રાજકોટ મનપા કચેરીમાં સ્ટાફની અછતથી લોકોમાં ભારે રોષ:સિંગલ ગર્લ ચાઇલ્ડ સર્ટિફિકેટ માટે વહેલી સવારથી અરજદારોની લાંબી કતારો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશમાં અગ્રતા મેળવવા માટે જરૂરી સિંગલ ગર્લ ચાઇલ્ડ પ્રમાણપત્ર આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ અને વેસ્ટ ઝોન કચેરી ખાતે આ વ્યવસ્થા ગોઠવવામાં આવતા વહેલી સવારે 6 વાગ્યાથી જ વાલીઓ કતારમાં ઉભા રહી ગયા હતા. બપોર સુધીમાં લાઇન મુખ્ય ગેટ સુધી પહોંચી ગઈ હતી, જેમાં નાની બાળકીઓ સાથે આવેલા માતા-પિતાને કલાકો સુધી હાલાકી ભોગવવી પડી હતી. જેને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. ખાસ કરીને ઈસ્ટ ઝોનમાં આ સુવિધા ન હોવાથી ત્યાંના અરજદારો પણ સેન્ટ્રલ ઝોન ઉમટી પડતા ભીડમાં વધારો થયો હતો. કચેરીમાં સ્ટાફની અછત વચ્ચે માત્ર 1 ઓપરેટર જ આ કામગીરી કરતો હોય વ્યવસ્થા ખોરવાઈ હતી. જેને લઈ પરિસ્થિતિને થાળે પાડવા રજીસ્ટ્રાર પ્રેરીત જોશી જાતે દાખલા ટાઈપ કરવાની કામગીરીમાં જોડાયા હતા. ગત જૂન-2026ના શૈક્ષણિક સત્રમાં જે બાળકીઓનો જન્મ 1 જૂન 2019 થી 30 મે 2020 દરમિયાન થયો હોય તેમને અગ્રતા મળે છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે રૂ. 50 ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું અને અન્ય પુરાવાઓ સાથે આગામી તા.17 એપ્રિલ સુધી સવારે 10.30 થી સાંજે 6 કલાક દરમિયાન અરજી કરી શકાશે. જોકે કામગીરી તમામ વોર્ડ ઓફિસ પર શરૂ કરવામાં આવે તો હાલાકી ઓછી થઈ શકશે તેવી લોકોની માંગ છે. એસ.ટી. ડેપોમાં આચારસંહિતાનો ભંગ, 16 બસોમાં સરકારી પોસ્ટરો મુદ્દે ફરિયાદ
રાજકોટ એસ.ટી. બસપોર્ટ પર ચૂંટણી આચારસંહિતાના અમલીકરણમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં સામાજિક અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા અને પ્રતાપભાઈ વાળાએ કરેલી તપાસમાં બહાર આવ્યું કે આચારસંહિતા જાહેર થયાના 48 કલાક બાદ પણ એસ.ટી. નિગમની 16થી વધુ બસોમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટાવાળા સરકારી યોજનાના પોસ્ટરો યથાવત જોવા મળ્યા છે. રાજકોટ ડેપોમાં દરરોજ 1200 થી વધુ બસોની અવરજવર રહેતી હોવા છતાં, તંત્ર દ્વારા આ પોસ્ટરો હટાવવાની દરકાર કરવામાં આવી નથી. અગાઉની ચૂંટણીઓમાં તંત્ર સજાગ રહેતું હતું, પરંતુ આ વખતે ડેપો મેનેજર અને સ્ટેન્ડ ઇન્ચાર્જની લાપરવાહીને કારણે આદર્શ આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે જિલ્લા ચૂંટણી અધિકારી, કલેકટર અને રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. અગ્રણીઓએ બસપોર્ટના CCTV ફૂટેજ તપાસી ત્વરિત કાર્યવાહી કરવાની અને ફરજમાં બેદરકારી દાખવનાર સિનિયર ડેપો મેનેજર તેમજ સ્ટેન્ડ ઇન્ચાર્જને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. ચૂંટણીને કારણે લગ્ન પ્રસંગો અટવાયા, 32 કોમ્યુનિટી હોલના બુકિંગ રદ
રાજકોટમાં આગામી 26 એપ્રિલના રોજ મહાપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે, જેના કારણે લગ્ન પ્રસંગો ધરાવતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ચૂંટણી તંત્ર દ્વારા સુરક્ષા સ્ટાફ અને અન્ય વ્યવસ્થાના ઉતારા માટે શહેરના તમામ 32 કોમ્યુનિટી હોલ ફાળવી દેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. આ નિર્ણયને પગલે 25 અને 26 એપ્રિલના જે પરિવારોએ લગ્ન માટે હોલ બુક કરાવ્યા હતા, તેમના બુકિંગ રદ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અગાઉથી હોલ બુક કરાવી ભાડું ભરી ચુકેલા પરિવારોમાં દોડધામ મચી ગઈ છે, કારણ કે ટૂંકા ગાળામાં અન્ય જગ્યાએ વાડી કે પ્લોટ મળવા મુશ્કેલ છે. મનપા તંત્ર દ્વારા ચૂંટણીની તારીખ જાહેર ન થઈ હોવાથી ઓનલાઇન બુકિંગ ચાલુ રખાયા હતા, જે હવે પરિવારો માટે ચિંતાનો વિષય બન્યા છે. જોકે, ગત ચૂંટણી વખતે પણ આવી સ્થિતિ સર્જાતા તંત્રએ વચગાળાનો રસ્તો કાઢ્યો હતો, તેથી આ વર્ષે પણ લોકો તંત્ર પાસે કોઈ યોગ્ય વ્યવસ્થાની આશા રાખી રહ્યા છે. સૌરાષ્ટ્રની ટ્રેનોને કાલુપુર સ્ટોપેજ આપવા અને ઉનાળુ વેકેશનમાં વધારાના કોચ જોડવા માંગ
સૌરાષ્ટ્રના રેલવે મુસાફરોની સુવિધા માટે નેશનલ યુથ પ્રોજેક્ટ રાજકોટ યુનિટના પ્રમુખ રાજેશ ભાતેલીયા દ્વારા રેલવે તંત્ર સમક્ષ મહત્વની માંગણીઓ રજૂ કરવામાં આવી છે. રજૂઆતમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રમાંથી ઉપડતી તમામ ટ્રેનોને અમદાવાદના કાલુપુર સ્ટેશન પર કાયમી સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવી છે, જેથી મુસાફરોને મુસાફરીમાં વધુ સરળતા રહે. ઉપરાંત, આગામી ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ઘસારો વધતો હોવાથી લાંબી મુસાફરીની ટ્રેનોમાં વધારાના કોચ જોડવા પણ રજૂઆત કરાઈ છે. આ સાથે રેલવેના વહીવટી માળખામાં સુધારા સૂચવતા તેમણે જણાવ્યું કે, રાજકોટ રિઝર્વેશન ઓફિસ ખાતે હાલ 4 થી 5 બારીઓ બંધ રહે છે, ત્યાં જ ઇન્કવાયરી અને કરન્ટ બુકિંગની સુવિધા શરૂ કરવી જોઈએ. આ વ્યવસ્થાથી જનતાને એક જ સ્થળે તમામ સુવિધાઓ મળી રહેશે. અમદાવાદ - વડોદરાની જેમ રાજકોટમાં પણ આ સુવિધા કાર્યરત કરવા અને મુસાફરોની સમસ્યાના નિવારણ માટે તાત્કાલિક ધોરણે ઓપન હાઉસ તથા રેલ અદાલત યોજવા માંગ કરવામાં આવી છે.
Read Original Article →