નવા રોટેશનથી રાજકીય ગણિતોમાં ધરખમ ફેરફારો:હવે બાહુબલીઓ તેમજ આર્થિક સંપન્ન ઉમેદવારોનો દબદબો વધવાની શક્યતા, અનેક દિગ્ગજોનાં પત્તા કપાશે

Gujarat4/6/2026, 12:30:00 AM
નવા રોટેશનથી રાજકીય ગણિતોમાં ધરખમ ફેરફારો:હવે બાહુબલીઓ તેમજ આર્થિક સંપન્ન ઉમેદવારોનો દબદબો વધવાની શક્યતા, અનેક દિગ્ગજોનાં પત્તા કપાશે
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે. આગામી 26 એપ્રિલનાં રોજ મતદાન થવાનું છે. જે અંતર્ગત મહાનગરપાલિકામાં સત્તા હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા મુખ્ય રાજકીય પક્ષોએ અત્યારથી જ પોતાની વ્યૂહરચના તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા તેના અમુક ઉમેદવારોનાં નામ જાહેર કરી દેવાયા છે, જ્યારે ભાજપ દ્વારા પણ એકાદ બે દિવસમાં નામો જ જાહેર કરવામાં આવનાર છે. આ વર્ષની ચૂંટણી અગાઉના વર્ષો કરતા તદ્દન અલગ સાબિત થવાની છે, કારણ કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બેઠકોના રોટેશનમાં કરવામાં આવેલા મોટા ફેરફારે રાજકીય સમીકરણોને હચમચાવી દીધા છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે, આ નવા ફેરફારોને કારણે અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાશે અને આગામી ટર્મમાં મહાપાલિકામાં બાહુબલી તથા આર્થિક રીતે અત્યંત સંપન્ન ઉમેદવારોનું જોર વધવાની શક્યતા છે. બેઠકોના રોટેશનનું જટિલ માળખું અને તેની અસરો રાજકોટ મહાનગરપાલિકાના કુલ 18 વોર્ડની 72 બેઠકો માટે વર્ષ 2020માં યોજાયેલી સામાન્ય ચૂંટણી સમયે જે રોટેશન અમલમાં હતું, તેમાં 2026ની આ ચૂંટણી માટે મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યો છે. શહેરના 18 વોર્ડમાંથી માત્ર વોર્ડ નં. 3, 4, 13 અને 17 એમ કુલ ચાર વોર્ડ જ એવા છે કે જેમાં બેઠકોના માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બાકીના 14 વોર્ડની 56 બેઠકોમાં વ્યાપક ફેરફાર થયો છે. ખાસ કરીને 13 જેટલી સામાન્ય બેઠકો રદ કરીને તેને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC) માટે અનામત રાખવામાં આવી છે. વર્ષોથી પકડ જમાવીને બેઠેલાને ઘરભેગા થવાનો વારો આવી શકે આ ફેરફારને કારણે જે વોર્ડમાં સવર્ણ જ્ઞાતિઓની વસતી વધુ છે, ત્યાં પણ હવે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે જગ્યા ઘટી ગઈ છે. આનાથી એવા રાજકીય ‘ધૂરંધરો’ કે જેઓ વર્ષોથી પોતાની બેઠક પર પકડ જમાવીને બેઠા હતા, તેમને હવે ઘરભેગા થવાનો વારો આવી શકે છે. નિરીક્ષકો માને છે કે જ્યારે બેઠકો