હવે પનીરમાં પણ ભેળસેળ ખુલી !:રાજકોટનાં કોઠારીયાની બંસી ડેરીનાં 'મસ્તી મિલ્ક પનીર'માં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું હોવાનું ખુલ્યું, આઈસ્ક્રીમ, શ્રીખંડ સહિત વધુ 5 નમુના લેવાયા

Gujarat5/19/2026, 8:19:27 AM
હવે પનીરમાં પણ ભેળસેળ ખુલી !:રાજકોટનાં કોઠારીયાની બંસી ડેરીનાં 'મસ્તી મિલ્ક પનીર'માં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું હોવાનું ખુલ્યું, આઈસ્ક્રીમ, શ્રીખંડ સહિત વધુ 5 નમુના લેવાયા
રાજકોટ શહેરમાં ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળની હકીકત એક પછી એક સામે આવી રહી છે. ત્યારે હવે પનીરમાં પણ ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. હાલમાં ફૂડ વિભાગ દ્વારા રાજકોટનાં કોઠારીયામાં આવેલ બંસી ડેરીમાંથી લેવાયેલા પનીરનાં નમુનાનો રિપોર્ટ આવ્યો છે. જેમાં પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું હોવાનું ખુલતા આ નમુનાને ફેલ જાહેર કરવામાં આવ્યા છે. નમૂનાઓ ફેલ થતા ફૂડ વિભાગ દ્વારા પેઢીના સંચાલકો સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત આજે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ જુદા જુદા વિસ્તારોમાંથી ખાદ્યચીજોના નવા નમૂનાઓ લેવાની સાથે લાઇસન્સ વગર વેપાર કરતા ધંધાર્થીઓને નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી હતી. અને શંકાસ્પદ આઈસ્ક્રીમ, શ્રીખંડ અને પનીરનાં વધુ 5 નમુના લેવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ ફૂડ વિભાગ દ્વારા અગાઉ ગોંડલ રોડ પર કોઠારીયા વિસ્તારમાં સમ્રાટ દાળમીલ પાછળ, એમ.ટેક ઈન્વેસ્ટમેન્ટની બાજુમાં, સ્માર્ટ પ્લાસ્ટિક, પ્લોટ નં.239 મુકામે આવેલી ઉત્પાદક પેઢી "બંસી ડેરી" માંથી ખાદ્યચીજનો નમૂનો લેવાયો હતો. ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા "દૂધ મસ્તી મલાઈ પનીર (1KG PKD)" નો નમૂનો મેળવી તેને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. આ નમૂનાની ઝીણવટભરી તપાસ બાદ તેનો પૃથ્થકરણ રિપોર્ટ આવી ગયો છે. લેબોરેટરીના સત્તાવાર રિપોર્ટમાં આ પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણ કરતાં ઓછું હોવાનું સામે આવ્યું છે. કાયદાકીય માપદંડો પર આ નમૂનો ખરો નહીં ઉતરતા ફૂડ વિભાગ દ્વારા આ પનીરના નમૂનાને "સબસ્ટાન્ડર્ડ" એટલે કે ફેઇલ જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈને ગુણવત્તા વગરનું અને ધારાધોરણોથી ઓછી ફેટવાળું પનીર વેચવા બદલ બંસી ડેરીના સંચાલકો સામે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટની નિયમ મુજબની જોગવાઈ અનુસાર આગળની કાયદેસરની એજયુડિકેશન કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમે ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ (FSW) વાન સાથે રાખીને શહેરના વ્યસ્ત અને જાણીતા વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગની ઝુંબેશ હાથ ધરી હતી. ફૂડ અધિકારીઓની અલગ અલગ ટીમોએ ભક્તિનગર સર્કલ, સોરઠિયાવાડી સર્કલથી 80 ફૂટ રોડ તરફનો માર્ગ તેમજ અંબાજી કડવા પ્લોટ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ વિસ્તારોમાં ખાધ્યચીજોનું વેચાણ, સંગ્રહ કે ઉત્પાદન કરતાં