રાજકોટ જિલ્લા પંચાયતનાં પ્રમુખ-ઉપપ્રમુખ જાહેર:છેલ્લી ઘડીએ જાહેર થયેલા કુવાડવાનાં ઉમેદવાર સંજય પીપળીયા પ્રમુખ, કોલીથડનાં સામંત બાંભવા ઉપપ્રમુખ, આવતીકાલે કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારો જાહેર થશે
રાજકોટ જિલ્લાનાં રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલી ઉત્કંઠાનો આખરે અંત આવ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે શાસક પક્ષ ભાજપ દ્વારા સત્તાવાર નામોની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા ભાજપ સંગઠન દ્વારા લેવાયેલા આ આખરી નિર્ણયમાં કુવાડવા બેઠક પરથી છેલ્લી ઘડીએ પક્ષના ઉમેદવાર બનેલા સંજય પીપળીયાને જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કોલીથડ બેઠકના વિજેતા પ્રતિનિધિ સામત બાંભવાને ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. આ જાહેરાત બાદ બંને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વિધિવત રીતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે પોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. આવતીકાલે યોજાનાર જનરલ બોર્ડમાં કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારો જાહેર કરવામાં આવશે. આ વખતની પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગીમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા જ્ઞાતિગત સમીકરણોને ખૂબ ઝીણવટ પૂર્વક ધ્યાનમાં રાખવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પક્ષ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને સર્વોચ્ચ પદો પર ઓબીસી ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ નિર્ણય પાછળ આગામી સ્થાનિક અને સામાન્ય ચૂંટણીઓના સમીકરણો જવાબદાર હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. જિલ્લા પંચાયતના બંને મુખ્ય હોદ્દાઓ પર ઓબીસી જ્ઞાતિનું પ્રતિનિધિત્વ ગોઠવાઈ જતાં, હવે આગામી સમયમાં જાહેર થનારા કારોબારી સમિતિના ચેરમેન પદ પર પાટીદાર સમાજના કોઈ સભ્યની વરણી થાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. સંગઠન દ્વારા આ રીતે તમામ જ્ઞાતિઓ વચ્ચે સત્તાનું સંતુલન જાળવવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો છે. કુવાડવા બેઠક પરનો હાઈવોલ્ટેજ ડ્રામા અને સંજય પીપળીયાની એન્ટ્રી આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી વધુ આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર કુવાડવા બેઠક રહી હતી, જ્યાં ઉમેદવારી ફોર્મ ભરવાના દિવસથી જ હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. ભાજપ દ્વારા જ્યારે પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરવામાં આવી હતી, ત્યારે તેમાં કુવાડવા બેઠક પર કોઈ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ન હતી અને સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ, ફોર્મ ભરવાના અંતિમ દિવસે સવારે પક્ષ દ્વારા દેવ કોરડિયાને ટિકિટ આપવામાં આવી હતી. ટિકિટ મળતાની સાથે જ દેવ કોરડિયા ઉત્સાહભેર પોતાનું ફોર્મ ભરવા માટે પણ પહોંચી ગયા હતા. જો કે, રાજકારણમાં પલટો આવતા વાર લાગતી નથી અને આ બેઠક પર પણ એવું જ કંઈક જોવા મળ્યું હતું. ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ પક્ષના મોવડી મંડળ દ્વારા અણધાર્યો નિર્ણય લેવામાં આવ્યો અને દેવ કોરડિયાની ટિકિટ કાપી તેમના સ્થાને કુવાડવા ગામના સ્થાનિક અને સક્રિય સરપંચ સંજય પીપળીયાને પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી ફોર્મ ભરાવવામાં આવ્યું હતું. છેલ્લી ઘડીએ ટિકિટ મળ્યા બાદ સંજય પીપળીયા આ બેઠક પરથી ભવ્ય વિજય મેળવીને જિલ્લા પંચાયતમાં પહોંચ્યા હતા. પક્ષ પ્રત્યેની તેમની નિષ્ઠા અને સ્થાનિક સ્તરે તેમની મજબૂત પકડને ધ્યાને રાખીને જ આજે જિલ્લા ભાજપ દ્વારા તેમને રાજકોટ જિલ્લા પંચાયતના સર્વોચ્ચ એવા પ્રમુખ પદના તાજથી પણ નવાજવામાં આવ્યા છે. બીજી તરફ, ઉપપ્રમુખ તરીકે પસંદ કરાયેલા સામત બાંભવા કોલીથડ બેઠક પરથી ચૂંટાઈને આવ્યા છે અને સંગઠનમાં લાંબો અનુભવ ધરાવે છે. પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત થતાં જ જિલ્લા પંચાયત કચેરી ખાતે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પક્ષના અગ્રણીઓ, કાર્યકરો અને સમર્થકોની ઉપસ્થિતિમાં સંજય પીપળીયા અને સામત બાંભવાએ કલેક્ટર સમક્ષ પોતાના હોદ્દા માટેના ફોર્મ સબમિટ કર્યા હતા. આ નવી વરણીઓ સાથે રાજકોટ જિલ્લા પંચાયતના શાસનનું નવું માળખું આકાર લઈ ચૂક્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ સંજય પીપળીયાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં જિલ્લાના છેવાડાના ગામોનો વિકાસ કરવો અને પૂર્વ સરકારના અધૂરા રહેલા વિકાસ કાર્યોને પૂર્ણ કરવા તે તેમની પ્રાથમિકતા રહેશે. જિલ્લા પંચાયતમાં ભૂતકાળમાં થયેલા કથિત રૂ. 84 લાખના ભ્રષ્ટાચારના આક્ષેપો અને તપાસ સમિતિના અહેવાલ અંગે પૂછવામાં આવતા, સંજય પીપળીયાએ જણાવ્યું હતું કે, આ બાબત હાલ તેમના ધ્યાનમાં નથી. પરંતુ તેઓ સત્તાવાર રીતે પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા બાદ આ સમગ્ર મામલાની તટસ્થ અને વ્યવસ્થિત તપાસ કરાવશે. હાલ રાજકોટ જિલ્લામાં રૂ. 36 થી 37 કરોડના ખર્ચે પંચાયતનું નવું ભવન નિર્માણ પામી રહ્યું છે, જે કામ આગામી 1 વર્ષમાં પૂર્ણ થઈ જવાની શક્યતા વ્યક્ત કરી હતી. તેમજ શહેરની જેમ જ ગ્રામ્ય વિસ્તારોનો પણ સમાંતર વિકાસ થાય તે દિશામાં તેમની ટીમ સતત કાર્યરત રહેશે તેવી ખાતરી આપી હતી. મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી સામાજિક સમરસતાના સંદેશ સાથે આગળ વધી રહી છે. આ જ વિચાર સાથે પક્ષમાં સક્રિય રીતે કામ કરતા યુવા અને શિક્ષિત લોકોને જનપ્રતિનિધિ તરીકે તક આપવામાં આવી છે. પક્ષના પાયાના કાર્યકરો, બૂથ પ્રમુખ, શક્તિ કેન્દ્રના સંયોજકો અને પક્ષની નાની-મોટી જવાબદારીઓ સંભાળતા સભ્યોને આ મહત્વનું સ્થાન મળ્યું છે. સંજયભાઈ પીપળીયા ચૂંટાયેલા સરપંચ હોવાની સાથે પક્ષના વરિષ્ઠ આગેવાન છે, જ્યારે સામંતભાઈ બાંભવા છેલ્લા 3 ટર્મથી ગોંડલ તાલુકા ભાજપના મહામંત્રી તરીકે કાર્યરત છે અને પૂર્વે બક્ષીપંચ મોરચામાં પણ પ્રમુખ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. ભાજપમાં કોઈ પણ પ્રકારની નારાજગી કે આંતરિક વિખવાદ હોવાની ચર્ચાઓને સખત શબ્દોમાં નકારી કાઢી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે છેલ્લા 5 વર્ષ (2021 થી 2026) દરમિયાન પ્રવીણાબેન અને ભૂપતભાઈના નેતૃત્વમાં ખૂબ જ સારું અને ઐતિહાસિક શાસન ચાલ્યું છે. વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે તેમણે જણાવ્યું કે જાહેર જીવનમાં આક્ષેપો થતા રહે છે, પરંતુ તથ્યો અને પુરાવા વિનાના આવા આક્ષેપો માત્ર રાજકીય હેતુ પ્રેરિત હોય છે. ભાજપ એક શિસ્તબદ્ધ અને કેડર આધારિત પક્ષ છે, જ્યાં તમામ સભ્યો એક પરિવારની જેમ કામ કરે છે. સમાજના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કટિબદ્ધ રહેશે. આગામી દિવસોમાં આરોગ્ય, રોડ-રસ્તા અને જનસુખાકારીના કાર્યોને પ્રાથમિકતા આપીને લોકોની સુવિધામાં વધારો કરવા માટેના તમામ જરૂરી પગલાં લેવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી હતી. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે રાજકોટ જિલ્લા પંચાયતની નવી બોડીનું પ્રથમ જનરલ બોર્ડ યોજાનાર છે. જેમાં હવે કારોબારી સમિતિના ચેરમેન સહિત અન્ય મહત્વની સમિતિઓના ચેરમેનોના નામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે, જેના પર અત્યારે સૌની નજર ટકેલી છે. નવા વરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ સામે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવવાનો મુખ્ય પડકાર રહેશે. તેમજ ગતટર્મનાં શાસકો પર જિલ્લા પંચાયત કચેરીના સ્થળાંતરમાં લાગેલા ભ્રષ્ટાચારનાં આરોપોનો જવાબ પણ નવા શાસકોએ આપવો પડે તેવી શક્યતા છે.
Read Original Article →