અનામત બને છે, ત્યારે રાજકીય પક્ષો એવા ઉમેદવારોને પ્રાધાન્ય આપે છે જેઓ સ્થાનિક સ્તરે પ્રભુત્વ ધરાવતા હોય, બાહુબલી હોય અથવા ચૂંટણીના તોતિંગ ખર્ચને પહોંચી વળવા આર્થિક રીતે સક્ષમ હોય. આના કારણે અનુભવી રાજકારણીઓને બદલે નવા સાધન-સંપન્ન ચહેરાઓ મહાનગરપાલિકામાં જોવા મળી શકે છે. જ્ઞાતિવાર ટિકિટની સંભાવના અને રાજકીય વિશ્લેષણ રાજકોટના રાજકારણમાં જ્ઞાતિવાદ હંમેશા એક મહત્વનું પરિબળ રહ્યું છે. નવા રોટેશન બાદ વિવિધ સમાજોનું પ્રતિનિધિત્વ કેવું રહેશે તેના પર રાજકીય નિરીક્ષકોએ ઊંડું ગણિત માંડ્યું છે. 72 બેઠકોના સંભવિત વિતરણ પર નજર કરીએ તો... મહિલા અનામતની વાત કરીએ તો, કુલ 72 બેઠકોમાંથી 50% એટલે કે 36 બેઠકો મહિલાઓ માટે અનામત છે, પરંતુ અન્ય કેટેગરીના જોડાણને જોતા કુલ 41 બેઠકો મહિલાઓ માટે અને બાકીની 31 બેઠકો સામાન્ય ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે. અનુસૂચિત જાતિની 5 બેઠકમાંથી 3, અનુસૂચિત આદિજાતિની 1 અને પછાત વર્ગની 7 બેઠકોમાંથી 4 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. વોર્ડવાર બદલાયેલા સમીકરણોની વિગતવાર વિગત ⇒ વોર્ડ નં. 1: અહીં ગાંધીગ્રામ જેવા વિસ્તારોમાં વ્હાઇટ કોલર મતદારોની સંખ્યા વધી છે. અગાઉ અહીં પ્રથમ બેઠક અનુસૂચિત જાતિ માટે હતી, જે હવે પછાત જ્ઞાતિના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. આ વોર્ડમાં પછાત જ્ઞાતિના 4000થી વધુ મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે. ⇒ વોર્ડ નં. 2, 5, 6: વોર્ડ 2માં પહેલી બેઠક સામાન્યમાંથી અનુસૂચિત જાતિની થઈ છે. વોર્ડ 5માં ત્રીજી બેઠક હવે પછાત વર્ગ માટે છે. વોર્ડ 6માં પણ બે મોટા ફેરફારો થયા છે, જ્યાં પહેલી બેઠક અનુસૂચિત જાતિ અને ત્રીજી પછાત જ્ઞાતિના ઉમેદવારને ફાળવાઈ છે. ⇒ વોર્ડ નં. 7, 8, 9: વોર્ડ 7માં પહેલી બેઠક અનુસૂચિત જાતિમાંથી પછાત વર્ગની થઈ છે, જ્યારે ત્રીજી સામાન્ય બેઠક અનુસૂચિત જાતિને મળી છે. વોર્ડ 8માં ત્રીજી બેઠક પછાત વર્ગ માટે અનામત છે. વોર્ડ 9માં પહેલી બેઠક પછાત અને ત્રીજી બેઠક અનુસૂચિત જાતિ માટે જાહેર કરાઈ છે. ⇒ વોર્ડ નં. 10થી 12: વોર્ડ 10માં એક બેઠક પછાત વર્ગમાંથી સામાન્ય થઈ છે, જ્યારે ત્રીજી સામાન્ય બેઠક પછાત વર્ગને ફાળવવામાં આવી છે. વોર્ડ 11માં ત્રીજી બેઠક હવે પછાત જ્ઞાતિના ફાળે ગઈ છે. વોર્ડ 12માં પહેલી બેઠક પછાતમાંથી સામાન્ય ઉમેદવાર માટે ખુલ્લી મુકાઈ છે. ⇒ વોર્ડ નં. 