કુલ 18 ધંધાર્થિઓની દુકાનો, રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લા પર જઈને ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન ખાદ્યપદાર્થોની સ્વચ્છતા, સંગ્રહ કરવાની પદ્ધતિ અને વેપાર કરવા જરૂરી એવા ફૂડ લાઇસન્સની વિગતો ચકાસવામાં આવી હતી. તપાસ દરમિયાન જે વેપારીઓ પાસે ફૂડ સેફ્ટીનું માન્ય લાઇસન્સ ઉપલબ્ધ નહોતું, તેવા કુલ 4 ધંધાર્થિઓને સક્ષમ સત્તાધિકારી પાસેથી તાત્કાલિક ધોરણે ફૂડ લાઇસન્સ મેળવી લેવા બાબતે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન ટીમે ગ્રાહકોને પીરસવામાં આવતી તેમજ વેચાણ માટે રાખવામાં આવેલી અલગ-અલગ ખાદ્યચીજોના કુલ 14 નમૂનાઓની સ્થળ પર પ્રાથમિક ચકાસણી કરી હતી. જે 18 ધંધાર્થીઓની સઘન ચકાસણી કરવામાં આવી હતી, તેમાં રાધિકા રેસ્ટોરન્ટને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી છે, જ્યારે ગુરુનાનક સિઝન ગોલાને પણ જરૂરી લાઇસન્સ અંગે સૂચના અપાઈ છે. આ જ રીતે દ્વારકાધીશ સિઝન સ્ટોરને નવું લાઇસન્સ મેળવવા બાબતે તાકીદ કરવામાં આવી છે અને નીલકંઠ આઇસ ડિશને પણ વહેલી તકે ફૂડ લાઇસન્સ મેળવી લેવા માટે કડક સૂચના આપવામાં આવેલ છે. આ ચાર પેઢીઓ સહિત અન્ય 14 ધંધાર્થીની પણ વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ધારેશ્વર ફરસાણ, સ્મોલ બાઇટ, સોનલ ભેળ, ઓમ આઇસ્ક્રીમ રેસ્ટોરન્ટ, ક્રિશ્ના રેસ્ટોરન્ટ, વિલિયમ જોહન્સ પિઝા, રાજૂ રેસ્ટોરન્ટ, વૈશાલી રેસ્ટોરન્ટ, અન્ય એક સોનલ ભેળની દુકાન, યાદવ રેસ્ટોરન્ટ, ધ ગ્રાન્ડ ઠકર રેસ્ટોરન્ટ, જલારામ ગોલા, એન્જલ સોડા અને રાજ આઇસ્ક્રીમનો સમાવેશ થાય છે. આઈસ્ક્રીમ, શ્રીખંડ અને પનીર સહિત 5 નમુના લેવાયા 1. સાધુવાસવાણી મેઇન રોડ પર સાધુવાસવાણી સ્કૂલની સામે, 7/8 વૃંદાવન હાઇટ્સમાં આવેલા "રંગોલી આઇસ્ક્રીમ" માંથી કેશર પિસ્તા આઇસ્ક્રીમ (લૂઝ) નો નમૂનો લેવામાં આવ્યો છે. 2. આ જ સ્થળે એટલે કે સાધુવાસવાણી રોડ પર આવેલા "રંગોલી આઇસ્ક્રીમ" માંથી પાઈનેપલ આઇસ્ક્રીમ શ્રીખંડ (લૂઝ) નો બીજો નમૂનો લેવામાં આવ્યો છે. 3. સાધુવાસવાણી મેઇન રોડ પર જયવર્ધીની કોમ્પ્લેક્સમાં આવેલી "ન્યુ શ્રીજી આઇસ્ક્રીમ" નામની પેઢીમાંથી કિંગ્ઝ ડીલાઇટ આઇસ્ક્રીમ (લૂઝ) નો નમૂનો લેવામાં આવ્યો છે. 4. લક્ષ્મીનગરમાં મહાદેવવાડી મેઇન રોડ પર ત્રિમૂર્તિ ટાવરની સામે આવેલી "શ્રી ગાયત્રી ડેરી પ્રોડક્ટ" માંથી ડ્રાયફ્રુટ શ્રીખંડ (લૂઝ) નો નમૂનો લેવામાં આવ્યો છે. 5. આ જ પેઢી એટલે કે મહાદેવવાડી મેઇન રોડ પર આવેલી "શ્રી ગાયત્રી ડેરી પ્રોડક્ટ" માંથી પનીર (લૂઝ) નો નમૂનો ફૂડ એક્ટ હેઠળ લેવામાં આવ્યો છે. ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને આઇસ્ક્રીમ, શ્રીખંડ અને ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે, જેથી ફૂડ વિભાગે ખાસ કરીને આવી પ્રોડક્ટ્સ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવી જ રીતે સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે અને જો કોઈ પણ વેપારી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો કે અખાદ્ય સામગ્રીનું વેચાણ કરતો ઝડપાશે, તો તેની સામે કાયદાકીય કડક પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
Read Original Article →