વેરા વળતર યોજનાએ મનપાની તિજોરી છલકાવી:રાજકોટ મનપાને રૂ. 124.18 કરોડની આવક, એડવાન્સ વેરો ભરનારા પ્રમાણિક કરદાતાઓને રૂ. 14.87 કરોડનું વળતર અપાયું
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટે મિલકતવેરા અને પાણી વેરો ભરપાઇ કરવા માટે શરૂ કરવામાં આવેલી એડવાન્સ વેરા વળતર યોજનાને ભવ્ય પ્રતિસાદ મળ્યો છે. તા. 7-4 થી તા. 12-5 સુધીના ટૂંકા ગાળામાં જ કુલ 2,02,078 કરદાતાઓ પાસેથી મનપાની તિજોરીમાં રૂ. 124.18 કરોડની વસૂલાત જમા થઈ છે. વર્ષ 2025-26 દરમિયાન સમાન સમયગાળામાં રૂ. 111.34 કરોડની આવક થઈ હતી, જેની તુલનાએ આ વર્ષે રૂ. 12.84 કરોડનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જેમાં ડિજિટલ પેમેન્ટ તરફ લોકોનો ઝોક વધતા કુલ 1,52,285 કરદાતાઓએ રૂ. 89.98 કરોડનો વેરો ઓનલાઇન માધ્યમથી ચૂકવ્યો છે, જ્યારે 49,793 કરદાતાઓએ ચેક કે રોકડ દ્વારા રૂ. 33.18 કરોડ ભર્યા છે. વહેલો વેરો ભરનાર જાગૃત નાગરિકોને પ્રોત્સાહન આપવા માટે મનપા દ્વારા અત્યાર સુધીમાં રૂ. 14.87 કરોડનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આ વળતર યોજના મુજબ, 31-5 સુધી સામાન્ય કરદાતાઓને 10% અને મહિલાઓને 15% ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે. ત્યારબાદ 1 જૂનથી 30 જૂન સુધીના ગાળામાં મહિલાઓ માટે 10% અને સામાન્ય કરદાતાઓ માટે 5% વળતર નિર્ધારિત કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાએ તમામ મિલકતધારકોને આર્થિક ફાયદો મેળવવા માટે વહેલી તકે આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે. આજીડેમ ચોકડી પાસે કારખાનાના વેસ્ટ માલમાં આગ, 5 કલાકની જહેમત બાદ કાબૂ મેળવાયો રાજકોટના આજીડેમ ચોકડી નજીક આવેલ શિવશક્તિ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ગઈકાલે રાત્રે 12 વાગ્યા આસપાસ એક કારખાનાના ખુલ્લા વંડામાં પડેલા વેસ્ટ માલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા એટલી વધુ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળતા સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ બેડીપરા અને કોઠારીયા ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર ફાઇટર્સ દ્વારા સતત 5 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો. આ દુર્ઘટનામાં કારખાનામાં રાખેલું લાકડું, લાકડા કાપવાના 3 મશીનો અને ઉપરનો પતરાનો શેડ બળીને ખાખ થઈ ગયા છે, જોકે ફાયર વિભાગની સતર્કતાને કારણે બાજુમાં રહેલો સ્ક્રેપ ગાડીઓનો સામાન બચાવી લેવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. કારખાનાના માલિક ભીખાભાઈની હાજરીમાં ફાયર વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. બહુમાળી ભવનના જનસેવા કેન્દ્રમાં પાણીના જગ ખાલી રહેતા અરજદારો પરેશાન રાજકોટ શહેરના બહુમાળી ભવન ખાતેના જનસેવા કેન્દ્રમાં તંત્રની બેદરકારી સામે આવી છે. હાલમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે જાતિના અને નોન-ક્રિમીલેયર સહિતના વિવિધ દાખલાઓ આપવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે દૈનિક ધોરણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ કતારમાં ઉભા રહે છે. કાળઝાળ ગરમીને ધ્યાને રાખી તંત્રએ છાંયડા અને પીવાના પાણીના જગની વ્યવસ્થા તો કરી છે, પરંતુ આયોજનના અભાવે પાણીના જગ ખાલી જોવા મળ્યા હતા. આકરા તાપમાં લાંબા સમય સુધી લાઈનમાં ઉભા રહેતા અરજદારોને પીવાનું પાણી ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સરકારી કચેરીમાં સુવિધાના નામે માત્ર દેખાડો કરવામાં આવતો હોવાની ચર્ચાઓ જાગી છે. કિંમતી સમય બગાડીને દાખલા લેવા આવતા વિદ્યાર્થીઓને તરસ્યા રહેવું પડતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા વચ્ચે પાણીની વ્યવસ્થા જળવાઈ રહે તેવી માંગ ઉઠી છે. પ. રેલવેના રાજકોટ ડિવિઝનમાં મહિલા કર્મચારીઓ માટે અત્યાધુનિક લેડીઝ લાઉન્જનું લોકાર્પણ રાજકોટ ડિવિઝન રેલવે પ્રબંધક કાર્યાલય ખાતે મહિલા કર્મચારીઓની સુવિધા અને કલ્યાણ માટે એક નવી પહેલ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા મહિલા કર્મચારીઓ માટેના વિશ્રામ કક્ષનું નવીનીકરણ કરી તેને આધુનિક સુવિધાઓથી સજ્જ 'લેડીઝ લાઉન્જ' તરીકે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ નવનિર્મિત લાઉન્જનું ઉદ્ઘાટન પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) ના અધ્યક્ષા મુકેશી મીના દ્વારા ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ લેડીઝ લાઉન્જને સંપૂર્ણપણે એર કન્ડિશન્ડ બનાવવામાં આવ્યું છે, જેમાં માઇક્રોવેવ આરામદાયક સોફા, રેફ્રિજરેટર અને ડાઇનિંગ ટેબલ જેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ સુવિધાનો સીધો લાભ કાર્યાલયમાં ફરજ બજાવતી આશરે 65 જેટલી મહિલા કર્મચારીઓને મળશે. વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ કેન્દ્રીય કર્મચારી હિત નિધિના સહયોગથી પૂર્ણ કરવામાં આવ્યો છે, જે મહિલા કર્મચારીઓને કાર્યસ્થળ પર વધુ સારું અને સુખદ વાતાવરણ પૂરું પાડશે.
Read Original Article →