લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓની ખેર નથી !:રાજકોટ મનપા દ્વારા જાન્યુઆરીથી અત્યાર સુધી 143 નમુના લેવાયા, 30 વેપારીઓ પાસેથી રૂ. 11.70 લાખનો દંડ વસુલાયો

Gujarat5/20/2026, 9:45:30 AM
લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓની ખેર નથી !:રાજકોટ મનપા દ્વારા જાન્યુઆરીથી અત્યાર સુધી 143 નમુના લેવાયા, 30 વેપારીઓ પાસેથી રૂ. 11.70 લાખનો દંડ વસુલાયો
રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે છેલ્લા સાડા ચાર મહિનામાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવી છે. જેમાં ગત જાન્યુઆરીથી શરૂ કરીને અત્યાર સુધીમાં મનપાના ફૂડ સેફ્ટી વિભાગે સમગ્ર શહેરમાં જુદા જુદા ખાદ્ય પદાર્થોના વેચાણ કરતા એકમો ઉપર ત્રાટકીને વ્યાપક પ્રમાણમાં ચકાસણી હાથ ધરી છે. આ દરમિયાન મનપાની અલગ અલગ ટીમો દ્વારા 143 જેટલા શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને તેને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ પૈકી કુલ 30 વેપારીઓ પાસેથી રૂ. 11.70 લાખનો દંડ વસુલવામાં આવતા ભેળસેળ કરનારા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. મનપાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ ફૂડ વિભાગની કામગીરી અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે માટે તંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. મનપાના ફૂડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા લેવામાં આવેલા કુલ 143 નમૂનાઓનું વિગતવાર વર્ગીકરણ જોવામાં આવે તો તેમાં સૌથી વધુ દૂધ અને દૂધની બનાવટો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. શહેરમાં શુદ્ધ દૂધ, માવો અને ઘી મળી રહે તે માટે ફૂડ વિભાગે દૂધ તેમજ દૂધની અન્ય બનાવટો અને ઘીના મળીને કુલ 49 નમૂનાઓ લીધા છે. આ ઉપરાંત વિવિધ બ્રાન્ડ અને ખુલ્લામાં વેચાતા ખાધ્ય તેલ તેમજ ફેટની ગુણવત્તા ચકાસવા માટે ઓઈલ અને ફેટના કુલ 16 નમૂનાઓ લેવામાં આવ્યા છે. રસોઈમાં વપરાતા મરી-મસાલામાં થતી ભેળસેળ અટકાવવા માટે મરી, મસાલા અને અન્ય સંબંધિત ચીજવસ્તુઓના કુલ 38 નમૂનાઓ લેવાયા છે. જ્યારે હોટલો, રેસ્ટોરન્ટો અને ખાણીપીણીની લારીઓ પર તૈયાર થતા પ્રિપેર્ડ ફૂડ, લૂઝ ફૂડ અને અન્ય ખાદ્ય સામગ્રીના મળીને કુલ 40 નમૂનાઓ લેવામાં આવ્યા છે. આમ, ફૂડ વિભાગે તમામ પ્રકારના ખાદ્ય પદાર્થોને આવરી લઈ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ભેળસેળિયા તત્વો સામે માત્ર નમૂના લેવા પૂરતી જ કાર્યવાહી સીમિત રાખવામાં આવી નથી, પરંતુ તેમની સામે કાયદાકીય સકંજો પણ મજબૂત કરવામાં આવ્યો છે. છેલ્લા સાડા ચાર મહિનાના ગાળામાં ફૂડ વિભાગ દ્વારા વિવિધ કોર્ટ અને સક્ષમ સત્તાધિકારી સમક્ષ 30 જેટલા એજ્યુડિકેશન કેસ દાખલ કરવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ચાલતા આ કેસોમાં તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન અગાઉ દાખલ થયેલા અને ચાલુ કેસો મળીને કુલ 30 જેટલા કેસોમાં મહત્વના ચુકાદાઓ પણ આવ્યા છે. આ ચુકાદાઓ અંતર્ગત આરોગ્ય સાથે ચેડાં કરનારા આસામીઓને કુલ રૂ. 11,70,000 જેટલી માતબર રકમનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે. આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, શહેરમાં કાર્યરત બરફના તમામ કારખાનાઓમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પ્રોપર હાઈજીન મેઈન્ટેનન્સની તપાસ કરવામાં આવે છે. ઉપરાંત, ઉનાળાની સિઝનને ખાસ ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગ દ્વારા દર 15 દિવસે બરફના કારખાનાઓની ઓચિંતી તપાસણી (સરપ્રાઈઝ ચેકિંગ) હાથ ધરવામાં આવી રહી છે, જેથી લોકો માટે બિનઆરોગ્યપ્રદ બરફનું વેચાણ અટકાવી શકાય. આ સાથે પીવાના પાણીની ગુણવત્તા જાળવી રાખવા પણ મનપાનું તંત્ર એક્શન મોડમાં છે. મનપાના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ (MPHW) દ્વારા હાલ શહેરમાં ઠેર-ઠેર 20 લીટરના પાણીના જગનું વિતરણ કરતા વિતરકોને ત્યાં દર મહિને ઓછામાં ઓછી એક વખત રેન્ડમ તપાસ કરવામાં આવે છે. તપાસ દરમિયાન પાણીમાં ક્લોરીન ઇન્ફ્યુઝન પ્રોસેસ યોગ્ય રીતે થાય છે કે નહીં, પાણીમાં ક્લોરીનનું લેવલ કેટલું છે અને તે પાણી પીવાલાયક છે કે નહીં તેની ઝીણવટભરી ચકાસણી પણ કરવામાં આવે છે. હાલમાં કરવામાં આવેલી તપાસમાં તમામ પાણીના પ્લાન્ટ અને કારખાનામાં રો-મટીરિયલ તરીકે વપરાતું પાણી ક્લોરીનેટેડ હોવાનું માલૂમ પડ્યું છે, જે રાહતના સમાચાર છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પાણી અને બરફના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વેપારીઓ માટે ખાસ ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત બરફના તમામ કારખાનાના માલિકો અને પાણીના જગના કેરબા વિતરણ કરતા તમામ એજન્સી ધારકોએ 3 મહિને પોતાના પ્લાન્ટના પાણીનો બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ રિપોર્ટ કરાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. રિપોર્ટ સરકારી માન્ય લેબોરેટરીમાંથી કરાવીને મનપાના આરોગ્ય વિભાગમાં જમા કરાવવા માટે તમામ વેપારીને કડક સૂચનાઓ આપવામાં આવી છે અને વેપારીઓ તેનું પાલન પણ કરી રહ્યા છે. ત્યારે રાજકોટમાં ખાદ્ય પદાર્થો તેમજ પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.
Read Original Article →