રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત:માતાજીના માંડવા માટે મિત્ર પાસેથી ઉછીના 1.50 લાખ લીધા બાદ મિત્રએ વ્યાજે લેવા પડશે કહી 20.73 લાખ પડાવી વધુ 16 લાખની માંગણી કરી

Gujarat6/9/2026, 7:28:20 AM
રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત:માતાજીના માંડવા માટે મિત્ર પાસેથી ઉછીના 1.50 લાખ લીધા બાદ મિત્રએ વ્યાજે લેવા પડશે કહી 20.73 લાખ પડાવી વધુ 16 લાખની માંગણી કરી
રાજકોટમાં વ્યાજખોરો સામે વધુ એક ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે જેમાં ફરિયાદીએ માતાજીના માંડવામાં મિત્ર પાસેથી હાથ ઉછીના રૂપિયા 1.50 લાખ લીધા બાદ મિત્રએ બીજા દિવસે રૂપિયા પરત માંગી વ્યાજે અપાવી દેવાનું કહી કટકે કટકે છેલ્લા એક વર્ષમાં 1.50 લાખ સામે રૂ.20.73 લાખ પડાવી લીધા બાદ વધુ રૂ.16 લાખની માંગણી કરી ધમકી આપી હતી જયારે વ્યાજખોરના મિત્રએ કોરા ચેક બેંકમાં નાખી બાઉન્સ કરાવી મદદગારી કરતા ફરિયાદ નોંધાવી છે. હાલ આજીડેમ પોલીસે વ્યાજખોર રાજેશ કોટડીયા, મનોજસિંહ ગોહિલ અને દર્પણ પાનસુરીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી કલ્પેશભાઇ સુરેશભાઈ હીરપરાએ જણાવ્યું હતું કે, જય બજરંગ ઇન્ડસ્ટ્રી નામથી ઓટો પાર્ટસનું કારખાનું ચલાવું છું અને લેબર કામ કરું છું. ગત તા.19.04.2025ના રોજ મારા વતનમાં લીલી સાજડીયાળી ગામે માતાજીનો માંડવો હતો તેમાં મારે રૂ.4.50 લાખનો ખર્ચો થયો હતો. આ વખતે મારી પાસે રૂ.1.50 લાખ ઘટતા હોવાથી તા.21.04.2025ના રોજ મારા મિત્ર રાજેશભાઈ મનસુખભાઈ કોટડીયાએ મને રૂ.1.50 લાખ તેણે મને હાથ ઉછીના આપ્યા હતા. ત્યારબાદ રાજેશભાઈએ બીજા જ દીવસે મને કહ્યું કે તારા માતાજીના માંડવામાં ખર્ચ પેટેનાં રોકડા રૂપિયા મે ચુકવેલા તે મારે પરત જોઇએ છે. જેથી મેં તેને કહ્યું કે મારાથી તાત્કાલીક આટલા રૂપિયા ભેગા થાય તેમ નથી. જેથી તેણે મને કહ્યું કે હું તને ક્યાંકથી વ્યાજથી રૂપિયા ભેગા કરાવી દઈશ જેથી તેણે આ રૂપિયા ક્યાંકથી લઈને પોતે રાખી લીધા અને મને કહ્યું કે તારે દર અઠવાડિયે રોકડા રૂ.10,000 વ્યાજ પેટે ચૂકવવાના રહેશે તેમજ મારા પૈસા 15 દિવસમાં પરત આવી જાશે જે હું તને આપીશ એટલે આપડે આ વ્યાજથી લીધેલ પૈસા જેની પાસેથી લીધેલ છે તેને પરત આપી દેશું. ત્યારબાદ તેણે મને કોઈ જ જાતનાં પૈસા આપ્યા ન હતા અને મારી પાસેથી તેણે રૂ.1.50 લાખના વધુને વધુ વ્યાજ પેટે રૂપીયા આપવાનુ કહેતો હતો. જેથી મે તેને કટકે કટકે તા.22.04.2025 થી તા.17.04.2026 સુધીમાં રૂ.12,73,600 રાજેશભાઈ કોટડીયા તથા તેની પત્ની ચાંદનીબેન કોટડીયા તથા તેના મમ્મીના ખાતામાં ગુગલ પેના માધ્યમથી ઓનલાઈન