.12 મે થી 60 દિવસ સુધી અમલમાં રહેશે. મનપાની આંગણવાડીઓમાં બાલક-પાલક સર્જન કાર્યક્રમ સાથે પ્રવેશોત્સવ ઉજવાશે મહાનગરપાલિકા દ્વારા બાળ વિકાસ અને પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે શહેરની તમામ આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી પ્રવેશોત્સવ - 2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. કોર્પોરેશનની તમામ આંગણવાડી ખાતે તા. 18 અને 19 મેના રોજ બાલક-પાલક સર્જન કાર્યક્રમ સાથે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવશે. જેમાં નવા પ્રવેશ મેળવનાર બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે તેમજ વાલીઓને આંગણવાડીમાં મળતી વિવિધ સેવાઓ, સુવિધાઓ અને સરકારની બાળકલ્યાણ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે.પ્રવેશોત્સવ દરમિયાન નાના બાળકો માટે શૈક્ષણિક, સર્જનાત્મક અને રમૂજી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. આ આંગણવાડીમાં પ્રાથમિક તબક્કે શિક્ષણ મેળવનાર બાળકોને ભવિષ્યમાં આરટીઇ અંતર્ગત શિક્ષણનો લાભ મેળવવામાં પણ સહાયરૂપતા પ્રાપ્ત થાય છે. બાળકના શૈક્ષણિક, બૌદ્ધિક, શારીરિક અને સામાજિક વિકાસ માટે આંગણવાડી પ્રથમ પાયાનું કેન્દ્ર છે. રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજકોટમાં 16મીથી બાળકો માટે 9 સ્થળોએ સમર કેમ્પ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે ઉનાળુ વેકેશનમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને તેઓ શારીરિક તથા માનસિક રીતે સુદ્રઢ બને, તેવા ઉમદા હેતુથી આગામી તા.16 મેથી 30 મે, 2026 દરમિયાન રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં આ યોગ શિબિર યોજાશે. આ કેમ્પમાં 7 થી 15 વર્ષની વયના બાળકો ભાગ લઈ શકશે. રાજકોટ શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને ઝોનમાં મળીને કુલ 9 જેટલા કેન્દ્રો પર આ તાલીમ વર્ગો યોજાશે. જેમાં રાજકોટ પૂર્વમાં રામ પાર્ક ગાર્ડન, રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ (આનંદનગર), તિરુપતિ બાલાજી (કોઠારીયા રીંગ રોડ), સંત પુનિત મહારાજ શાળા અને લક્ષ્મીનગર ખાતેના કેન્દ્રોનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ પશ્ચિમમાં લવકુશ વિદ્યાલય, ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (મવડી), વસંત વાટિકા ગાર્ડન અને રૈયા રોડ પર આવેલી નોવા સ્કૂલ ખાતે સવારે 7 કલાકથી સવારે 9 કલાક દરમિયાન નિષ્ણાત યોગ ટ્રેનર્સ દ્વારા બાળકોને યોગ-પ્રાણાયામની તાલીમ આપવામાં આવશે. આ સમર કેમ્પમાં જોડાવા ઈચ્છતા બાળકો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વાલીઓ પોતાના બાળકોનું રજીસ્ટ્રેશન લિંક https://forms.gle/vLQ8QFaszLhSA2rH6 પર જઈને કરાવી શકે છે. 'સરકાર-પેન્શનરને દ્વાર' - પેન્શનરોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની સુવિધા મળશે ગુજરાત સરકારના નાણા વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)ના સંયુક્ત ઉપક્રમે રાજ્ય સરકારના પેન્શનરોની સુખાકારી માટે એક સુવિધા શરુ કરવામાં આવી છે. ‘સરકાર - પેન્શનરને દ્વાર’ અભિગમ હેઠળ હવે પેન્શનરોએ પોતાનું જીવન પ્રમાણપત્ર (ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ) જમા કરાવવા માટે બેંકમાં જવાની જરૂર રહેશે નહીં. આ સુવિધા અંતર્ગત પેન્શનરોના ઘરે જઈને જ પ્રમાણપત્ર સ્વીકારવામાં આવશે.આ સુવિધાનો અમલ ગત તા.2 મેથી શરૂ થઈ ચૂક્યો છે અને તે આગામી તા.31 જુલાઈ સુધી કાર્યરત રહેશે. આ સમયગાળા દરમિયાન પોસ્ટ વિભાગના પોસ્ટમેન તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ફરજ બજાવતા ડાક સેવકો પેન્શનરોના નિવાસસ્થાને જઈને આ સેવા પૂરી પાડશે. આ સુવિધાનો લાભ લેવા ઇચ્છતા પેન્શનરોએ પોતાનું આધારકાર્ડ, આધાર સાથે લિંક કરેલો મોબાઈલ નંબર અને પી.પી.ઓ. નંબર તૈયાર રાખવાના રહેશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરો તેમનું પ્રમાણપત્ર ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકશે.રાજ્ય સરકારના આ નિર્ણયથી ખાસ કરીને વૃદ્ધો અને શારીરિક રીતે અશક્ત એવા પેન્શનરોને મોટી રાહત મળશે. પેન્શનરોને આ સેવાનો લાભ લેવા પોસ્ટ વિભાગની અપીલ છે. આ સુવિધા રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ ખાતે પણ ઉપલબ્ધ છે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે પેન્શનરોએ રાજકોટ હેડ પોસ્ટ ઓફીસનો સંપર્ક કરવા હેડ પોસ્ટ ઓફિસની યાદીમાં જણાવાયું છે.
Read Original Article →