14થી 18: વોર્ડ 14 અને 15માં પહેલી બેઠક અનુસૂચિત જાતિમાંથી પછાત વર્ગની થઈ છે. વોર્ડ 16માં પહેલી બેઠક પછાત અને ત્રીજી બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. વોર્ડ 18માં પણ સમાન રીતે પ્રથમ બેઠક પછાત અને ત્રીજી બેઠક અનુસૂચિત ઉમેદવાર માટે રાખવામાં આવી છે. મતદારોની સંખ્યામાં ઘટાડો, એક નવો વળાંક રાજકોટમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલા મતદાર સુધારણા કાર્યક્રમ (SIR)ના પરિણામો ચોંકાવનારા છે. 2020ની ચૂંટણીની સરખામણીએ રાજકોટમાં મતદારોની કુલ સંખ્યામાં 1,08,039નો ઘટાડો થયો છે. આ ઘટાડો ખાસ કરીને એવા વિસ્તારોમાં જોવા મળ્યો છે, જ્યાંથી લોકોનું સ્થળાંતર વધ્યું છે. મતદારોની સંખ્યામાં થયેલો આ ફેરફાર સીધી રીતે ઉમેદવારોની જીત-હારના માર્જિન પર અસર કરશે. ઓછા મતદારો હોવાને કારણે હવે દરેક મતની કિંમત વધી ગઈ છે, જેનાથી ચૂંટણી પ્રચાર વધુ આક્રમક બનવાની શક્યતા છે. બાહુબલીઓ અને સંપન્ન ઉમેદવારોનું વર્ચસ્વ કેમ વધશે? રાજકીય નિરીક્ષકોનું વિશ્લેષણ છે કે, જ્યારે બેઠકો વારંવાર બદલાય છે અને નવા વિસ્તારો અનામત હેઠળ આવે છે, ત્યારે પ્રસ્થાપિત નેતાઓ પોતાની જૂની બેઠક ગુમાવે છે. પક્ષો માટે પણ નવા અનામત વોર્ડમાં મજબૂત ઉમેદવાર શોધવો મુશ્કેલ બને છે. આવા સમયે, પક્ષો એવા સ્થાનિક આગેવાનોને પસંદ કરે છે, જેમની પાસે 'પૈસા અને પાવર' બંને હોય. આર્થિક રીતે સક્ષમ ઉમેદવારો ચૂંટણીના ખર્ચને પહોંચી વળવા સક્ષમ હોય છે, જ્યારે બાહુબલી ઉમેદવારો પોતાની સ્થાનિક વગ અને ડરના જોરે મતો અંકે કરી શકે છે. આ કારણે જ આગામી ટર્મમાં મહાનગરપાલિકામાં જે બોર્ડ બનશે, તેમાં શિક્ષિત કે અનુભવી લોકો કરતા 'પાવરફુલ' લોકોની સંખ્યા વધુ રહે તેવી ભીતિ અને સંભાવના બંને સેવવામાં આવી રહી છે. કોંગ્રેસ-AAPનો નવા રોટેશનનો લાભ ઉઠાવી ગાબડું પાડવાનો પ્રયાસ ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાની 2026ની ચૂંટણી એ માત્ર સત્તા મેળવવાનો જંગ નથી, પરંતુ બદલાયેલા રોટેશન અને જ્ઞાતિવાદના નવા સમીકરણો વચ્ચે ટકી રહેવાની લડાઈ છે. ભાજપ પોતાની સત્તા જાળવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવશે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નવા રોટેશનનો લાભ ઉઠાવીને ગાબડું પાડવા પ્રયાસ કરશે. અનામત પ્રથા, મહિલા પ્રતિનિધિત્વ અને ઘટતા મતદારો વચ્ચે શહેરના રાજકારણનું આ 'ગણિત' આવનારા દિવસોમાં વધુ રસપ્રદ બનશે. અંતે, જે ઉમેદવાર બાહુબળ, આર્થિક સંપન્નતા અને જ્ઞાતિના સમીકરણોને યોગ્ય રીતે સંતુલિત કરી શકશે, તે જ રાજકોટના શાસકો બનશે.
Read Original Article →