આજી નદીમાં ગાંડીવેલનો ઉપદ્રવ:રાજકોટ મનપા દ્વારા જેસીબી તેમજ ખાસ મશીનથી યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ, ટૂંક સમયમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરાશે
રાજકોટ શહેરમાંથી પસાર થતી આજી નદીમાં જળકુંભી એટલે કે ગાંડીવેલ વનસ્પતિનો વ્યાપક અને ચિંતાજનક ઉપદ્રવ નોંધાયો છે. નદીના સ્થિર પાણીમાં આ વનસ્પતિ ખૂબ ઝડપથી ફેલાઈ રહી હોવાના કારણે આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં મચ્છરોનો ત્રાસ અસહ્ય બની ગયો છે. સ્થાનિક રહીશો દ્વારા મચ્છરોના આ વધતા જતા ઉપદ્રવ અને રોગચાળાના ભય અંગે તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે અને નદીને આ હાનિકારક વનસ્પતિથી મુક્ત કરવા માટે મોટા પાયે આયોજનબદ્ધ કામગીરી હાથ ધરી છે. સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન નદીમાં પાણીનો નવો પ્રવાહ આવે છે ત્યારે પૂરના કારણે નદીમાં જમા થયેલી આ તમામ ગાંડીવેલ કુદરતી રીતે જ ફ્લશ આઉટ થઈને નીચાણવાળા વિસ્તારો તરફ વહી જતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસા પૂર્વે નદીના અમુક ચોક્કસ અને સંવેદનશીલ ભાગોમાં આ જળકુંભીનો ભારે ભરાવો જોવા મળી રહ્યો છે, જેને કારણે મચ્છરોને ઈંડા મૂકવા અને વંશવૃદ્ધિ કરવા માટે અનુકૂળ વાતાવરણ મળી ગયું છે. આ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાની મેલેરિયા શાખા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સંયુક્ત રીતે આજી નદીના પટમાં સઘન સફાઈ અને જંતુનાશક દવાઓના છંટકાવનું વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ, ખાસ કરીને રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડની પાછળ આવેલી આજી નદીના પટમાં જળકુંભીનો ઉપદ્રવ ખૂબ જ ભયજનક અને મોટા પ્રમાણમાં જોવા મળ્યો છે. નદીનો આ આખો વિસ્તાર લીલી ચાદર ઓઢી લીધી હોય તેમ ગાંડીવેલથી ઢંકાઈ ગયો છે. આ સ્થળે મચ્છરોની ઉત્પત્તિનું મુખ્ય કેન્દ્ર ન બને તે માટે કોર્પોરેશન દ્વારા ખાસ મશીનરી તૈનાત કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વિશાળ જેસીબી મશીનો નદી કિનારે ઉતારવામાં આવ્યા છે, જેના દ્વારા નદીના ઊંડા ભાગોમાંથી આ જળકુંભીની વેલને બહાર કાઢીને તેનો યોગ્ય રીતે નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઝુંબેશને વધુ ગતિશીલ બનાવવા મહાનગરપાલિકાની મિકેનિકલ શાખાના સીધા સંચાલન હેઠળ ખાસ ડિઝાઇન કરાયેલા ડિવીડર મશીનને પણ આજી નદીના પાણીમાં કાર્યરત કરવામાં આવ્યું છે. આ મશીન પાણીની અંદર ફેલાયેલી જળકુંભીના મૂળિયાં અને વેલને કાપીને બહાર કાઢવામાં ખૂબ જ અસરકારક સાબિત થઈ રહ્યું છે. મશીનરીની આ આધુનિક કામગીરીની સાથે-સાથે મેલેરિયા શાખાના કુશળ શ્રમિકોની અલગ-અલગ ટીમો પણ બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા મેન્યુઅલ પદ્ધતિથી એટલે કે માનવબળનો ઉપયોગ કરીને નદીના કિનારાના પથરાળ અને સાંકડા વિસ્તારોમાંથી જ્યાં મશીનો પહોંચી શકતા નથી ત્યાંથી જળકુંભી દૂર કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જળકુંભી એક એવી વનસ્પતિ છે જે ખૂબ જ ટૂંકા સમયમાં અને અત્યંત ઝડપથી વિકાસ પામવાનો કુદરતી ગુણધર્મ ધરાવે છે. તંત્ર સામે મોટો પડકાર એ છે કે નદીમાંથી એક દિવસમાં જેટલી માત્રામાં વનસ્પતિ બહાર કાઢવામાં આવે છે, તેના બીજા જ દિવસે તેમાંથી ઘણો ખરો ભાગ પુનઃ ગ્રોથ પકડી લે છે અને ડેવલપ થઈ જાય છે. આ વનસ્પતિની તીવ્ર પુનઃઉત્પાદન ક્ષમતાને કારણે આ સફાઈ કાર્ય ખૂબ જ લાંબુ અને જટિલ બની જાય છે. આ જ કારણે સફાઈ પ્રક્રિયાનું રોજિંદું સુપરવિઝન અને સતત મોનિટરિંગ મેલેરિયા શાખાના જવાબદાર સુપરવાઈઝરો દ્વારા સ્થળ પર ઉપસ્થિત રહીને કરવામાં આવી રહ્યું છે. નદીની આસપાસના વિસ્તારોના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મનપા દ્વારા ફોગિંગ અને એન્ટી-એડલ્ટ મચ્છરનાશક કામગીરી પણ સમાંતરે કરવામાં આવી રહી છે. નદીના પાણી પર મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે ગત વર્ષની સફળતાને ધ્યાને રાખીને આ વર્ષે પણ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું મહત્વપૂર્ણ આયોજન હાથ ધરાયું છે. આધુનિક ડ્રોન દ્વારા નદીના જે અતિ દુર્ગમ અને જોખમી વિસ્તારો છે, જ્યાં મશીન-માણસો જઈ શકતા નથી, ત્યાં ચોકસાઈપૂર્વક મચ્છરનાશક અને લાર્વાહરક દવાઓનો છંટકાવ કરવામાં આવશે. ડ્રોન એજન્સી નક્કી કરવા માટેની ટેન્ડર પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ કરી લેવામાં આવી છે. ટૂંક જ સમયમાં એજન્સીને ઓફિશિયલ વર્ક ઓર્ડર આપીને નદી પર ડ્રોનથી દવાનો છંટકાવ શરૂ કરી દેવાશે.
Read Original Article →