રાજકોટ મનપાનો અંધેર વહીવટ! અરજદારો આવે તે શાખાઓ પંખાના સહારે:સાહેબો માટે ACની સુવિધા, કર્મચારીઓએ સ્વખર્ચે એરકુલર-સ્પ્રિંકલર મુક્યા

Gujarat5/17/2026, 5:27:02 AM
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! અરજદારો આવે તે શાખાઓ પંખાના સહારે:સાહેબો માટે ACની સુવિધા, કર્મચારીઓએ સ્વખર્ચે એરકુલર-સ્પ્રિંકલર મુક્યા
રાજકોટમાં હાલ અસહ્ય ગરમી અને અગનભઠ્ઠા જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે, જેમાં તાપમાનનો પારો આસમાને પહોંચતા સામાન્ય જનજીવન તોબા પોકારી ગયું છે. આવા આકરા ઉનાળામાં સામાન્ય નાગરિકોની સાથે રાજકોટ મહાનગરપાલિકાની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની હાલત પણ અત્યંત દયનીય બની ગઈ છે. મનપામાં અંધેર વહીવટ ચાલતો હોય તેમ જ્યાં અરજદારો આવે છે તે સિવિક સેન્ટર, વેરા વિભાગ અને એસ્ટેટ શાખા પંખાના સહારે છે. અને અમુક ચોક્કસ વિભાગ તેમજ સાહેબો માટે જ એસીની સુવિધા રાખવામાં આવી છે. જેને લઈ અમુક વિભાગમાં કર્મચારીઓએ સ્વખર્ચે એરકુલર-સ્પ્રિંકલર મુકવા માટે મજબૂર બન્યા છે. કર્મચારીઓએ એરકુલર-સ્પ્રિંકલર પોતાના જ ખર્ચે વસાવવા પડ્યા પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના 164 કિલોમીટરના વિસ્તારની 20 લાખની જનતાને ગરમીથી રાહત આપવા માટે ગણીગાંઠી જગ્યાઓ પર ગ્રીન નેટ અને સ્પ્રિંકલર ફૂવારા લગાવવામાં આવ્યા છે. અને શહેરીજનોને ગરમીમાં રાહત આપ્યાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે મહાપાલિકા પોતાના જ કર્મચારીઓને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. કચેરીઓમાં એરકન્ડિશનની સુવિધા ન મળતાં આખરે સ્પ્રિંકલર ફૂવારા અને એરકુલર કર્મચારીઓએ પોતાના જ ખર્ચે વસાવવા પડ્યા છે. મનપાની મુખ્ય કમાઉ શાખાઓ ભગવાન ભરોસે છોડી દેવાઈ! મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કચેરીની અંદર જ ભેદભાવભરી અને 'એકને ગોળ બીજાને ખોળ' જેવી નીતિ અપનાવવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વાર્ષિક 2 કરોડના ખર્ચવાળી ‘મહત્વાકાંક્ષી યોજના’ અંતર્ગત એક પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ બનાવ્યું છે. જે હજુ સંપૂર્ણપણે કાર્યરત નથી. અને મહાનગરપાલિકાની તિજોરીને કોઈ આવક ન આપનારી અને કરોડો રૂપિયાનો ધુમાડો કરનારી આ શાખાને વૈભવી અને સેન્ટ્રલી એર કન્ડિશનની સુવિધાથી સજ્જ કરવામાં આવી છે. અન્ય કેટલાક વિભાગમાં પણ સાહેબો માટે આવી લક્ઝુરિયસ ACની સુવિધાઓ રાતોરાત ઉભી કરી દેવામાં આવે છે, જ્યારે બીજી તરફ મનપાની મુખ્ય કમાઉ શાખાઓને ભગવાન ભરોસે છોડી દેવાયા છે. જ્યાં અરજદારો આવે તે શાખાઓ પંખાના સહારે આ VIP યુનિટની બિલકુલ બાજુમાં બેસતી અને મહાનગરપાલિકાનું આર્થિક ભરણપોષણ કરતી વેરા વસુલાત શાખાને ઇરાદાપૂર્વક માત્ર રિમોટ સંચાલિત પંખાઓના સહારે જ છોડી દેવામાં આવી છે. લાંબા સમય સુધી ગાંધી મ્યુઝિયમના પતરાના શેડવાળા અતિશય ગરમ રૂમમાં કામ કર્યા બાદ, આ શાખા ફરી સેન્ટ્રલ ઝોન કચેરીમાં મૂળ જગ્યાએ પરત ફરી છે, પરંતુ તેની બદતર હાલતમાં કોઈ જ સુધારો થયો નથી. મહાનગરપાલિકાની આર્થિક કરોડરજ્જુ સમાન આ કમાઉ દીકરા જેવી બ્રાંચને એસીની કોઈ સુવિધા ન મળતા, ગરમીથી બચવા માટે કર્મચારીઓએ પોતાના જ વ્યક્તિગત ખર્ચે એરકુલર ખરીદવા પડ્યા છે. આવી જ પાયાની સુવિધા વિનાની અને ઘોર પક્ષપાતી હાલત મહાનગરપાલિકાની અન્ય મહત્વની શાખાઓની પણ જોવા મળી રહી છે. મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં નવી બનેલી હિસાબી શાખા અને આઈટી વિભાગ જેવા અમુક ચોક્કસ વિભાગોને જ સેન્ટ્રલી એર કન્ડિશન બનાવવામાં આવ્યા છે. પરંતુ જ્યાં દરરોજ સૌથી વધુ સંખ્યામાં સામાન્ય અરજદારો અને નાગરિકો પોતાના વહીવટી કામકાજ માટે આવે છે તેવી આરોગ્ય શાખા, સેન્ટ્રલ ઝોન સિવિક સેન્ટર અને આધારકાર્ડ વિભાગ સહિતની મહત્તમ શાખાઓ આજે પણ માત્ર ગરમ લૂ ફેંકતા પંખાઓના સહારે જ ચાલી રહી છે. એસ્ટેટ બ્રાંચ ઉનાળામાં અગનભઠ્ઠાની જેમ તપે છે તંત્રના અંધેર વહીવટનો ભોગ કચેરીના ત્રીજા માળે બેસતી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બીજી કમાઉ દીકરા સમાન એસ્ટેટ બ્રાંચ પણ બની છે. બિલ્ડિંગની ઉપર સીધું ધાબું હોવાના કારણે આખી બ્રાંચ ઉનાળામાં અગનભઠ્ઠાની જેમ તપે છે. વહીવટી તંત્રના ભરોસે બેસી રહેવાને બદલે આખરે ગરમીના પ્રકોપથી બચવા માટે ત્યાંના કર્મચારીઓએ પોતાના ગાંઠના ખર્ચે સ્પ્રિંકલર ફૂવારાની આધુનિક સગવડ જાતે જ ઉભી કરવી પડી છે. અણઘડ આયોજનના કારણે અસંખ્ય નાના કર્મચારીઓ પરસેવે નીતરવા મજબૂર મહાનગરપાલિકાની સેન્ટ્રલ કચેરીમાં આવેલ જુદી-જુદી 40 જેટલી શાખાઓમાં એર સર્ક્યુલેશનની કોઈ યોગ્ય વ્યવસ્થા જ નથી. આ અણઘડ આયોજનના કારણે અસંખ્ય નાના કર્મચારીઓ પરસેવે નીતરીને પોતાની ફરજ બજાવી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ પોતાના માનીતા વિભાગોને તમામ આધુનિક સુવિધાઓ આપી રહ્યા છે, જ્યારે રાત-દિવસ મહેનત કરતી પાયાની શાખાઓ પ્રત્યે દયાનો છાંટો પણ દાખવતા નથી. જેને લઈને ગરમી સામે રક્ષણ મેળવવા સરકારી કર્મચારીઓ દ્વારા પોતાના પ્રાઈવેટ ખર્ચે સરકારી કચેરીમાં સગવડો ઉભી કરવી પડે છે.
Read Original Article →