ડાઉન સિન્ડ્રોમથી પીડિત રાજકોટનો ‘મંત્ર’ બન્યો ગુજરાતનો પ્રથમ મનોદિવ્યાંગ ગ્રેજ્યુએટ:પેરા ઓલમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ સાથે PMના હસ્તે બાળ પુરસ્કારનું બહુમાન મેળવ્યું
“ભલે કુદરતે બુદ્ધિ આંક ઓછો આપ્યો, પણ હિંમત અને સપનાઓ આકાશ આંબવા માટે પૂરતા છે.” આ વાક્યને રાજકોટના 23 વર્ષીય મનોદિવ્યાંગ યુવક મંત્ર હરખાણીએ સાબિત કરી બતાવ્યું છે. જન્મથી જ 'ડાઉન સિન્ડ્રોમ' (Down Syndrome) નામની ગંભીર જિનેટિક પરિસ્થિતિ સામે લડતો મંત્ર, તમામ સામાજિક અને શારીરિક પડકારોને માત આપીને ગુજરાતનો સૌપ્રથમ મનોદિવ્યાંગ ગ્રેજ્યુએટ (સ્નાતક) બન્યો છે. જે બાળકના જન્મ પછી સમાજ અને શાળાઓએ તેનો અસ્વીકાર કર્યો હતો, આજે તેની ઐતિહાસિક શૈક્ષણિક સિદ્ધિ પર આખું ગુજરાત ગૌરવ અનુભવી રહ્યું છે. માતાનો અતૂટ વિશ્વાસ અને મંત્રની અવિરત મહેનત
મંત્રની આ અસાધારણ સફળતા પાછળ તેની માતા બીજલબેન હરખાણીનો સંઘર્ષ અને માતૃત્વનો અતૂટ વિશ્વાસ છુપાયેલો છે. ડાઉન સિન્ડ્રોમ ધરાવતા બાળકોનો બુદ્ધિઆંક સામાન્ય વ્યક્તિ કરતાં 50% ઓછો હોય છે, જેના કારણે મંત્રને શરૂઆતમાં ઘણી શાળાઓએ એડમિશન આપવાની ના પાડી દીધી હતી. જોકે, તેની માતાએ હિંમત ન હારી. તેમણે પોતે જ મનોદિવ્યાંગ બાળકો માટે 27 જેટલા કાર્યલક્ષી અભ્યાસક્રમના વિશેષ પુસ્તકો તૈયાર કર્યા. માતાના આ અનોખા ગાઈડન્સ હેઠળ મંત્રે પહેલાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ, અમદાવાદની બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે 'બેચલર ઓફ આર્ટ્સ' (B.A.)ની પદવી સફળતાપૂર્વક મેળવીને ઇતિહાસ રચી દીધો છે. હવે માસ્ટર ડિગ્રી મેળવવાની ઈચ્છા, સરકારી નોકરી માટે CCC પણ પાસ કરી
કોલેજ પૂર્ણ કર્યા બાદ પણ મંત્ર અટકવા નથી માંગતો, હવે તેને ગુજરાતી વિષય સાથે જ એમ.એ. એટલે કે માસ્ટર ડિગ્રી મેળવવાની તીવ્ર ઈચ્છા છે. આ સિવાય, તેણે સરકારી નોકરી માટે અનિવાર્ય ગણાતી કમ્પ્યુટરની CCC પરીક્ષા પણ તાજેતરમાં જ પાસ કરી લીધી છે, જે તેની અદ્ભુત શીખવાની ક્ષમતા દર્શાવે છે. PM મોદીના હસ્તે 'બાળ પુરસ્કાર' અને પેરા ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ
મંત્રની પ્રતિભા માત્ર ભણતર પૂરતી મર્યાદિત નથી, તે એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમર પણ છે. રમતગમતના ક્ષેત્રમાં પણ જ્યારે લોકો તેની ક્ષમતા પર શંકા કરતા હતા, ત્યારે મંત્રે પેરા ઓલિમ્પિકમાં સ્વિમિંગમાં ભારત દેશ વતી આંતરરાષ્ટ્રીય સ્તરે 2 ગોલ્ડ મેડલ જીતીને તિરંગો લહેરાવ્યો હતો. માત્ર 16 વર્ષની નાની ઉંમરે તે દેશનો સૌથી યુવા મનોદિવ્યાંગ સ્વિમર બન્યો હતો. સામાન્ય માણસોને પણ જે દરિયાના મોજાથી ડર લાગે, તે દરિયામાં મંત્રે ખુલ્લા મને સ્વિમિંગ કર્યું છે. તેની આ અજોડ રમત-પ્રતિભા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેને પ્રતિષ્ઠિત 'રાષ્ટ્રીય બાળ પુરસ્કાર' આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો. અન્ય 200 દિવ્યાંગ બાળકોના જીવનમાં ઉજાસ પાથરવાનું માતાનું સ્વપ્ન
આજે મંત્રના નામે 'મંત્ર ફાઉન્ડેશન' ચાલે છે, જ્યાં અત્યાર સુધીમાં 200થી વધુ મનોદિવ્યાંગ બાળકો અભ્યાસની સાથે-સાથે રોજગારીની તાલીમ મેળવીને આત્મનિર્ભર બન્યા છે. મંત્રની માતા બીજલબેનનું એક ભાવુક સ્વપ્ન છે કે, આગામી દિવસોમાં તેઓ આ બાળકો માટે એક વિશેષ મોલ અથવા રેસ્ટોરન્ટ શરૂ કરે, જેથી આ ખાસ બાળકો કોઈના પર આશ્રિત રહ્યા વગર ગરિમાપૂર્ણ અને સ્વતંત્ર જીવન જીવી શકે. મંત્રની સફર એ વાતનો જીવંત પુરાવો છે કે ભલે શરીર કે મગજમાં કોઈ ખામી હોય, પણ જો વાલીઓનો સાથ અને બાળકનું મનોબળ દ્રઢ હોય, તો કુદરતના આકરા નિયમોને પણ બદલી શકાય છે.
Read Original Article →