જન્મના દાખલા માટે માતાપિતાના આધારકાર્ડ અને ઈમેઈલ ID ફરજિયાત:કાર્ડ પર આધારનંબર પણ આવશે, ડિજિટલ પ્રમાણપત્ર સીધુ ઈમેઈલ મારફત મળી જશે

Gujarat5/22/2026, 12:30:14 AM
જન્મના દાખલા માટે માતાપિતાના આધારકાર્ડ અને ઈમેઈલ ID ફરજિયાત:કાર્ડ પર આધારનંબર પણ આવશે, ડિજિટલ પ્રમાણપત્ર સીધુ ઈમેઈલ મારફત મળી જશે
રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારના નિયમ અનુસાર મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે જન્મના દાખલામાં માતા, પિતાનાં આધારકાર્ડની વિગતો સામેલ કરવામાં આવી છે. જેને લઈને જન્મનો દાખલો લેવા જનાર દરેક માતા-પિતાએ આધારકાર્ડ આપવાનું રહેશે. આ ઉપરાંત ભવિષ્યમાં પ્રમાણપત્રો સંપૂર્ણપણે ડિજિટલ સ્વરૂપે જ ઈશ્યૂ થવાના હોવાથી અરજદારો માટે પોતાનું ઈમેઈલ એડ્રેસ આપવું પણ ફરજિયાત કરાયું છે, જેથી તૈયાર થયેલું ડિજિટલ પ્રમાણપત્ર સીધું ઈમેઈલ મારફત મળી જશે. અને નાગરિકો તેનો ગમે ત્યાં સત્તાવાર ઉપયોગ કરી શકશે. બાળકના જન્મના દાખલા માટે માતાપિતાના આધારની વિગત આપવી પડશે રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગ દ્વારા નાગરિકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધી જન્મ અને મરણની નોંધણી તેમજ તેને લગતી તમામ કામગીરીઓ રાજ્ય સરકારના સ્તરેથી ઓપરેટ થતા પોર્ટલ દ્વારા કરવામાં આવતી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારના દિશાનિર્દેશો અનુસાર આ સમગ્ર પ્રણાલીને સેન્ટ્રલાઇઝ્ડ કરીને કેન્દ્ર સરકારના સત્તાવાર પોર્ટલ પર શિફ્ટ કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થાના ભાગરૂપે જન્મના દાખલામાં માતા, પિતા અને ઉપલબ્ધ હોય તો બાળકના આધારકાર્ડની તમામ વિગતો આપવી ફરજિયાત કરવામાં આવી છે. આ ફેરફારથી ભવિષ્યમાં ડેટા સુરક્ષા મજબૂત બનશે અને પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનશે. જન્મ-મરણ વિભાગના અધિકારી પ્રેરિત જોષીએ આ નવા ફેરફારો અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના પોર્ટલ પર કામગીરી શરૂ થવાથી હવે સુરક્ષાના માપદંડો વધુ ચુસ્ત બન્યા છે. નવા નિયમ મુજબ જન્મની નોંધણી કરાવતી વખતે માતા-પિતાના આધારકાર્ડની વિગતો ડેટાબેઝમાં ઉમેરવામાં આવશે. આ પ્રક્રિયાથી ઓળખની ચોકસાઈ વધશે અને ભવિષ્યમાં કોઈપણ બાળકને પોતાના જન્મના પ્રમાણપત્રને લગતી વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે. ભારત સરકાર દ્વારા સુરક્ષાના હેતુથી જ આ મહત્વનો નિર્ણય લેવાયો છે, જે નાગરિકો માટે અત્યંત ફાયદાકારક અને સુરક્ષિત સાબિત થશે. વાલીને ઈમેઈલ પર જ ડિજિટલ પ્રમાણપત્ર મળી જશે નવી ઓનલાઈન સિસ્ટમ અંતર્ગત હવે અરજદારોને કચેરીના ધક્કા ખાવામાંથી પણ મોટી રાહત મળશે. આગામી સમયમાં જન્મના પ્રમાણપત્રો સંપૂર્ણપણે ડિજિટલ સ્વરૂપમાં જ ઈશ્યૂ કરવામાં આવશે. આ માટે કોર્પોરેશન દ્વારા તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ફોર્મ ભરતી વખતે પોતાનું સત્તાવાર અને ચાલુ હોય તેવું ઈમેઈલ એડ્રેસ અચૂકપણે અને ફરજિયાત પ્રદાન કરે. ડિજિટલ પ્રમાણપત્ર સીધું જ અરજદારના નોંધાયેલા ઈમેઈલ આઈડી પર મોકલી આપવામાં આવશે. આ ડિજિટલ પ્રમાણપત્રનો ઉપયોગ નાગરિકો કોઈપણ જગ્યાએ સત્તાવાર રીતે કરી શકશે અને તેને મોબાઈલ કે કમ્પ્યુટરમાં સુરક્ષિત રાખી શકાશે, જેથી અસલ નકલ ખોવાઈ જવાનો ભય રહેશે નહીં. નાગરિકોએ હવેથી જ્યારે પણ નવું જન્મ પ્રમાણપત્ર મેળવવું હોય કે જૂના રેકોર્ડમાં સુધારો કે અપડેટ કરાવવું હોય, ત્યારે માતા-પિતાના આધારકાર્ડ સાથે રાખવા અનિવાર્ય રહેશે. વહીવટી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આધારકાર્ડની નકલો અને સાચી વિગતો સબમિટ કરવી જરૂરી છે. ડિજિટલાઈઝેશનના આ યુગમાં પ્રક્રિયાને પેપરલેસ અને વધુ પ્રજાલક્ષી બનાવવા માટે ઈમેઈલ એડ્રેસ આપવું ખૂબ જ જરૂરી છે, જેથી વેરિફિકેશન પૂર્ણ થતાંની સાથે જ ડિજિટલ કોપી સીધી ઘરે બેઠા મેળવી શકાય. મનપા દ્વારા લેવાયેલા આ પ્રજાલક્ષી નિર્ણયથી સિસ્ટમમાં રહેલી ક્ષતિઓ દૂર થશે અને છેતરપિંડી કે ખોટા દસ્તાવેજો બનવાની શક્યતાઓ નહિવત થઈ જશે.
Read Original Article →