વ્યાજ પેટે ચૂકવી આપ્યા હતા. આ સીવાય રોકડા રૂ.8 લાખ મળી કુલ રૂપિયા 20,73,600 જેટલા વ્યાજ પેટે ચુકવી આપ્યા હતા. આ રૂપીયાની લેતી દેતી થયેલ તે દરમ્યાન રાજેશભાઈને મે તા.24.04.2025 ના રોજ મારા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના બે કોરા ચેક આપ્યા હતા. ચેક આપ્યાના ત્રણ મહિનાં પછી રાજેશભાઈએ ફરી વખત મને કહ્યું કે તું મને બીજા વધુ બે ચેક આપ. હું તને અન્ય વ્યક્તિ પાસેથી વ્યાજથી રૂપિયા અપાવી દઉં. તેમ કહેતા મેં તેને બીજા મારા કો. ઓ. બેન્ક રાજકોટ શાખાના બે કોરા ચેક આપ્યા હતા. તે બાદ જાન્યુઆરી મહિનામા મને રાજેશએ રાજકોટ શેખડા સાહેબની ઓફીસે બોલાવતા હું ત્યાં ગયેલ. આ વખતે રાજેશ અને તેનો મીત્ર મનોજસીહ ગોહિલ બન્ને હાજર હતા અને તેઓએ મને કહ્યું કે તું અમને 5 લાખનું લખાણ કરી દે અને બે લાખ તું અમને બે મહીનામાં ભરી દેજે. અમે તને આ લખાણ પરત આપી દેશું. આ વખતે તેઓએ મારી પાસેથી સિક્યુરીટી પેટે અન્ય બે ચેક લીધા હતા. ત્યારબાદ રાજેશભાઇએ મને મનોજસિંહના રૂપીયા હોવાનુ કહીને રૂપિયાનું વ્યાજ વધારતો જ ગયો. બાદ તા. 17.04.2026નાં રોજ મારાથી પૈસા થાય એમ ન હોય જેથી મે રાજેશને પૈસા આપવાની ના પાડી તો તેણે મને કહ્યું કે મારે તારી પાસેથી હાલ રૂ.70,000 લેવાના નીકળે છે તેના તારે રૂ.1.40 લાખ દેવા પડશે તેમ કહીને ફોન ઉપર ગાળા ગાળી કરી પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી હતી. બાદ તા.20.04.2026નાં રોજ તેણે મને કોઠારીયા સાઈબાબા સર્કલ પાસે બોલાવી અને કહ્યું કે તું અમારી સાથે સમાધાન કરી લે એટલે લખાણ ફાડી નાખશું અને તે આપેલ બધા ચેક તને પરત કરી આપશું. આ પછી રાજેશ કોટડીયા વતી મારી પાસેથી વ્યાજના રૂપીયા કઢાવવા મારો કો. ઓ. રાજકોટ બેન્કનો રૂ.8 લાખનો ચેક તા.20.05.2026ના રોજ રીટર્ન કરાવતા મે દર્પણને ફોન કરતા તેણે મારો ફોન ઉપાડ્યો ન હતો જેથી તેના બાપા હસમુખભાઈને ફોન કરતા તેણે કહ્યું કે મારો છોકરો મારા કહયામાં નથી. રાજેશભાઈ મનસુખ કોટડીયાએ માતાજીના માંડવામાં ખર્ચામા રૂ.1.50 લાખ આપી આ રૂપિયાનું તા.21.04.2025થી તા.17.04.2026 સુધી ઓનલાઇન તથા રોકડા મળી કુલ 20,73,600 ચૂકવ્યા હોવા છતા મારી પાસે વધુ રૂ.16 લાખ આપવા પડશે તેવી રુબરુમા ત્યા ફોન ઉપર ધમકી આપી ગાળા-ગાળી કરી ગેર કાયદેસર રીતે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જે ઉઘરાણીમા મનોજસિહ ગોહીલ તેમજ દર્પણ હરસુખભાઈ પાનસુરીયાએ રાજેશ વતી મારા ચેકનો ઉપયોગ કરી રાજેશને મદદગારી કરી છે જેથી ત્રણેય સામે કાયદેસર કાર્યવાહી થવા મારી ફરીયાદ છે જેથી હાલ આજીડેમ પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →