રાજકોટમાં 1.29 કરોડના દાગીના ચોરનાર આરોપી ઝડપાયો:ગોપાલ સોનીએ દાગીના ઓગાળી વેચી નાખ્યા, આરોપીએ અમદાવાદના નરોડાના શખ્સને દાગીના આપ્યા'તા
રાજકોટ શહેરના અમીન માર્ગ પર વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે, જેમાં ‘એવિક્સ જ્વેલર્સ’ નામના પ્રખ્યાત શોરૂમના સંચાલક સાથે શોરૂમમાં જ કામ કરતા સેલ્સમેને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. સેલ્સમેન દ્વારા પ્રથમ શોરૂમ સંચાલકનો વિશ્વાસ કેળવી ગ્રાહકોને વેચવા માટેના અંદાજે રૂ. 1.29 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ કિંમતી ઘરેણાંની હેરાફેરી કરીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ માલવિયાનગર પોલીસમાં નોંધાતા પોલીસે આરોપી ગોપાલ સોનીની ધરપકડ કરી મુદામાલ રિકવર કરવા તેમજ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. 1.29 કરોડના ઘરેણાં મેળવી આરોપીએ છેતરપિંડી આચરી
રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 13 માર્ચ 2026ના રોજ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમના એવિકસ જવેલર્સમાંથી ગ્રાહકોને દાગીના વેચવા બહાને 719.544 ગ્રામ સોનું અને ડાયમંડ મળી કુલ રૂ.1.29 કરોડના ઘરેણાં મેળવી જઇ આરોપીએ છેતરપિંડી આચરી છે જે ફરિયાદની તપાસ કરતા આજ રોજ માલવિયા નગર પોલીસે ટેક્નિકલ તથા હ્યુમન સોર્સીસ મદદથી અમદાવાદના આરોપી ગોપાલ સોનીને ઝડપી પાડવામાં આવ્યો છે. સોનું ઓગાળી બારોબાર વેચી નાખતા
પોલીસ તપાસમાં આરોપી ગોપાલ સોની જ્વેલર્સ શોરૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હોવાથી ગ્રાહકોને દાગીના બતાવવા અને સ્ટોકની જાળવણી કરવાની જવાબદારી તેની પાસે હોવાનું જાણવા મળ્યું છે અને આ જ બાબતનો ફાયદો ઉઠાવી તેણે સંચાલકોની નજર ચૂકવી લાખો રૂપિયાના દાગીના સેરવી લીધા હતા. આરોપીની સઘન પુછપરછ દરમિયાન તેની સાથે અન્ય એક આરોપી નિખિલની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે, જેમાં બન્ને સાથે મળી સોનું લઈ ઓગાળી નાખતા હોવાનું બારોબાર વેચીને રોકડ રકમ મેળવી લેતા હોવાની કબૂલાત આપી છે. અગાઉ 2024માં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ચૂકી હતી
હાલ માલવીયાનગર પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ છેતરપિંડીથી મેળવેલ મુદામાલ ક્યાં છુપાવ્યો છે અથવા કોને વેચ્યો છે તે અંગે સઘન પુછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત અન્ય કોઈ શખ્સો તેની સાથે ગુનામાં સામેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી મુદ્દામાલ રિકવર કરવા પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આરોપી ગોપાલ સોની વિરુદ્ધ અગાઉ વર્ષ 2024માં પણ રાજસ્થાનમાં છેતરપિંડી અંગે એક ફરિયાદ નોંધાઈ ચૂકી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
Read Original Article →